Top News

More Posts

   The Latest

Most Popular

નોબેલ શાંતિ પુરસ્કાર લગભગ એવી વ્યક્તિને મળતો હોય છે, જેને તે પુરસ્કાર મળવાનો છે, એવી કોઈએ કલ્પના પણ ન કરી હોય. નોર્વેજીયન નોબેલ સમિતિએ શુક્રવારે જેનું નામ બહુ ઓછાં લોકોએ સાંભળ્યું હોય તેવાં મારિયા કોરિના મચાડોને વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા માટેના તેમના સંઘર્ષ માટે ૨૦૨૫નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે નોબેલ શાંતિ પુરસ્કાર મળવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની આશા પર પાણી ફરી વળ્યું છે.

જો કે નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પે જરાય દુ:ખી થવાની જરૂર નથી, કારણ કે નોર્વેજિયન નોબેલ સમિતિએ મહાત્મા ગાંધી જેવા નેતાને પણ નોબેલ શાંતિ પુરસ્કાર આપવાનો ઇનકાર કર્યો હતો, પણ મધર ટેરેસા જેવાં બની બેઠેલાં સંતને ભારતમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરવા બદલ નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો હતો. બરાક ઓબામા અમેરિકાના પ્રમુખ બન્યા પછી તેમણે એક પણ યુદ્ધ અટકાવ્યું ન હોવા છતાં તેમને નોબેલ શાંતિ પુરસ્કારની નવાજેશ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૪નો નોબેલ શાંતિ પુરસ્કાર ભારતમાં પણ જેમને કોઈ ઓળખતું નહોતું તેવા કૈલાસ સત્યાર્થીને બાળ મજૂરી સામેની તેમની ઝુંબેશ બદલ આપવામાં આવ્યો હતો. આ જ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર પાકિસ્તાનની ૧૭ વર્ષની કન્યા યુસુફ મલાલાને પણ આપવામાં આવ્યો હતો, જેણે કન્યા શિક્ષણ માટે તાલિબાન સામે ઝીંક ઝીલી હતી.

આ વર્ષના પુરસ્કારે પહેલાંથી જ ભારે ઇંતજારી જગાવી હતી, કારણ કે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત આ પુરસ્કાર માટે લોબિંગ કરી રહ્યા હતા. તેઓ પોતાની જાતને નોબેલ શાંતિ પુરસ્કારના અગ્રણી દાવેદાર તરીકે પ્રમોટ કરતા હતા. તેમણે પોતે નોબેલ ઇનામ નક્કી કરતી નોર્વેજીયન કમિટિના અધિકારીઓને ફોન કર્યા હતા. ઇઝરાયલ, પાકિસ્તાન, અઝરબૈજાન, આર્મેનિયા, થાઇલેન્ડ અને કંબોડિયા સહિતના ઘણા દેશોએ ટ્રમ્પને નોમિનેટ કર્યા હોવાનું કહેવાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા લાંબા સમયથી ભારત-પાકિસ્તાન વચ્ચેનાં યુદ્ધ સહિત આઠ યુદ્ધો અટકાવવાનો દાવો કરી ચૂક્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતે વારંવાર નોબેલ શાંતિ પુરસ્કાર માટે પોતાનો દાવો રજૂ કરી ચૂક્યા છે અને તેમણે અનેક પ્રદેશોમાં શાંતિ સ્થાપિત કરવાનો દાવો પણ કર્યો હતો.

નોર્વેજીયન નોબેલ સમિતિએ વેનેઝુએલાનાં વિપક્ષી નેતા મારિયા કોરિના માચાડોને વેનેઝુએલાના વિરોધ પક્ષોમાં એકતા લાવનાર વ્યક્તિ તરીકે માન્યતા આપી છે. ગંભીર ધમકીઓનો સામનો કરવાની અને છુપાઈ જવાની ફરજ પાડવામાં આવી હોવા છતાં તેમના અથાક પ્રયાસોને નોબેલ શાંતિ પુરસ્કાર માટે યોગ્ય માન્યાં છે. નોબેલ પુરસ્કારનો નિર્ણય કરતી સમિતિના અધ્યક્ષ જોર્ગેન વાટને ફ્રાઇડનેસે દમનકારી શાસન હેઠળ સ્વતંત્રતા માટે ઊભા રહેલા વ્યક્તિઓને ઓળખવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. મારિયા કોરિના માચાડો ૨૦૧૧ માં વેનેઝુએલાની નેશનલ એસેમ્બલીમાં ચૂંટાયાં હતાં. તેમણે ૨૦૧૪ સુધી સેવા આપી હતી. આ સમયગાળા દરમિયાન તેઓ સરકારી તંત્રના દુરુપયોગ સામે તેમનાં મજબૂત વલણ માટે અને સરકારી ભ્રષ્ટાચારને ઉજાગર કરવાના તેમના પ્રયાસો માટે જાણીતાં થયાં હતાં.

૨૦૧૪ ના વેનેઝુએલાનાં વિરોધ પ્રદર્શનોમાં તેમની સંડોવણીને કારણે તેમને નેશનલ એસેમ્બલીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં હતાં અને ત્યાર બાદ સરકાર દ્વારા તેમની સામે ફોજદારી તપાસ કરવામાં આવી હતી. ૨૦૨૩ની વિપક્ષી પ્રાથમિક ચૂંટણીઓમાં માચાડોએ ૯૨ ટકાથી વધુ મતો સાથે નિર્ણાયક વિજય મેળવ્યો હતો. જો કે, જૂન ૨૦૨૩માં વેનેઝુએલાની સરકાર દ્વારા તેમને ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભાગ લેવા માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યાં હતાં. નિરાશ થયા વિના માચાડોએ એડમુન્ડો ગોન્ઝાલેઝ ઉરુટિયાને સમર્થન આપ્યું હતું, જેમને સ્પર્ધા કરવાની મંજૂરી આપવામાં આવી હતી અને જેમણે ૨૮ જુલાઈ, ૨૦૨૪ ના રોજ ૭૦ ટકા મત સાથે ચૂંટણી જીતી હતી.

નોબેલ શાંતિ પુરસ્કારનો મૂળભૂત હેતુ દુનિયામાં યુદ્ધો અટકાવનારાં, શસ્ત્રો ઘટાડનારાં અને વિશ્વશાંતિની સ્થાપનામાં ફાળો આપનારાં લોકોને સન્માનિત કરવાનો છે, પણ વર્ષ ૨૦૦૫થી અત્યાર સુધીમાં આપવામાં આવેલા નોબેલ શાંતિ પુરસ્કારની યાદી પર નજર નાખવામાં આવે તો ખ્યાલ આવશે કે નોબેલ શાંતિ પુરસ્કાર એક ચોક્કસ એજન્ડાના ભાગરૂપે જ આપવામાં આવે છે. ૨૦૦૫નો નોબેલ શાંતિ પુરસ્કાર ઇજિપ્તના મોહમ્મદ અલ બરડાઇને આપવામાં આવ્યો હતો, જેઓ અણુશસ્ત્રોનો ફેલાવો અટકાવની યુનોની સંસ્થા ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સીના અધ્યક્ષ હતા.

૨૦૦૬નો નોબેલ શાંતિ પુરસ્કાર બાંગલા દેશની ગ્રામિણ બેંકના સ્થાપક મોહમ્મદ યુનુસને આપવામાં આવ્યો હતો, જેઓ હાલમાં બાંગલા દેશના વડા પ્રધાન છે. નવાઈની વાત એ છે કે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જેમ બાંગલા દેશના રાષ્ટ્રપિતા તરીકે ઓળખાતા શેખ મુજીબુર રહેમાનને પણ નોબેલ શાંતિ પુરસ્કાર માટે લાયક માનવામાં આવ્યા નહોતા, પણ બાંગલા દેશની આઝાદીમાં જેમનો કોઈ ફાળો નહોતો તેવા મોહમ્મદ યુનુસને નોબેલ માટે લાયક માનવામાં આવ્યા હતા, જેવી રીતે ભારતના કૈલાસ સત્યાર્થીને ગાંધીજી કરતાં પણ વધુ લાયક માનવામાં આવ્યા હતા. નોબેલ કમિટિ માટે મહાત્મા ગાંધી કરતાં પણ મધર ટેરેસા વધુ મહાન છે.

નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ અરજી કરવી પડતી હોય છે અને લાગવગ લગાવવી પડતી હોય છે. ૨૦૨૫ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે કુલ ૩૩૮ ઉમેદવારોને નોમિનેટ કરવામાં આવ્યા હતા, જેમાં ૨૪૪ વ્યક્તિઓ અને ૯૪ સંસ્થાઓનો સમાવેશ થતો હતો. ૨૦૨૪માં નોબેલ શાંતિ પુરસ્કારની રેસમાં પણ કુલ ૨૮૬ ઉમેદવારો હતા. આ ૩૩૮ ઉમેદવારોમાંથી મારિયા કોરિના માચાડોની પસંદગી કેમ કરવામાં આવી, તેનો જવાબ આપવા નોબેલ કમિટિ બંધાયેલી નથી. નોબેલ શાંતિ પુરસ્કાર માટે આવેલાં નામાંકનોને ગુપ્ત રાખવામાં આવે છે અને સમિતિના સભ્યોને ૫૦ વર્ષ સુધી તેમના નિર્ણયોની ચર્ચા કરવાની મનાઈ કરવામાં આવી છે. ફક્ત નામાંકનો આપનારાઓ જ તેમનાં નામો જાહેર કરવાનું પસંદ કરી શકે છે, જેવું ડોનાલ્ડ ટ્રમ્પે કર્યું હતું.

ભૂતકાળમાં ઘણી જાણીતી હસ્તીઓનું નામાંકન થયું છે, પરંતુ તેમને ક્યારેય નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો નથી. નોબેલ નોમિનેશન ડેટાબેઝમાં સૌથી વધુ શોધાયેલાં નામોમાં એડોલ્ફ હિટલર, મહાત્મા ગાંધી અને જોસેફ સ્ટાલિનનો સમાવેશ થાય છે. આ વ્યક્તિઓ ખૂબ જ અલગ કારણોસર નોબેલ શાંતિ પુરસ્કાર માટે ચર્ચામાં હતા. હિટલરને ૧૯૩૯ માં વ્યંગાત્મક સંકેત તરીકે નામાંકિત કરવામાં આવ્યા હતા. ગાંધીજીને ૧૯૩૭ અને ૧૯૪૮ ની વચ્ચે ઘણી વખત નામાંકિત કરવામાં આવ્યા હતા પરંતુ ક્યારેય પુરસ્કાર આપવામાં આવ્યો ન હતો અને સ્ટાલિનને બીજા વિશ્વયુદ્ધના અંતમાં તેમની ભૂમિકા માટે ૧૯૪૫ અને ૧૯૪૮ માં નામાંકિત કરવામાં આવ્યા હતા.

૨૦૨૪ સુધીમાં નોબેલ શાંતિ પુરસ્કાર ૧૪૨ વિજેતાઓને ૧૦૫ વખત એનાયત કરવામાં આવ્યો છે, જેમાં ૧૧૧ વ્યક્તિઓ અને ૩૧ સંસ્થાઓનો સમાવેશ થાય છે. નોબેલ શાંતિ પુરસ્કારના વ્યક્તિગત પ્રાપ્તકર્તાઓમાં, ૯૨ પુરુષો અને ૧૯ સ્ત્રીઓ છે. અત્યાર સુધીની સૌથી નાની ઉંમરની વિજેતા મલાલા યુસુફઝાઈ છે, જેને ૨૦૧૪ માં ૧૭ વર્ષની ઉંમરે આ પુરસ્કાર મળ્યો હતો, જ્યારે સૌથી મોટી ઉંમરની જોસેફ રોટબ્લાટ છે, જેમને પરમાણુ શસ્ત્રો સામેના તેમના કાર્ય માટે ૮૬ વર્ષની ઉંમરે સન્માનિત કરવામાં આવ્યા હતા. સૌથી વધુ શાંતિ પુરસ્કારોનો રેકોર્ડ રેડ ક્રોસની આંતરરાષ્ટ્રીય સમિતિ પાસે છે, જેને ત્રણ વખત નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે.

ત્યાર બાદ યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR) ની ઓફિસનો ક્રમ આવે છે, જેણે બે વાર નોબેલ શાંતિ પુરસ્કાર મેળવ્યો છે. ભૌગોલિક રીતે, યુરોપમાં વિજેતાઓનો સૌથી મોટો હિસ્સો ૪૫ ટકા છે, ત્યાર બાદ ઉત્તર અમેરિકા (૨૦ ટકા), એશિયા (૧૬ ટકા), આફ્રિકા (૯ ટકા) અને દક્ષિણ અમેરિકા (૩ ટકા) આવે છે. વધુમાં, સંયુક્ત રાષ્ટ્રનાં સંગઠનો નોબેલ શાંતિ પુરસ્કાર મેળવનારાઓમાં લગભગ ૭ ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. ડોનાલ્ડ ટ્રમ્પ જો શાંતિ માટેનો પુરસ્કાર મેળવવા માગતા હોય તો તેમણે નોર્વેની સમિતિને ભૂલી જવું જોઈએ અને પોતાના નામે નવો શાંતિ પુરસ્કાર શરૂ કરવો જોઈએ, જે તેમની મરજી મુજબ એનાયત કરવામાં આવતો હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top