Top News

More Posts

   The Latest

Most Popular

દુર્ગાપુરથી મુંબઈ જતી ઇન્ડિગો એરલાઇનની ફ્લાઇટમાં એક કેન્સર દર્દીની તબિયત બગડતાં વિમાનને રાયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. જોકે હોસ્પિટલ પહોંચતા પહેલા જ દર્દીનું મોત નીપજ્યું હતું. આ ઘટના ગત રોજ તા. 9 ઓક્ટોબર ગુરુવારની મોડી રાત્રે બની હતી.

મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળના બર્દવાન જિલ્લાના રહેવાસી ગૌતમ બૌરી(25) નામના યુવાન કેટલાક સમયથી બ્લડ કેન્સરથી પીડિત હતા અને તેઓ મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ગુરુવારે રાત્રે દુર્ગાપુરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી જ ફ્લાઇટમાં તેમની તબિયત અચાનક બગડી ગઈ અને તેઓ પોતાની સીટ પર જ બેભાન થઈ ગયા હતા.

ફ્લાઇટ ક્રૂ દ્વારા તરત જ પાયલોટને જાણ કરવામાં આવી અને એર ટ્રાફિક કંટ્રોલ (ATC) પાસેથી ઇમરજન્સી લેન્ડિંગ માટે પરવાનગી માંગી. પરવાનગી મળતાં જ પાયલોટે તાત્કાલિક રાયપુર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું.

રાયપુર એરપોર્ટ પર પહોંચ્યા બાદ એરપોર્ટના તબીબી સ્ટાફે પ્રાથમિક તપાસ કરી અને ત્યારબાદ દર્દીને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા.

દર્દી બ્લડ કેન્સરથી પીડિત હતો
માહિતી મુજબ ગૌતમ બૌરી લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા. મુંબઈ જવાનો તેમનો હેતુ ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવાનો હતો પરંતુ મુસાફરી દરમિયાન જ તેમની સ્થિતિ ગંભીર બની ગઈ હતી.

એર લાઇનનું નિવેદન
ઇન્ડિગો એરલાઇન તરફથી જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે “અમારા મુસાફર ગૌતમ બૌરીની તબિયત ફ્લાઇટ દરમિયાન ખરાબ થઈ ગઈ હતી. ક્રૂએ તાત્કાલિક તબીબી સહાયતા પૂરી પાડવાની સાથે વિમાનને રાયપુરમાં ઇમરજન્સી લેન્ડ કરાવ્યું હતું. દુર્ભાગ્યવશ મુસાફરને બચાવી શકાયા નહોતા. અમારી સંવેદના તેમના પરિવારજનો સાથે છે.”

આ દુઃખદ ઘટના બાદ મુસાફરોમાં પણ ચિંતા જોવા મળી. એરલાઇન દ્વારા જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને ફ્લાઇટને પછી મુંબઈ તરફ રવાના કરવામાં આવી હતી. રાયપુર એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે આ ઇમરજન્સી લેન્ડિંગ સંપૂર્ણ રીતે સુરક્ષિત રીતે કરવામાં આવી હતી.

To Top