Top News

More Posts

   The Latest

Most Popular

મંગલમ કાસ્ટિંગ કંપનીના ગેટ પર શોક સાથે વિરોધ

( પ્રતિનિધિ ) વાઘોડિયા, વડોદરા, તા.19

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાની જીઆઇડીસી વિસ્તારમાં આવેલી મંગલમ કાસ્ટિંગ કંપનીમાં સર્જાયેલા ગંભીર અકસ્માતથી સમગ્ર ઉદ્યોગ વિસ્તારમાં શોક અને રોષનો માહોલ ફેલાયો છે. ક્રેનનો લોખંડી ભાગ તૂટતાં એક કામદારનો પગ કપાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર મળે તે પહેલાં જ કામદારે દમ તોડ્યો હતો.

વાઘોડિયા જીઆઇડીસીની મંગલમ કાસ્ટિંગ કંપનીમાં રોજિંદી કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન ઉત્પાદન વિભાગમાં ઉપયોગમાં લેવાતી ક્રેનનો એક ભારે લોખંડી ભાગ અચાનક તૂટી પડ્યો હતો. ઘટનાના સમયે કામદાર ગુલાબસિંહ પરમાર ક્રેનની નજીક કામગીરી કરી રહ્યા હતા. ભારે ભાગ તેમના પર તૂટી પડતાં તેમનો પગ કપાઈ ગયો હતો અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવના પગલે કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી અને તમામ મશીનરી તાત્કાલિક બંધ કરાઈ હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા કામદાર ગુલાબસિંહ પરમારને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે તેમને વડોદરાની સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જોકે, સયાજી હોસ્પિટલ લઈ જતી વખતે જ રસ્તામાં જ ગુલાબસિંહ પરમારનું દુઃખદ અવસાન થયું હતું. આ ઘટનાથી પરિવારજનો, સાથી કામદારો તેમજ ગામજનો ભારે શોકમાં મુકાઈ ગયા છે.
કંપની ગેટ પર ધરણાં, બેદરકારીના આક્ષેપ

મોતના સમાચાર મળતા જ મૃતકના પરિવારજનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં કંપની ગેટ પર પહોંચી ગયા હતા અને શોક વચ્ચે ધરણા પર બેસી વિરોધ નોંધાવ્યો હતો. પરિવારજનોએ અકસ્માત માટે કંપનીની બેદરકારી જવાબદાર હોવાના આક્ષેપ કરી યોગ્ય ન્યાય અને વળતરની માંગ ઉઠાવી હતી. પરિસ્થિતિ તંગ ન બને તે માટે વાઘોડિયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પરિવાર સાથે ચર્ચા કરી સહાય અને વળતર અંગેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ કંપનીની કામગીરી બંધ છે અને સમગ્ર જીઆઇડીસી વિસ્તારમાં શોક અને ગુસ્સાનો માહોલ યથાવત છે.

આ દુર્ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા વ્યવસ્થાઓના મુદ્દાને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે.

To Top