Top News

More Posts

   The Latest

Most Popular

ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લાના કૈસરગંજ વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી પણ વધુ સમયથી માનવભક્ષી વરુનો આતંક ફેલાયો હતો. આ વરુએ 37 દિવસમાં ચાર બાળકો સહિત છ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા અને 36 જેટલા ગ્રામજનોને ઘાયલ કર્યા હતા.

આખરે વન વિભાગની ટીમે ગત રોજ તા. 15 ઓક્ટોબર બુધવારે રાત્રે આ વરુને મારીને આ આતંકનો અંત લાવ્યો છે. ઘટનાથી સમગ્ર વિસ્તારમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે.

માહિતી મુજબ કૈસરગંજના માઝરા તૌકલી વિસ્તારમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી વરુઓના હુમલાનો સિલસિલો ચાલુ હતો. સ્થાનિક લોકો રાત્રે બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા હતા.

બુધવારે રાત્રે વન વિભાગે થર્મલ ડ્રોન કેમેરાની મદદથી વરુનું સ્થાન શોધી કાઢ્યું. ત્યારબાદ ડીએફઓ ગાઝીપુર અજિત પ્રતાપ અને ડીએફઓ બહરાઇચ ડૉ. રામસિંહ યાદવની આગેવાની હેઠળ ટીમે શોધખોળ શરૂ કરી.

જ્યારે વરુને ઘેરીને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તે અચાનક આક્રમક બની ગયું અને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો. પ્રતિસાદ રૂપે વન વિભાગના શૂટરોએ ગોળીબાર કર્યો હતો. જેમાં વરુનું સ્થળ પર જ મોત થયું. વરુના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જેથી તેની ઉંમર, સ્વાસ્થ્ય અને અન્ય વિગતો જાણી શકાય.

37 દિવસમાં 6 લોકોના જીવ લીધા
છેલ્લા 37 દિવસમાં ચાર નાના બાળકો સહિત છ લોકોના મોતને કારણે ગામોમાં ભયનો માહોલ હતો. બાળકોને બહાર રમવા દેવામાં આવતું નહોતું અને લોકો પોતાના ઘરોમાં બંધ રહીને રાતો પસાર કરતા હતા. હવે વરુના મોત બાદ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે અને વિસ્તારના લોકો વન વિભાગની ટીમની બહાદુરીની પ્રશંસા કરી રહ્યા છે.

વન સંરક્ષક ડૉ. સમરન અને ડીએફઓ ડૉ. રામસિંહ યાદવે જણાવ્યું કે માનવભક્ષી વરુઓના ખતમ થવાથી હવે વિસ્તાર ફરી સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.

To Top