સુરત: (Surat) સુરતના બહુચર્ચિત અને લાંબા સમય સુધી નિર્માણાધિન રહેનારા પાલ ઉમરા બ્રિજના (Pall Umra Bridge) દિવસો હવે બદલાઈ શકે છે. આ બ્રિજ સાથે જોડાયેલા બંને છેડે વસતા 10 લાખ લોકોની સુવિધામાં પણ ઝડપથી વધારો થઈ શકે છે. આગામી માસના પ્રથમ અઠવાડિયામાં આ બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી કરવા સુરત મનપાના વહીવટી તંત્રને તાકીદ કરવામાં આવી છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો જુલાઇ માસમાં આ બ્રિજ કાર્યરત થઇ જશે.
પાલ-ઉમરા બ્રિજ સાડા ચાર વર્ષથી શાસકોની અનિર્ણાયકતાનું પ્રતીક બનીને અટવાયો હતો. જો કે, વર્ષ-2020માં મનપા કમિશનર તરીકે બંછાનિધિ પાની આવ્યા ત્યારથી તેમણે આ બ્રિજ કોઇ પણ રીતે પૂરો કરી બ્રિજની રાહ જોઇને બેઠેલા બંને બાજુ વસતા 10 લાખ લોકોની સુવિધા માટે બીડું ઝડપ્યું હતું. બ્રિજના એપ્રોચ માટે જરૂરી જમીન પર બનેલા માત્ર 19 મિલકતદારની મિલકતોને કારણે આ બ્રિજ 90 ટકા બન્યા બાદ લટકી ગયો હતો. જેની પાછળ વિરોધ કરતા મિલકતદારોને શાસક પક્ષના જ અમુક નેતાઓનું પીઠબળ હોવાનું પણ કહેવાતું હતું.
જો કે, કોર્ટ કેસ અને અન્ય તમામ હવાતિયા મિલકતદારોએ માર્યા બાદ પણ આખરે કમિશનરે અહીં લાઇનદોરી મૂકી જમીન સંપાદન કરવાનો બીપીએમસી એક્ટનો ઉપયોગ કરી જમીન મેળવી છે. ત્યાર બાદ બ્રિજનું અટવાયેલું કામ આગળ વધ્યું છે. તેમાં પણ કોરોના આવી જતાં ફરી વિલંબ થયો હતો. જો કે, હવે આ બ્રિજમાં સામાન્ય કામો જ બાકી હોવાથી સોમવારે મેયર હેમાલી બોઘાવાલા સહિતના પદાધિકારીઓએ સ્થળ વિઝિટ લીધી હતી. તેમજ આગામી માસના પ્રથમ અઠવાડિયામાં આ બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી કરવા વહીવટી તંત્રને તાકીદ કરી છે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો જુલાઇ માસમાં આ બ્રિજ કાર્યરત થઇ જશે.
ખાડી સફાઈ મુદ્દે “આપ” દ્વારા સ્થાયી સમિતિ ચેરમેનની ઓફીસ બહાર સુત્રોચાર સાથે ઘરણા-પ્રદર્શન
સુરત : શહેરમાંથી પસાર થતી ખાડીની અસહ્ય ગંદકી મુદ્દે મનપાના વિપક્ષ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છેલ્લા ચાર-પાંચ દિવસથી ખાડી સફાઇની કામગીરી કરવા સાથે રોજે રોજ પદાધિકારીઓને રજુઆત કરીને શાસકોને ભીંસમાં મૂકી રહ્યા છે. ત્યારે સતત ચોથા દિવસે ‘આપ’ના નગર સેવકો દ્વારા સુરત મનપા ખાતે આવી સ્થાયી સમિતિ ચેરમેનની ઓફીસ બહાર બેનરો અને સુત્રોચાર સાથે ઘરણા-પ્રદર્શન કર્યું હતું. જો કે રવિવારે વિપક્ષ દ્વારા ખાડીમાં શાસકોના ફોટા મુકીને ગોબરદાસ તરીકે નવાજ્યા ત્યારે તેમાં સ્થાયી સમિતિ ચેરમેનનો ફોટો મુકાયો નહોતો. તેથી ભારે તર્ક-વિતર્ક ઉઠ્યા હતા. તેથી સોમવારે સ્થાયી સમિતિ ચેરમેનની ઓફીસ બહાર આ કાર્યક્રમ યોજીને ભુલ સુધારવા વિપક્ષે પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા ઉઠી હતી. વિપક્ષના સભ્યોએ સ્થાયી સમિતિ ચેરમેન ઓફીસની બહાર હાથમાં બેનરો પકડીને જુદા જુદા સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં ખાસ કરીને ‘હજારો કરોડનું બજેટ છે પણ કોના ખીસ્સામાં જાય છે ?…..તાયફાઓ બંધ કરો ગંધાતી ખાડી સાફ કરો….વગેરે સુત્રોચ્ચાર કર્યા હતા.