મુન્દ્રા અદાણી પોર્ટ (Mundra Adani Port) ની એડવાઇઝરી મુજબ અફઘાન, પાકિસ્તાન (Pakistan) અને ઈરાનના જહાજ કન્ટેનર હવે અદાણી પોર્ટ પર નહીં ઉતરે. મુન્દ્રા પોર્ટ પર ગેરકાયદેસર ડ્રગ્સના કાર્ગો (Cargo) ના કારણે આ એડવાઇઝરી જાહેર કરાઇ છે. સપ્ટેમ્બરમાં કચ્છમાં અદાણીના મુંદ્રા પોર્ટથી અંદાજે 3000 કિલો ડ્રગ્સ પકડાયું હતું. જેને કારણે આ નિર્ણય લેવાયો છે. 15 નવેમ્બરથી આ ત્રણ દેશમાંથી આવતાં શિપમેન્ટ મુન્દ્રા પોર્ટ (Mundra Port) પર નહીં ઊતરે. 16 સપ્ટેમ્બરના રોજ મુંદ્રા પોર્ટ પરથી મળી આવેલા ડ્રગ્સ મામલે દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે જેની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી રહી છે.
ટ્રેડ એડવાઇઝરીમાં અદાણી પોર્ટ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુબ્રત ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 15 નવેમ્બરથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાનથી આવતા કોઈપણ કાર્ગોનું હેન્ડલિંગ અદાણી પોર્ટ પર કરવામાં આવશે નહીં. આ સાથે કંપની દ્વારા સંચાલિત અન્ય થર્ડ પાર્ટી ટર્મિનલ્સ પર પણ આ દેશોથી આવતાં શિપમેન્ટનું હેન્ડલ કરવામાં આવશે નહીં. 16 સપ્ટેમ્બરના રોજ મુંદ્રા પોર્ટ પરથી મળી આવેલા ડ્રગ્સ મામલે તાલિબાન (Taliban) અને આઇએસઆઇ (ISI) નું કનેક્શન સામે આવ્યું હતું. આ મામલે દિલ્હીથી અફઘાની નાગરિક સહિત ત્રણની ધરપકડ કરવામાં આવી છે. એવામાં એનઆઇએ તપાસ કરી રહી છે. ત્યારે મુન્દ્રા અદાણી પોર્ટ પર આ બિઝનેસ એડવાઝરી જાહેર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે મુન્દ્રા પોર્ટ પરથી 3 હજાર કિલો હેરોઈન કેસમાં ડીઆરઆઈ (DRI) એ ટેલ્ક સ્ટોનના નામે માલ મંગાવનાર આયાતકાર પેઢીના સંચાલક દંપત્તિના 10 દિવસના રીમાન્ડ મેળવ્યા છે. આરોપી મચવરમ્ સુધાકર અને તેની પત્નીને ભુજની સ્પેશિયલ NDPS કોર્ટમાં પાલારાથી વિડિયો કોન્ફરન્સ મારફતે રજૂ કરાયાં હતા. આરોપી દંપતી તમિલનાડુના ચેન્નાઈનું રહીશ છે.
દરમ્યાન આ મામલે અદાણી ગ્રુપે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું જેમાં કહ્યું હતું કે કાયદો ભારત સરકારના કસ્ટમ્સ અને DRI જેવા સક્ષમ અધિકારીઓને ગેરકાયદે કાર્ગો ખોલવા, તપાસવા અને જપ્ત કરવાની સત્તા આપે છે. દેશભરમાં કોઈ પોર્ટ ઓપરેટર કન્ટેનરની તપાસ કરી શકતું નથી. પોર્ટ ઓપરેટરની ભૂમિકા બંદર ચલાવવા સુધી મર્યાદિત છે. ત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે કચ્છમાં અદાણી પોર્ટ પરથી ડ્રગ્સ પકડાયા બાદ કંપની સવાલોના ઘેરામાં આવી ગઈ હતી જેને લઈને કંપનીએ આ નિર્ણય કર્યો છે.