Top News

More Posts

   The Latest

Most Popular

ક્લાસરૂમમાં જ વિદ્યાર્થીને ઘેરી રાખી માર માર્યો, અપશબ્દોનો પણ પ્રયોગ
એન્ટી-રેગિંગ નિયમો હોવા છતાં ઘટના: કોલેજ પ્રશાસનની ભૂમિકા પર સવાલ


(પ્રતિનિધિ) વડોદરા, તા.20
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી સંચાલિત પોલિટેકનિક કોલેજમાં રેગિંગની એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે. કોલેજના 2થી 3 વિદ્યાર્થીઓએ મળીને એક વિદ્યાર્થીને ક્લાસરૂમમાં જ ઘેરી રાખી રેગિંગ કરી હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં યુનિવર્સિટી પરિસરમાં ભારે ચકચાર મચી ગઈ છે.

વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પીડિત વિદ્યાર્થીને વર્ગખંડમાં બળજબરીથી અટકાવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપી વિદ્યાર્થીઓ દ્વારા તેને માર મારવામાં આવ્યો હતો અને અપશબ્દોનો પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો. શિક્ષણના ધામ સમાન ગણાતી યુનિવર્સિટીમાં, તે પણ ક્લાસરૂમની અંદર, આવી ઘટના બનવી ગંભીર બાબત તરીકે જોવામાં આવી રહી છે.
યુનિવર્સિટી પરિસરમાં એન્ટી-રેગિંગ નિયમો અમલમાં હોવા છતાં આ પ્રકારની હરકતો થવી કોલેજ પ્રશાસન અને વિદ્યાર્થી સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે. વિદ્યાર્થીઓની સુરક્ષા, દેખરેખ અને ફરિયાદ નિવારણની પ્રક્રિયા અંગે પણ ચર્ચા તેજ બની છે.

વીડિયો વાયરલ થયા બાદ યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા મામલાની તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પીડિત વિદ્યાર્થીને ન્યાય મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવામાં આવે તે માટે કડક પગલાં લેવામાં આવશે કે નહીં—તે તરફ સૌની નજર છે.

To Top