નવી દિલ્હીઃ લેબનોનની રાજધાની બેરૂત અને દક્ષિણ લેબેનોનના કેટલાક વિસ્તારોમાં ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં સ્થાનિક સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. હિઝબુલ્લાહનો ગઢ માનવામાં આવતા આ વિસ્તારો વિસ્ફોટોથી હચમચી ગયો હતો. રોયટર્સના અહેવાલ મુજબ આ વિસ્ફોટો લગભગ એક કલાક સુધી ચાલુ રહ્યા હતા. દાનિયાહ વિસ્તારના સ્થાનિક લોકોનું કહેવું છે કે તેઓને લગભગ એક કલાક સુધી બ્લાસ્ટના અવાજો સાંભળ્યા હતા.
પેજર હુમલામાં લેબનીઝ સાંસદના પુત્રનું મૃત્યુ થયું છે. હિઝબુલ્લાના એક અધિકારીએ રોઇટર્સને જણાવ્યું હતું કે હુમલામાં હિઝબુલ્લાના બે વરિષ્ઠ અધિકારીઓના પુત્રો પણ ઘાયલ થયા છે. પરંતુ તેઓ ખતરાની બહાર છે. પેજર બ્લાસ્ટમાં લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાઈની એક આંખને નુકસાન થયું છે. જ્યારે બીજી આંખ ખરાબ રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના સભ્યોએ જણાવ્યું હતું કે વિસ્ફોટમાં અમાનીની આંખોને નુકસાન થયું હતું. તેને સારવાર માટે તેહરાનની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. આ ઘટનાના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે અમાની લેબનોનની સડકો પર છે. તેનો શર્ટ સંપૂર્ણપણે લોહીથી લથપથ છે અને તેની આંખોને નુકસાન થયું હોવાનું જણાય છે.
સ્કાય ન્યૂઝ અરેબિયાના અહેવાલ મુજબ ઇઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે હિઝબુલ્લાહના પેજરની અંદર PETN ફીટ કર્યું હતું. તે પેજરની બેટરી પર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું હતું. આ પેજર્સ બેટરીનું તાપમાન વધારીને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ વિસ્ફોટકનું વજન 20 ગ્રામથી ઓછું હતું.
અમેરિકન અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પેજર્સ તાઈવાનની એક કંપનીના AP924 મોડલના હતા. તાઈવાનથી લેબનોન મોકલવામાં આવેલા પેજરના બેચમાં દરેક પેજર સાથે એકથી બે ઔંસ વિસ્ફોટકો જોડાયેલા હતા. આ વિસ્ફોટક પેજરમાં લગાવેલી બેટરીની બાજુમાં લગાવવામાં આવ્યું હતું.
રિપોર્ટ અનુસાર લેબનોનમાં બપોરે 3.30 વાગ્યે આ પેજર્સ પર એક મેસેજ આવ્યો હતો. આ સંદેશે પેજરમાં ફીટ કરાયેલા વિસ્ફોટકને સક્રિય કરી દીધો હતો. દાવો કરવામાં આવી રહ્યો છે કે પેજર ડિવાઈસમાં વિસ્ફોટ પહેલા કેટલીક સેકન્ડો સુધી બીપિંગનો અવાજ સંભળાયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર મોસાદે ખરેખર આ વિસ્ફોટક પેજરની અંદરની બેટરીમાં લગાવ્યું હતું. કોઈપણ ઉપકરણ અથવા સ્કેનરથી આ વિસ્ફોટકને શોધવું ખૂબ મુશ્કેલ છે.