Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરામાં ગુલાબી ઠંડીનો અહેસાસ, આગામી ચાર દિવસ તાપમાનમાં મોટો ફેરફાર નહીં

( પ્રતિનિધિ ) વડોદરા, તા. 14
વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં હવામાનમાં આવેલા બદલાવને કારણે ઠંડીની અસરમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. રાત્રિના સમયે લઘુતમ તાપમાનનો પારો 12.4 ડિગ્રી સેલ્સિયસ અને દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 32.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી ચાર દિવસ સુધી લઘુતમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નહીવત છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર, ખેડૂતો માટે શિયાળુ પાક અંગે ચિંતા

ડિસેમ્બર માસમાં સામાન્ય રીતે કડકડતી ઠંડી અનુભવાતી હોય છે, પરંતુ આ વર્ષે અલગ-અલગ સાઇક્લોનિક સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ)ના કારણે ક્યારેક તીવ્ર ઠંડી તો ક્યારેક સામાન્ય ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ 13 ડિસેમ્બરે આવેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળું સાબિત થયું છે, જ્યારે 17 થી 21 ડિસેમ્બર દરમિયાન આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પ્રબળ રહેવાની સંભાવના છે, જેના કારણે ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા છે.

આગામી સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરવામાં આવી છે. પવનની દિશા પૂર્વ તરફ ફૂંકાશે અને પાંચ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. આ બદલાતા હવામાનને કારણે શિયાળુ પાકની ખેતી કરતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

રવિવારે વડોદરામાં હવામાં ભેજનું પ્રમાણ સવારે 80 ટકા અને સાંજે 49 ટકા નોંધાયું હતું, જેના કારણે વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડીનો અહેસાસ વધુ અનુભવાયો હતો.

To Top