આતંકવાદ સામે ભારતની બદલાની કાર્યવાહી ‘ઓપરેશન સિંદૂર’થી પાકિસ્તાનને ભારે નુકસાન થયું છે. આનાથી હતાશ થઈને પાકિસ્તાને સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હુમલા શરૂ કર્યા છે. જોકે, ભારત દ્વારા મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન પાકિસ્તાન દ્વારા કરવામાં આવી રહેલા હુમલામાં જમ્મુ અને કાશ્મીરના એક અધિકારીનું મોત થયું છે, જેની માહિતી મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આપી છે.
ઓમર અબ્દુલ્લાએ પોસ્ટ પર લખ્યું, રાજૌરીથી દુઃખદ સમાચાર. આપણે જમ્મુ અને કાશ્મીર વહીવટી સેવાના એક સમર્પિત અધિકારી ગુમાવ્યા છે. ગઈકાલે જ તેઓ નાયબ મુખ્યમંત્રી સાથે જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા હતા અને મારી અધ્યક્ષતામાં ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આજે અધિકારીના નિવાસસ્થાન પર પાકિસ્તાની ગોળીબાર કરવામાં આવ્યો હતો. રાજૌરી શહેરને નિશાન બનાવવામાં આવ્યું હતું. આમાં આપણા અધિક જિલ્લા વિકાસ કમિશનર રાજ કુમાર થાપાનું મૃત્યુ થયું. જાનમાલના આ ભયંકર નુકસાન પર આઘાત અને દુઃખ વ્યક્ત કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. તેમના આત્માને શાંતિ મળે.
સવારે લગભગ 5.30 વાગ્યે પાકિસ્તાનથી હુમલો થયો ત્યારે થાપા તેમના ઘરે હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને તે બહાર આવ્યા હતા. ત્યાર બાદ તેઓ તેમના રૂમમાં ગયા હતા. ત્યાર બાદ તેમના રૂમ પર પાકિસ્તાની હુમલો થયો હતો. આ હુમલાઓમાં અધિકારી ઉપરાંત અન્ય બે લોકોના પણ મોત થયા હતા. તેમાં એક બાળક અને એક મહિલાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનથી મોકલવામાં આવેલા ડ્રોનનો નાશ કરવામાં આવ્યો
શનિવારે સવારે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં અનેક વિસ્ફોટોના અવાજ સંભળાયા. વિસ્ફોટો ઓછામાં ઓછા અડધા કલાક સુધી વચ્ચે-વચ્ચે ચાલુ રહ્યા. વિસ્ફોટ ક્યાં થયા તે અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
આ અગાઉ શુક્રવારે સાંજે કાશ્મીરના બારામુલ્લાથી ગુજરાતના ભૂજ સુધી, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા હતા અને તેમને તોડી પાડવામાં આવ્યા હતા. જમ્મુ અને કાશ્મીરમાં, બારામુલ્લા, શ્રીનગર, અવંતિપોરા, નાગરોટા અને જમ્મુમાં પાકિસ્તાનથી આવતા ડ્રોનને નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.