Top News

More Posts

   The Latest

Most Popular

150થી વધુ ફાઈલો ગુમ થયાની ચર્ચા વચ્ચે કમિશનર માત્ર ‘પરિપત્ર’ કરીને સંતોષ માનશે? જવાબદાર અધિકારીઓ સામે FIRની માંગ

વડોદરા મહાનગરપાલિકા માંથી ફાઈલો ગુમ થવાનો સિલસિલો રોકાવાનું નામ નથી લઈ રહ્યો. અગાઉ અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઈલ ગુમ થયા બાદ હવે રોડ પ્રોજેક્ટ શાખા અને બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખામાંથી પણ મહત્વની ફાઈલો ન મળી હોવાના કિસ્સા સામે આવ્યા છે. શહેરમાં ચર્ચા છે કે મહાનગરપાલિકાના વિવિધ વિભાગોમાંથી 150થી વધુ ફાઈલો ગુમ થઈ છે, જે તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કરે છે.
એક તરફ, VMCના અનેક વિભાગો દ્વારા RTI હેઠળની માહિતીના જવાબમાં ‘માહિતી રેકોર્ડ પર ઉપલબ્ધ નથી’ તેવું જણાવવામાં આવે છે, તો બીજી તરફ, મહત્વની ફાઈલો ‘ન મળે તેવી’ થઈ ગયાનું વારંવાર સામે આવી રહ્યું છે. આ દર્શાવે છે કે રેકોર્ડની જાળવણી અને ફાઈલોની વ્યવસ્થાપન પ્રણાલી સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે.
શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ આ ગંભીર બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે મ્યુનિસિપલ કમિશનરને માંગણી કરી છે કે, મહાનગરપાલિકાના તમામ વિભાગોમાં પરિપત્ર કરીને કુલ કેટલી ફાઈલો ગુમ થઈ છે તેનો સર્વે કરવામાં આવે અને જે વિભાગોમાંથી ફાઈલો મળી ન આવે, તે વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે.
​જો ફાઈલો જ ગાયબ થઈ જશે, તો અનેક ગેરરીતિઓ છુપાઈ જવાની સંભાવના છે, ત્યારે કમિશનર આ મામલે કેવા આકરા પગલાં લે છે તે જોવું રહ્યું.

મ્યુ કમિશનરની કચેરી દ્વારા વહીવટી સ્તરે પગલાં લેવામાં આવ્યા

1.​આંતરિક પરિપત્ર: રોડ પ્રોજેક્ટ શાખામાંથી 7 ફાઈલો ગુમ થવાના કિસ્સામાં, કમિશનરના આદેશ અનુસાર વડોદરા મહાનગરપાલિકાના તમામ વિભાગોને પરિપત્ર કરીને વિનંતી કરવામાં આવી છે કે જો ભૂલથી આ 7 ફાઈલો તેમની કચેરીમાં આવી હોય, તો તે તાત્કાલિક મોકલી આપે.

2.ડુપ્લિકેટ ફાઇલ બનાવવાની મંજૂરી: બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખામાં ફાઈલ ન મળતાં, સક્ષમ અધિકારીની મંજૂરી મેળવીને ડુપ્લિકેટ ફાઇલ બનાવીને આગળની વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે.

3.અગાઉની તપાસ: અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઈલ ગુમ થયા બાદ આ મામલો ધ્યાનમાં આવ્યો હતો, જેમાં ફાઈલ કમિશનરની કેમ્પ ઓફિસમાંથી ન મળતી હોવાનો પત્ર પાર્ક એન્ડ ગાર્ડન વિભાગે આપ્યો હતો.

To Top