ગત તા.17 અને 18મી મેના રોજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાના કારણે માછીમારોને અને મત્સય ઉદ્યોગ ક્ષેત્રે થયેલા વ્યાપક નુકસાન બાદ તેમને ફરીથી બેઠા કરવા રાજય સરકાર દ્વારા આજે 105 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ છે.
ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર ગ્રુપની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અગાઉ રાજય સરકાર દ્વારા તાઉતેથી અસર પામેલા ખેડૂતોને સહાય કરવા 500 કરોડનું રાહત પેકેજ જાહેર કર્યુ હતું.રૂપાણીએ આ રાહત સહાય પેકેજની વિગતો આપતા કહ્યું હતું કે, તાજેતરમાં ગુજરાતના ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલા બંદરો જાફરાબાદ, રાજુલા, સૈયદરાજપરા, શિયાળબેટ, નવાબંદર સહિતના બંદોરોને ઘમરોળીને કલાકના 220 કિ.મીની ઝડપે ત્રાટકેલા તાઉતે વાવાઝોડાથી દરિયો પણ તોફાની થયો હતો.
આના પરિણામે માછીમારોની ફિશિંગ બોટ, મોટા ટ્રોલર, હોડીઓ સહિત અમૂક કિસ્સાઓમાં મત્સ્યબંદરની માળખાકીય સુવિધાઓને પણ મોટાપાયે નુક્સાન થયું હોવાનો અંદાજ સામે આવ્યો છે. તાઉતે વાવાઝોડાએ આવા સાગરખેડૂ ભાઇઓની મત્સ્ય હોડીઓ, ફાઇબર બોટ અને ટ્રોલર તેમજ માછીમારી પરિવારોના કાચા-પાકા મકાનો, બંદર પર બોટ લાંગરવાની સુવિધા-જેટી અને અન્ય માળખાકિય સગવડો જેવી કે ફિશિંગ બોટ, મત્સ્યજાળ-ફિશિંગનેટ, ટ્રોલર વગેરેને નુક્સાન કર્યું હતું.
સાગરખેડૂ-માછીમારોને તાઉતે વાવાઝોડાથી થયેલા વ્યાપક નુક્સાનમાંથી પૂર્ન:બેઠા કરવા 105 કરોડનું રાહત પેકેજ સરકારે જાહેર કર્યું છે. રાજય સરકારે જાહેર કરેલા 105 કરોડના રાહત પેકેજમાં 25 કરોડ સાગરખેડૂ-માછીમારોની બોટ, ટ્રોલર, ફિશિંગનેટ વગેરેને થયેલા નુક્સાન રાહત પેટે તેમજ 80 કરોડ મત્સ્યબંદરોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુક્સાનની મરામત માટે મળીને કુલ રૂપિયા 105 કરોડનું આ પેકેજ છે.