Top News

More Posts

   The Latest

Most Popular

આમ તો કોઇની વૃત્તિ નિવૃત્તિના સંદર્ભમાં દૂર થતી નથી. આમ છતાં વય અને શારીરિક સ્થિતિ તથા દીર્ઘકાલીન સેવાને ધ્યાનમાં લઇને શેષ જીવન માનભેર વ્યતીત કરવા માટેની જોગવાઇ રૂપ માનદ નિવૃત્તિ વેતન પ્રદાન કરવાની વ્યવસ્થા ચાલે છે. લોભ અને લાલચને વશ થઇ કેટલાક રાજકારણીઓ તેનો ગેરલાભ ઉઠાવે છે. આમ તો સેવાકાળને તેમણે મેવાકાળ બનાવી દઇ જબરાં ધનસંપત્તિ સંચય કરી લીધાં હોય છે. સ્થાનિક સ્વરાજ સંસ્થા હોય કે ધારાસભા યા સંસદમાં તેમનો સેવાકાળ નોંધાયો હોવો જરૂરી બની રહેશે, તેમાં દિવસ, માસ કે વર્ષ જોવાતા નથી.

હવે જો ગણતંત્રની આ બધી જ વ્યવસ્થામાં તેમની હાજરી નોંધાઇ હોય તો નિવૃત્તિ સમયે જે પેન્શનની જોગવાઇ છે તેનો ગેરલાભ પ્રાપ્ત કરવાથી નૈતિકતા જતી રહે તેમ બધી જ જગ્યાઓનું અલગ અલગ પેન્શન મેળવવાના કિસ્સામાં બની શકે છે. એક રાજકારણી ધારાસભ્ય બન્યા બાદ જો નસીબજોગે ગવર્નર, રાજ્યપાલ, ઉપરાષ્ટ્રતિ કે રાષ્ટ્રપતિ બની જાય અને નિવૃત્તિ આવી પડે ત્યારે તે બધાં જ પદોના કાર્યકાળ માટેના અલગ અલગ પેન્શનની માગણી કરે તે અનૈતિક જ કહેવાય. જે પદ માટે મહત્તમ પેન્શન નક્કી થાય તે એક પદ માટેના પેન્શનનો સ્વીકાર કરવો જોઇએ. વળી તેમનો કાર્યકાળ ટૂંક સમયનો નહીં હોવો જોઇએ. અન્ય ક્ષેત્રોમાં કર્મચારીના સેવાકાળની મર્યાદામાં પેન્શન નક્કી થાય છે અને મોટે ભાગે દીર્ઘકાલીન મુદત હોય છે, તો રાજકારણીઓના મર્યાદિત સેવાકાળને પણ ધ્યાનમાં લેવાવો જોઇએ.
ઝાંપાબજાર, સુરત         – યુસુફ એમ. ગુજરાતી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top