Top News

More Posts

   The Latest

Most Popular

રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય


આ વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 2 કરોડ અને આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો ATVT અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ મળી કુલ રૂ. 3 કરોડની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

રાજ્યના બધા જ તાલુકાઓનો સમ્યક અને સમતોલ વિકાસ થાય તેવા વિકાસલક્ષી અભિગમ સાથે આ વિકાસશીલ તાલુકાઓ પણ લાંબા અને ટૂંકા ગાળાના વિકાસ આયોજનથી ઝડપભેર સર્વાંગી વિકાસ સાધી શકે તે માટે માનવ વિકાસ સૂચકાંકના 44 સામાજિક અને આર્થિક નિર્દેશાંકોના આધારે વિકાસશીલ તાલુકાઓ જાહેર કરવાની પરંપરા છે.

આ નવા વિકાસશીલ તાલુકાઓને વિકાસ કામો માટે વિકાસશીલ તાલુકા યોજના અંતર્ગત વાર્ષિક રૂ. 2 કરોડ તથા આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો(ATVT)-વિકાસશીલ તાલુકા યોજના અન્વયે વાર્ષિક રૂ. 1 કરોડ; એમ સમગ્રતયા કુલ 3 કરોડ રૂપિયાની વાર્ષિક ગ્રાન્ટ વિકાસ કામો માટે મળશે.

મુખ્યમંત્રીએ પ્રગતિ અને વિકાસની સતત હરણફાળ ભરી રહેલા ગુજરાતમાં જરૂરિયાત અનુસાર તાલુકા વિભાજન કરીને નવા 17 તાલુકાઓની રચના કરી છે. આ નવરચિત તાલુકાઓમાંથી જે તાલુકાના કુલ ગામો પૈકીના 50%થી વધારે ગામો જુના વિકાસશીલ તાલુકાઓમાંથી તબદીલ થઈને નવા તાલુકામાં સમાવિષ્ટ થયા હોય તેવા તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.

તદ્દઅનુસાર, જે નવા 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર કરવામાં આવ્યા છે તેમાં કદવાલ (જિ. છોટાઉદેપુર), ઉકાઈ (જિ. તાપી), ગોવિંદ ગુરુ લીમડી (જિ. દાહોદ), સુખસર (જિ. દાહોદ), ચીકદા (જિ. નર્મદા), રાહ (જિ. વાવ થરાદ), ધરણીધર (જિ. વાવ થરાદ), ઓગડ (જિ. બનાસકાંઠા), હડાદ (જિ. બનાસકાંઠા), ગોધર (જિ. મહીસાગર), નાનાપોંઢા (જિ. વલસાડ)નો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ પ્રજાભિમુખ નિર્ણયને પરિણામે રાજ્યની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં આ નવા 11 વિકાસશીલ તાલુકાઓ પણ પોતાનું વધુ ઉત્કૃષ્ટ યોગદાન આપી શકશે.
——-

To Top