Top News

More Posts

   The Latest

Most Popular

રૂપિયાના મૂલ્યમાં ઘટાડાની ચિંતાઓ વચ્ચે હાલમાં એક કંઇક સારા આર્થિક સમાચાર આવ્યા છે અને તે એ છે કે નવેમ્બર મહિનામાં ભારતના માલની વિદેશોમાં થતી નિકાસમાં વધારો થયો છે અને આયાતમાં પણ થોડો ઘટાડો થયો છે જેને પરિણામે દેશની વેપાર ખાધ ઘટી છે. ઓક્ટોબરમાં ઘટાડા બાદ નવેમ્બરમાં ભારતની નિકાસ ૧૯.૩૭ ટકા વધીને ૩૮.૧૩ અબજ ડોલરની છ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે.

એન્જિનિયરિંગ અને ઇલેક્ટ્રોનિક્સ માલના ઊંચા શિપમેન્ટને કારણે વેપાર ખાધને પાંચ મહિનાના નીચલા સ્તરે ૨૪.૫૩ અબજ ડોલર સુધી ઘટાડવામાં મદદ મળી છે. સોમવારે જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર, સમીક્ષા હેઠળના મહિના દરમિયાન સોનું, ક્રૂડ ઓઇલ, કોલસો અને કોકના બહારથી આવતા શિપમેન્ટ્સમાં ઘટાડો થવાને કારણે દેશની આયાત ૧.૮૮ ટકા ઘટીને ૬૨.૬૬ અબજ ડોલર થઈ ગઈ હતી. 

નવેમ્બર મહિનામાં સોનાની આયાત ૫૯.૧૫ ટકા ઘટીને ૪ અબજ ડોલર થઈ ગઈ છે. આ મહિના દરમિયાન ક્રૂડ ઓઇલની આયાત પણ ૧૧.૨૭ ટકા ઘટીને ૧૪.૧૧ અબજ ડોલર થઈ છે. આયાતમાં ઘટાડાથી નવેમ્બરમાં દેશની વેપાર ખાધ (આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત) ઘટાડવામાં પણ મદદ મળી છે. આ વર્ષે અગાઉનું સૌથી નીચું સ્તર પાંચ મહિના પહેલા ૧૮.૭૮ અબજ ડોલર હતું. ઓક્ટોબરમાં વેપાર ખાધ ૪૧.૬૮ અબજ ડોલરની રેકોર્ડ સપાટીએ રહી હતી. એપ્રિલ-નવેમ્બર દરમિયાન કુલ નિકાસ ૨.૬૨ ટકા વધીને ૨૯૨.૦૭ અબજ ડોલર થઈ હતી, જ્યારે આઠ મહિના દરમિયાન આયાત ૫.૫૯ ટકા વધીને ૫૧૫.૨૧ અબજ ડોલર થઈ હતી. ખાધ ૨૨૩.૧૪ અબજ ડોલર થઈ હતી.

અમેરિકા દ્વારા ભારતીય માલ પર ૫૦ ટકાના ભારે ટેરિફ લાદવામાં આવ્યા હોવા છતાં નિકાસમાં વૃદ્ધિ નોંધાઈ છે. આ એક મહત્વની બાબત છે. ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, રસાયણો, રત્નો અને ઝવેરાત જેવા ક્ષેત્રોએ દેશના માલસામાનના નિકાસને વેગ આપવામાં મદદ કરી છે. ભારત હજી પણ કાપડ, પ્રોસેસ્ડ ફૂડ વગેરેની નિકાસમાં પાછળ રહી જતું જણાય છે. નવેમ્બરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પણ ૧૧.૬૫ ટકા વધીને ૩.૯૩ અબજ ડોલર થઈ છે. આ પેટ્રોલિયમ ઉત્પાદનો તે છે કે જેમાં અન્ય દેશોમાંથી કાચુ ક્રૂડ મંગાવીને તેને રિફાઇન કરીને ભારત નિકાસ કરે છે.

નિકાસ બજારોના વૈવિધ્યકરણે ઘણા મુખ્ય ક્ષેત્રોની સતત સ્થિતિસ્થાપકતા સાથે નિકાસ વૃદ્ધિને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. અમેરિકા દ્વારા ઊંચા ટેરિફની અસરને કારણે ઓક્ટોબરમાં ભારતની નિકાસ 11.8 ટકા ઘટીને 34.38 બિલિયન ડોલર થઈ હતી, જ્યારે વેપાર ખાધ 41.68 બિલિયન ડોલરની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી હતી, જેનું મુખ્ય કારણ તે મહિનામાં સોનાની આયાતમાં વધારો હતો. કામચલાઉ આંકડાઓ અનુસાર, નવેમ્બરમાં સેવાઓની નિકાસનું અંદાજિત મૂલ્ય 35.86 અબજ ડોલર હતું. સૌથી નોંધપાત્ર વાત એ છે કે સતત બે મહિના સુધી નકારાત્મક વૃદ્ધિ નોંધાવ્યા પછી, નવેમ્બરમાં ભારતની અમેરિકામાં નિકાસ 22.61 ટકા વધીને 6.98 અબજ ડોલર થઈ છે, જ્યારે કે અમેરિકાએ ભારતથી થતી આયાત પર પ૦ ટકાના દરે વેરો લાગુ કર્યો છે.

આ નાણાકીય વર્ષના એપ્રિલ-નવેમ્બરના સમયગાળા દરમિયાન, દેશની અમેરિકામાં નિકાસ 11.38 ટકા વધીને 59.04 અબજ ડોલર થઈ છે, જ્યારે આયાત 13.49 ટકા વધીને 35.4 અબજ ડોલર થઈ છે.અમેરિકાએ 27 ઓગસ્ટથી અમેરિકન બજારોમાં પ્રવેશતા ભારતીય માલ પર 50 ટકાનો જંગી જકાત લાદી છે. બંને દેશો દ્વિપક્ષીય વાણિજ્યને વેગ આપવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે. ભારતીય ટીમ વેપાર વાટાઘાટો માટે વોશિંગ્ટનમાં છે. નવેમ્બરમાં ભારતની નિકાસો વધી છે અને વેપાર ખાધ ઘટી છે પરંતુ આ પ્રવાહ જળવાઇ રહેવો જોઇએ. 

To Top