Top News

More Posts

   The Latest

Most Popular

બિહારમાં એનડીએની ઐતિહાસિક જીત બાદ ભાજપ સૌથી વધુ બેઠકો સાથે એનડીએમાં મોટા ભાઈની ભૂમિકામાં છે પણ નીતીશકુમાર ફરી મુખ્યમંત્રી બન્યા છે. દસમી વાર મુખ્યમંત્રી બનવાનો એક વિક્રમ એમણે સર્જ્યો છે. ૧૯ વર્ષથી વધુ સમય એ મુખ્યમંત્રી રહ્યા. જો કે, સિક્કીમમાં પવનકુમાર ચામલિંગ ૨૪ વરસથી વધુ સમય મુખ્યમંત્રી રહ્યા અને એ ભારતના કોઈ પણ મુખ્યમંત્રીનો સૌથી વધુ કાર્યકાળ છે. શું નીતીશકુમાર એ રેકોર્ડ તોડી શકશે? એ પૂરાં પાંચ વર્ષ મુખ્યમંત્રી રહ્યા તો ચામલીન્ગનો રેકર્ડ તોડી શકે છે પણ એવું બનશે ખરું?

આવો પ્રશ્ન થવાનું કારણ એ છે કે, ઘણા સમયથી એમ કહેવામાં આવે છે કે, નીતીશકુમારનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. એમને શી બીમારી છે એ વિષે કોઈ જાણકારી સત્તાવાર રીતે મળતી નથી. એમને એક વાર તાવ આવ્યો અને ડોકટરે આરામની સલાહ આપી ત્યારથી એમના સ્વાસ્થ્ય વિષે વાતો શરૂ થઇ છે. જો કે, જેડીયુ  આ બધી વાતોનો છેદ ઉડાડે છે અને એવાં પોસ્ટર પણ જોવા મળેલાં કે, ટાઈગર અભી જિન્દા હૈ…

બીજો એક મુદો્ એ છે કે, એ અત્યારે ૭૪ વર્ષના છે. આવતા વર્ષે એ ૭૫ના થશે. ભાજપમાં તો વણલખ્યો નિયમ છે કે, ૭૫ વર્ષ થાય એટલે નિવૃત્તિ. જો કે એ બધાને લાગુ પડતો નથી અને નીતીશ તો જેડીયુનાં નેતા છે. એટલે એમને એ નિયમ લાગુ ના પડે. છતાં પ્રશ્ન તો પૂછાતો રહેવાનો કે, શું નીતીશ પાંચ વર્ષ મુખ્ય મંત્રીપદે રહેશે? સ્વાસ્થ્ય એમને એમ કરવા દેશે? અને માની લો કે, સ્વાસ્થ્યનાં કારણોસર નીતીશ પાંચ વર્ષ પૂરાં ના કરે તો શું? એમનો વિકલ્પ કોણ બની શકે?

આ પ્રશ્ન એવો છે કે, એનો કોઈ જવાબ મળતો નથી અને તમે જુઓ કે નીતીશે કેટલી વાર પલટી મારી છતાં ભાજપે એને એનડીએમાં સમાવ્યા. એનું કારણ એ છે કે, બિહારમાં જેડીયુ પાસે તો ઠીક ભાજપ પાસે પણ નીતીશનો વિકલ્પ નથી. બિહારમાં એવો કોઈ ચહેરો ભાજપ પાસે નથી. સુશીલકુમાર મોદી હતા એ હવે બિહારમાં વિકલ્પ રહ્યા નથી. સવાલ એ પણ છે કે, ભાજપ નીતીશનો કોઈ વિકલ્પ કેમ સર્જી શક્યો નથી? વિપક્ષ પાસે પણ એ વિકલ્પ ક્યાં છે? તેજસ્વી યાદવ વિકલ્પ બનવામાં સફળ રહ્યા નથી. હા, એમના પક્ષને ભાજપ કરતાં વધુ મત મળ્યા છે એ વાસ્તવિકતા છે. અને નીતીશની લોકપ્રિયતા પણ ઘટી તો છે જ. હા, એમના પક્ષને આ વેળા ૮૦થી વધુ બેઠકો મળી એ સાચું પણ પલટુરામનું લેબલ તો એમના પર પણ લાગેલું છે પણ અત્યારે નીતીશનો કોઈ વિકલ્પ નથી. જેમ કેન્દ્રમાં મોદીનો કોઈ વિકલ્પ નથી. એ સાચું કે, નીતીશના શાસનમાં બિહારમાં વિકાસ થયો છે.

આર્થિક પેરામીટર મજબૂત બન્યા છે. એમ છતાં ચૂંટણી જીતવા માટે એમણે દરેક મહિલાના ખાતામાં રૂ. દસ હજાર જમા કરાવવા પડ્યા  અને એણે જીત અપાવવામાં સૌથી વધુ મદદ કરી છે એનો ઇનકાર કોણ કરી શકે? બિહારમાં એનડીએની સરકાર તો રચાઈ ગઈ પણ માની લો કે, નીતીશ સ્વાસ્થ્યનાં કારણોસર મુખ્ય મંત્રીપદે ના રહ્યા તો શું થશે? શું ભાજપ એના કોઈ નેતાને મુખ્યમંત્રી બનાવશે? અને બનાવે તો જેડીયુને એ સ્વીકાર્ય રહેશે? અને એ સ્થિતિમાં શું ફરી એનડીએમાં ભંગાણ પડી શકે? અગાઉ થયું હતું એમ શું જેડીયુ અને આરજેડી સાથે આવી સરકાર બનાવે? એવું તો લાગતું નથી કારણ કે, ભાજપ સત્તા મેળવવા અને ટકાવી રાખવા માટે કોઈ ને કોઈ જુગાડ કરી જ લે છે.

ભાજપનું મિશન તામિલનાડુ અને પ. બંગાળ
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાઈબાબા ધામ ગયા અને ત્યાં ગમછા હવામાં લહેરાયા એ જોઈ એમણે કહ્યું કે, તામિલનાડુમાં હું આવું એ પહેલાં લહેરાવા લાગ્યા છે. અગાઉ એમણે બિહારના વિજય સંદર્ભે કહેલું કે, હવે બંગાળનો વારો છે. આવતા વર્ષે આ બંને રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે અને ભાજપનો આત્મવિશ્વાસ પહેલાં દિલ્હી અને પછી બિહારમાં વિજય બાદ વધી ગયો છે. મફતની રેવડી સત્તા લાવી આપે છે એવો વિશ્વાસ વધતો જાય છે પણ તામિલનાડુ અને પ. બંગાળમાં ભાજપ માટે સમસ્યા એ છે કે, ત્યાં એમની સત્તા નથી. બિહારમાં આરજેડી દ્વારા એનડીએ કરતાં વધુ લોભામણાં વચનો આપેલાં પણ સત્તા એમની પાસે નહોતી અને નીતીશ સરકાર દ્વારા રૂ. દસ હજાર મહિલાના બેન્કમાં જમા થયા હતા.

એટલે આરજેડી પર લોકોને વિશ્વાસ ના પડ્યો. શું એવું જ ભાજપ માટે તામિલનાડુ અને બિહારમાં બની શકે એમ છે?  કારણ કે, આ બંને રાજ્યો એવાં છે કે જ્યાં કલ્યાણકારી યોજનાનો પાર નથી અને એનો લાભ લોકોને મળી રહ્યો છે. મફતની રેવડીની શરૂઆત જ તામિલનાડુમાંથી થઇ છે. પણ ભાજપે જ્યાં સત્તા મેળવી ત્યાં વચનો પાળ્યાં છે. કલ્યાણકારી યોજના અમલમાં મૂકી છે. એ રીતે એમની વચનો આપવા અને એના અમલ માટે વિશ્વસનીયતા તો છે. તામિલનાડુમાં ભાજપ સફળતા મેળવી શક્યો નથી. લોકસભા ચૂંટણી ૨૦૨૪ની વાત કરીએ તો તામિલનાડુમાં કોઈ બેઠક મેળવી ના શક્યો. હા, ૧૧ ટકા મત જરૂર મળ્યા. પ. બંગાળમાં ૩૯ ટકા મત અને ૧૨ બેઠકો મેળવી અને ત્યાં સાત બેઠકો ઘટી હતી.

વિધાનસભાની વાત કરીએ તો તામિલનાડુમાં ભાજપ ચાર બેઠક મળી અને લગભગ ત્રણ ટકા જેટલા મત. પણ પ. બંગાળમાં ૩૮ ટકા મત સાથે ૭૭ બેઠક મેળવી. પણ મમતાને હરાવી ના શક્યો. આ બંને રાજ્યોમાં એસઆઈઆરનો વિરોધ થઈ રહ્યો છે. બંગાળમાં તો આક્રમક રીતે થઇ રહ્યો છે. એટલે આ બંને રાજ્યોમાં બિહાર જેવી સરળતા નથી અને બિહારમાં નીતીશનો સાથ હતો. તામીલનાડુ અને બિહારમાં એવા કોઈ નેતા પણ ભાજપ પાસે નથી. એટલે વિજય મેળવવાનું કપરું છે પણ ભાજપ મહેનત કરે છે, આકરી મહેનત કરે છે પણ દિલ્હી એટલું નજીક નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top