Surat Main

ત્રીજી લહેર માટે પણ સુરતનું તંત્ર તૈનાત: ઓક્સિજનની ભારે કટોકટીને પણ પહોંચી વળશે

સુરત: સુરત (Surat) સહિત સમગ્ર રાજ્યમાં ફરી કોરોના (Corona)ની સંભવિત ત્રીજી લહેર (Third wave) શરૂ થઈ રહી હોય તેવા સંકેત તબીબોને મળી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર પણ આગોતરા આયોજનના ભાગરૂપે સતર્ક છે.

નવી સિવિલ હોસ્પિટલ (Civil hospital)માં બીજી લહેરમાં ઓક્સિજન (Oxygen)ની ભારે કટોકટી જોવા મળી હતી. પરંતુ ત્રીજી લહેરમાં ફરી ન કરે નારાયણ આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો દર્દીઓને ઓક્સીજન પૂરતા પ્રમાણમાં આપી શકાય તે માટે પહેલાથી ત્રણ ઓક્સિજન ઉત્પાદન કરતાં પ્લાન્ટ સ્થાપિત કરી દેવાયા છે. જેથી કેમ્પસમાં જ સાડા ચાર મેટ્રિકટન જેટલો ઓક્સિજન ઉત્પાદન થઈ શકશે. અને 350 થી વધુ દર્દીઓને 24 કલાક ઓક્સિજન પૂરો પાડી શકાશે.

કોરોનાની પ્રથમ લહેર વખતે દક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો એક પણ પ્લાન્ટ સ્થાપિત નહોતો. ત્યારે લિક્વિડ ઓક્સિજનમાંથી દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો હતો. તો બીજી લહેર થોડી હળવી રહેશે તેવી આગાહી કરનાર તબીબો પણ અચંબિત થયા હતા જ્યારે કોરોનાની બીજી લહેરે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું. ટપોટપ મરી રહેલા માણસો અને ખુટી રહેલા હોસ્પિટલના બેડ તથા ઓક્સિજનની અછત જોઈને જાણે સમગ્ર શહેરમાં લોકોમાં ધ્રુજારી વ્યાપી ગઈ હતી.

કોરોનાની બીજી લહેર સમાપ્ત થવા આવી ત્યાં સુધી નવી સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનનો એક પ્લાન્ટ સ્થાપિત કરી દેવાયો હતો. જેના થકી ત્રણ મેટ્રિકટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થતો હતો. પરંતુ ત્રીજી લહેરમાં પરિસ્થિતિ સંભવત જો વધારે ભયાનક થાય તો તેના આગોતરા આયોજનના ભાગરૂપે 3 પ્લાન્ટ સ્થાપી દેવાયા છે. જેમાં કોવિડ હોસ્પિટલ પાસે બે અને નવી સિવિલ હોસ્પિટલમાં એક પ્લાન્ટ સ્થાપિત કર્યો છે. આ ત્રણ પ્લાન્ટ થકી હવે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જ સાડા ચાર મેટ્રિકટન જેટલો ઓક્સિજન ઉત્પન્ન થશે. અને જેનાથી 350 થી વધુ દર્દીઓને 24 કલાક ઓક્સિજન પૂરો પાડી શકાશે. બીજી લહેરમાં જ્યારે શહેરમાં ઓક્સિજનની કટોકટી સર્જાઈ હતી ત્યારે સૌથી વધારે દર્દ નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ હતા. ત્રીજી લહેરમાં ગમે તેટલો ઓક્સિજનની જરૂર પડે તો હોસ્પિટલના કેમ્પસમાંથી જ તે પુરો પાડી શકાય તેવા પ્રયાસનું આયોજન કરી દેવાયું છે.

બીજી લહેર વખતે 1750 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડ્યો હતો

નવી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની પ્રથમ લહેર વખતે લિક્વિડ ઓક્સિજન હતું. છતાં જેમ તેમ કરી 1200 જેટલા દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો. પરંતુ બીજી લહેર વધુ ભયાનક સાબિત થઈ હતી. ત્યાર સુધી નવી સિવિલમાં 3 મેટ્રીકટન ઓક્સિજન ઉત્પાદન કરતો પ્લાન્ટ સ્થાપી દેવાયો હતો. છતાં ઓક્સિજનની કટોકટી ઊભી થઈ હતી. હોસ્પિટલ દ્વારા ખેંચતાણ કરી 1750 દર્દીઓને ઓક્સિજન પૂરો પાડવામાં આવ્યો હતો. અને ત્યાર પછી જાણે દર્દીઓની ભરતી જ બંધ કરી દેવાઈ હતી. હોસ્પિટલના ગેટ પણ બંધ કરી દેવાયા હતા. આ પરિસ્થિતિએ લોકોને વધુ વિચલીત કર્યા હતા. અને હવે ત્રીજી લહેરમાં આ પરિસ્થિતિ ન સર્જાય તે માટે ઓક્સિજન પ્લાન્ટ વધારી દેવાયા છે. પણ સાથે સાથે લોકોને ખૂબ કાળજી રાખવા અનુરોધ પણ તબીબો દ્વારા કરાયો છે.

પ્રાકૃતિક અને શુદ્ધ ઓક્સિજન આપશે

પ્લાન્ટમાં લાગેલા ઇલેક્ટ્રીક ઉપકરણ બાહરની હવા લે છે. ઇલેક્ટ્રો કેમિકલ પ્રોસેસથી હવામાં રહેલો કાર્બન ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન જેવા અન્ય ગેસને અલગ કરી ઓક્સિજનને એક ટેંકમાં સ્ટોર કરે છે. આ પ્લાન્ટમાંથી પ્રતિ મિનિટ 2 હજાર લીટર શુદ્ધ ઓક્સિજન સપ્લાય થાય છે. હવામાં 28 ટકા ઓક્સિજન હોય છે અને પ્લાન્ટ હવામાંથી આ ઓક્સિજન લઈને આપે છે.

Most Popular

To Top