કરાચી: પાકિસ્તાન (pakistan)ના દક્ષિણી સિંધ પ્રાંતમાં બે મુસાફર ટ્રેનો (passenger train) વહેલી સવારે અથડાઇ પડતા ઓછામાં ઓછા 50 નાં મોત (death) થયા હતા તથા અન્ય 70ને ઇજા (injured) થઇ હતી, જેના પગલે રાહત અને બચાવ કાર્ય (rescue work) માટે સત્તાવાળાઓએ લશ્કર (army) અને અર્ધલશ્કરી દળો (pera military) બોલાવવા પડ્યા હતા.
કરાચીથી સરગોધા જઇ રહેલ મિલ્લત એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી અને બાજુના પાટા પર પડી હતી, તે જ સમયે રાવલપિંડીથી કરાચી આવી રહેલ સર સૈયદ એક્સપ્રેસ તેની સાથે ભટકાઇ પડી હતી એમ પાકિસ્તાન રેલવેઝના એક પ્રવકતાએ જણાવ્યું હતું. આ અકસ્માત ધારકી નજીક બન્યો હતો, જે શહેર અપર સિંધના ઘોટકી જિલ્લામાં આવેલું છે. આ અકસ્માતમાં મિલ્લત એકસપ્રેસના બે ડબ્બાઓ ઉંધા વળી ગયા હતા. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 50 જણાએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને અન્ય 70 ને ઇજાઓ થઇ છે એમ ઘોટકીના ડેપ્યુટી કમિશ્નર ઉસ્માને જણાવ્યું હતું. મૃતકોમાં કેટલાક રેલવે અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. ઇજાગ્રસ્તોને જ્યાં લઇ જવામાં આવ્યા હતા તે ઘોટકી, ધારકી, ઓબારો અને મિરપુર માથેલોની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને આ અકસ્માત પ્રત્યે આઘાતની લાગણી વ્યક્ત કરી હતી.
સર સૈયદ એક્સપ્રેસના ડ્રાઇવર એજાઝ શેખે જણાવ્યું હતું કે તેની ટ્રેન સામાન્ય ગતિએ દોડી રહી હતી, તે સમયે પાટા પર મિલ્લત એક્સપ્રેસની ખડી પડેલી બોગીઓ તેણે જોઇ હતી. અંતર ટૂ઼ંકુ હોવાને કારણે તેની ટ્રેન મિલ્લત એક્સપ્રેસના ખડી પડેલા ડબ્બાઓમાં ઘૂસી ગઇ હતી. આ ડ્રાઇવરને પણ અકસ્માતના બે કલાક પછી ટ્રેનમાંથી બહાર કાઢી શકાયો હતો. જીઓ ન્યૂઝ સાથે વાતચીત કરતા ઘોટકીના ડેપ્યુટી કમિશ્નરે જણાવ્યું હતું કે આ અકસ્માતમાં 13 થી 14 બોગીઓ ખડી પડી હતી જ્યારે આઠનો તો સંપૂર્ણ નાશ થયો હતો.
કાટમાળમાં ફસાયેલા મુસાફરોને કાઢવાનું કામ પડકારરૂપ બની ગયું હતું અને આ માટે લશ્કરની પણ મદદ લેવામાં આવી હતી. સંપૂર્ણ ઉંધા વળી ગયેલા બે ડબ્બાઓમાં હજી પણ 20 જેટલા મુસાફરો ફસાયા હોવાનું મનાય છે અને સત્તાવાળાઓને ભય છે કે મૃત્યુઆંક વધી શકે છે.