ઓનલાઈન વેબસાઈટ ઉપર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન આપવાના બહાને 1.13 કરોડની છેતરપિંડી કરનાર ગેંગના બે આરોપીઓને અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી તેમની પાસેથી 60 લાખ રૂપિયા રોકડા, એક લેપટોપ, બે મોબાઈલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મળેલી ફરિયાદના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્નર અમિત વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એન. દેસાઈની ટીમે તપાસ હાથ ધરી આરોપી અંકિત ભીખુભાઈ વાળા (ઉં.વ. 27, રહે, અમર એપાર્ટમેન્ટ, ઘાટલોડીયા) અને સૌરભ પ્રકાશચંદ્ર જૈન (ઉ.વ. 25 રહે, શિવમ એપાર્ટમેન્ટ, વ્યાસવાડી, મૂળ રહે, તલવાડા, બાંસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી તેમની પાસેથી છેતરપિંડી કરીને મેળવેલા રૂપિયા 69.50 લાખ, 1 લેપટોપ અને 2 મોબાઇલ ફોન જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
નાયબ પોલીસ કમિશનર અમિત વસાવાએ આરોપીઓની સઘન પૂછપરછ કરતા તેઓએ આ છેતરપિંડીની હકીકત જણાવી હતી કે હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોવાથી સર્જીકલ સાધનોનો વેપાર ખૂબ ચાલે તેમ હોવાથી આરોપીઓએ ઓનલાઈન વેબસાઈટ બનાવી વેબસાઈટ ઉપર નાઇટ્રાઇલ ગ્લોવ્ઝ, થર્મોમીટર, પલ્સ ઓક્સિમીટર, માસ્ક, બેડ, વિગેરે વગેરે વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું હતું. જો કોઈ ગ્રાહક વેબસાઈટ જોઈ ઓર્ડર આપે તો આરોપીઓ ઓર્ડર મેળવી 10 ટકા રકમ એડવાન્સ મેળવતા હતા.
દરમ્યાનમાં કે.એમ.બાયોમેડ સર્વિસીસ દ્વારા આ વેબસાઈટ પર ઓક્સિજન કોન્સ્ટ્રેટર મશીન 5 લીટર ક્ષમતાવાળા એકની કિંમત 25,૦૦૦ લેખ કુલ – 1૦૦૦ મશીનના તથા 10 લીટરની કેપેસીટીવાળા મશીનના એકનો ભાવ 5૦,૦૦૦ લેખે કુલ – 1૦૦૦ એમ કુલ – 2૦૦૦ નંગ મશીનના કુલ 7,5૦,૦૦,૦૦૦નો ઓર્ડર આપ્યો હતો. કંપનીએ ૧,૧૩,૦૦,૦૦૦ એડવાન્સ પેટે ભરી દીધા હતા. તેમ છતાં ઠગોએ કોઇ મશીન નહી મોકલ્યા, જેથી કંપનીએ બાદ અવાર નવાર મશીન બાબતે ફોન કરી ઉઘરાણી કરતાં આરોપીઓએ મશીનનું પેકીંગ થતું હોવાનો વિડીયો કંપનીને મોકલી તમને મશીન મળી જશે તેવી વાત કરી હતી, પરંતુ કોઇ મશીન મોકલ્યું નહીં ને આરોપીઓએ ફોન બંધ કરી દીધો હતો.