Business

પાકિસ્તાને છેલ્લી 7 વિકેટ માત્ર 36 રનમાં ગુમાવી, 191 પર ઓલઆઉટ

અમદાવાદ: આઈસીસી વન ડે વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાવાની છે. ભારતે ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે, ટીમમાં શુભમન ગિલ પરત ફર્યો છે. ઈશાન કિશનને ડ્રોપ કરવામાં આવ્યો છે.

ભારતીય ટીમના સમર્થકોથી ખચોખચ ભરેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાનની ટીમે સારી શરૂઆત હતી. પાકિસ્તાનની ટીમની નિયમિત વિકેટો પડવા છતા રનરેટ જાળવી રાખી હતી. કેપ્ટન બાબર આઝમ અને વિકેટ કિપર બેટ્સમેન રિઝવાનની સારી બેટિંગના લીધે પાકિસ્તાનનો સ્કોર સારી ગતિથી વધી રહ્યો હતો, પરંતુ સિરાજે બાબર આઝમને આઉટ કર્યો ત્યાર બાદ પાકિસ્તાનની ટીમનું પતન શરૂ થયું હતું.

ભારતના બોલરોની કાતિલ બોલિંગ સામે પાકિસ્તાનના બેટ્સમેનોએ ઘૂંટણિયા ટેકવી દીધા હતા. સિરાજ બાદ કુલદીપ, બુમરાહ અને હાર્દિક પંડ્યાની કાતિલ બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ પત્તાના મહેલની જેમ પડી ભાંગી હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 155 પર 3 હતો. પરંતુ ત્યાર બાદ ભારતીય બોલરોની કાતિલ બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેનોની ટપોટપ વિકેટ પડી હતી. માત્ર 36 રનમાં પાકિસ્તાને 7 વિકેટ ગુમાવી હતી. આખી ટીમ 191ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. સિરાજ, કુલદીપ, બુમરાહ અને હાર્દિક પંડ્યાએ બે-બે વિકેટ લીધી હતી. રવિન્દ્ર જાડેજાને 2 વિકેટ મળી હતી.

વર્લ્ડકપમાં પહેલી બે મેચ જીતીને બંને મજબૂત ટીમો એકબીજા સામે આ ટુર્નામેન્ટની ત્રીજી મેચ રમી રહી છે, ત્યારે બંને કટ્ટર હરીફ ટીમો એકબીજાને મજબૂત ટક્કર આપી રહી છે. મેચની પહેલી 25 ઓવરમાં પાકિસ્તાને બે વિકેટ ગુમાવી 125 રન બનાવ્યા છે. પાકિસ્તાનના બેટ્સમેનો બે વિકેટ ગુમાવ્યા બાદ સતત સાડા પાંચની રનરેટથી રન બનાવી રહ્યાં હતાં, ત્યારે 155ના સ્કોર પર મોહમ્મદ સિરાજે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનું ઓફ સ્ટમ્પ ઉડાવી દીધું હતું. બાબર 50 રન બનાવી આઉટ થયો હતો.

બાબરના આઉટ થયા બાદ કુલદીપ યાદવ રંગમાં આવ્યો હતો. એક જ ઓવરમાં બે વિકેટ ખેરવી હતી. શફીક અને અહેમદને આઉટ કર્યા હતા. પાકિસ્તાનની 166 પર 5 વિકેટ પડી ગઈ હતી. હજુ તો સ્કોરમાં 4 રનનો ઉમેરો થાય ત્યાં બુમરાહે રિઝવાનને તેના અંગત 49ના સ્કોર પર આઉટ કરી પાકિસ્તાન ટીમની કમર તોડી નાંખી હતી. રિઝવાન બાદ શાદાબને પણ બુમરાહે બોલ્ડ કર્યો હતો. 171 ના સ્કોર પર પાકિસ્તાને 7 વિકેટ ગુમાવી દીધી હતી.

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેયિડમ આજે બ્લુ રંગથી રંગાઈ ગયું છે. આજે અહીં ભારત પાકિસ્તાન વચ્ચે વન-ડે વર્લ્ડકપ 2023નો સૌથી મોટો મુકાબલો રમાનાર હોય સવારથી જ પ્રેક્ષકોનો રોમાંચ ચરમસીમાએ છે. દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ખચોખચ ભરાઈ ગયું છે. અંદાજે 1.30 લાખ પ્રેક્ષકો આજે મેચ સ્ટેડિયમમાં બેસી જોશે. આ મહામુકાબલાને જોવા માટે સચિન તેન્ડુલકર, અનુષ્કા શર્મા જેવી અનેક સેલિબ્રિટીઓ પણ સ્ટેડિયમમાં પહોંચી ગઈ છે.

બંને કટ્ટર હરીફ ટીમો આ મેચ પહેલા ODI વર્લ્ડ કપમાં સાત વખત સામસામે આવી ચુકી છે. સાત વખત ભારતીય ટીમે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. બંને દેશો વચ્ચે આ એકંદરે 135મી ODI મેચ છે. આ પહેલા બંને દેશો વચ્ચે 134 મેચ રમાઈ ચૂકી છે. જ્યારે ભારતે 56 મેચ જીતી છે જ્યારે પાકિસ્તાને 73 મેચ જીતી છે. ખાસ વાત એ છે કે જ્યારે પણ ODI વર્લ્ડ કપ મેચમાં બંને દેશ આમને-સામને આવ્યા છે ત્યારે સાતેય મોકા પર ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે કચડી નાખ્યું છે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: અબ્દુલ્લા શફીક, ઈમામ-ઉલ-હક, બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સઈદ શકીલ, ઈફ્તિખાર અહેમદ, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, હસન અલી, શાહીન આફ્રિદી, હરિસ રઉફ.

Most Popular

To Top