Top News

More Posts

   The Latest

Most Popular

આસામના લોકપ્રિય ગાયક ઝુબીન ગર્ગના રહસ્યમય મૃત્યુ પછી તપાસ વધુ ગંભીર બની છે. સિંગાપોરમાં દરિયામાં તરતા સમયે તા. 19 સપ્ટેમ્બરના રોજ થયેલા તેમના મોતને લઈને અનેક એફઆઈઆર નોંધાઈ છે. આ કેસમાં ગત રોજ ગુરુવારે પોલીસે બે નવી ધરપકડ કરી છે.

પોલીસે સંગીતકાર શકરજ્યોતિ ગોસ્વામી અને મહિલા ગાયિકા અમૃતપ્રભા મહંતને અટકાયત કરી છે. બંને લોકો ઘટનાના સમયે ઝુબીન ગર્ગની સાથે હાજર હતા. પૂછપરછ માટે બોલાવ્યા બાદ સામે આવેલા પુરાવાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ગોસ્વામી અને અમૃતપ્રભા પાસે એવા પુરાવા મળ્યા છે જે તેમને કેસ સાથે સીધા જોડે છે.

પહેલેથી જ ચાર લોકોની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીમાં કુલ ચાર લોકોની ધરપકડ થઈ ચૂકી છે. તેમાં ઝુબીન ગર્ગના મેનેજર સિદ્ધાર્થ શર્મા અને ઉત્સવના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંતનો સમાવેશ થાય છે. બંને સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે.

આસામ પોલીસના CID (ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ)ના સ્પેશિયલ ડાયરેક્ટર જનરલ મુન્ના પ્રસાદ ગુપ્તાએ જણાવ્યું કે કોર્ટએ શર્મા અને શ્યામકાનુને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. ગુપ્તાએ જણાવ્યું કે તપાસ હજુ ચાલુ છે એટલે તમામ વિગતો બહાર મૂકવી શક્ય નથી.

હત્યાની કલમ ઉમેરાઈ
પોલીસે આ કેસમાં BNSની કલમ 103નો સમાવેશ કર્યો છે. જે હત્યાની સજા સાથે સંબંધિત છે. આ કારણે કેસ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરતો જણાઈ રહ્યો છે. શ્યામકાનુ મહંતના રાજકીય અને વહીવટી સંબંધો પણ ધ્યાન કેન્દ્ર બન્યા છે. તેઓ પૂર્વ પોલીસ મહાનિર્દેશક ભાસ્કર જ્યોતિ મહંતના નાના ભાઈ છે. તેમ જ તેમના બીજા ભાઈ નાની ગોપાલ મહંત ગૌહાટી યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર રહ્યા છે અને હાલ મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માના નજીકના સલાહકાર માનવામાં આવે છે.

શ્યામકાનુ સામે પહેલાથી જ 60થી વધુ FIR
પોલીસ અનુસાર ઉત્તરપૂર્વ ભારત મહોત્સવના મુખ્ય આયોજક શ્યામકાનુ મહંત સામે રાજ્યમાં પહેલેથી જ 60થી વધુ FIR દાખલ છે. આ જ મહોત્સવમાં ભાગ લેવા માટે ઝુબીન ગર્ગ સિંગાપોર ગયા હતા. તેમના મેનેજર શર્મા સહિત 10 જેટલા અન્ય લોકો સામે પણ એફઆઈઆર નોંધાઈ છે.

રહસ્યમય મોતથી ચકચાર
ઝુબીન ગર્ગનું મૃત્યુ સિંગાપોરમાં તરતા સમયે થયું પરંતુ તેના સંજોગો હજુ પણ રહસ્યમય છે. આસામ પોલીસ આ કેસની ગંભીરતાથી તપાસ કરી રહી છે. પોલીસે અત્યાર સુધીમાં ગાયકના પિતરાઈ ભાઈ અને નાયબ પોલીસ અધિક્ષક સંદીપન ગર્ગ સહિત અનેક લોકોની પૂછપરછ કરી છે. અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે “તપાસ આગળ વધતા વધુ ખુલાસા થઈ શકે છે.”

આ રીતે ઝુબીન ગર્ગના મૃત્યુનું રહસ્ય ઉકેલાય છે કે નહીં તે માટે સમગ્ર દેશની નજર CIDની તપાસ પર ટકેલી છે.

To Top