National

દેશમાં બેફામ કોરોના: દિલ્હીમાં ઑક્સિજન કટોકટી

દેશમાં કોરોનાની સ્થિતિ ઓર બદતર બની છે. બેંગલુરુમાં એમ્બ્યુલન્સની આ લાઇન કોરોનાના દર્દીઓની નહીં પણ કોરોનાના મૃતકોના અંતિમસંસ્કારની છે. ગાઝિયાબાદમાં પણ અંતિમવિધિ માટે લાઇનો લાગી છે. કાનપુરમાં તો કોરોનાના મૃતકોનો અંતિમસંસ્કાર પીપીઈ કિટ વિના થઈ રહ્યો છે.

નવી દિલ્હી, 20 એપ્રિલ (પીટીઆઈ) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કેન્દ્રને દિલ્હીમાં મેડિકલ ઑક્સિજન આપવા માટે ‘હાથ જોડીને’ આગ્રહ કર્યો હતો અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું હતું કે, બુધવારે સવાર સુધીમાં ઑક્સીજનનો જથ્થો નહીં મળે તો શહેરમાં અરાજકતા રહેશે.

દિલ્હીની હોસ્પિટલોમાં આઈસીયુ બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યા છે. મંગળવારે દિલ્હીમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં માત્ર 30 જ બેડ ઉપલબ્ધ હતા.તેમણે ટ્વિટ કર્યું કે, દિલ્હીમાં ઑક્સિજન સંકટ યથાવત છે. કેટલીક હોસ્પિટલોમાં માત્ર થોડા કલાક પૂરતો જ ઑક્સિજન બાકી છે.

બીજા ટ્વિટમાં તેમણે કહ્યું કે, હું કેન્દ્ર સરકારને હાથ જોડીને વિનંતી કરું છું કે, વહેલી તકે દિલ્હીને ઑક્સિજન આપવામાં આવે. દિલ્હીની મોટાભાગની હોસ્પિટલોમાં માત્ર આઠથી બાર કલાકનો ઓક્સિજન બાકી છે. અમે કેન્દ્રને છેલ્લા સાત દિવસથી ઑક્સીજનનો પુરવઠો વધારવા કહીએ છીએ.

તેમણે ટ્વિટર પર એક નોટ પણ પોસ્ટ કરી હતી જેમાં વિવિધ હોસ્પિટલોમાં ઓક્સિજન સ્ટોકની સ્થિતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
આ નોટ મુજબ લોક નાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલ, દિન દયાળ ઉપાધ્યાય હોસ્પિટલ, બુરારી હોસ્પિટલ, આંબેડકર હોસ્પિટલ, સંજય ગાંધી હોસ્પિટલ, બી એલ કપૂર હોસ્પિટલ અને મેક્સ હોસ્પિટલમાં ફક્ત આઠથી બાર કલાકનો ઓક્સિજન બાકી હતો.
સર ગંગા રામ કોવિડ હોસ્પિટલે કહ્યું કે, તેમની પાસે માત્ર આઠ કલાકનો ઓક્સિજન બાકી છે. આ હોસ્પિટલમાં 485 બેડ છે, જેમાંથી 475 બેડ ભરેલા છે. જ્યારે, અંદાજિત 120 દર્દીઓ આઈસીયુમાં છે.

Most Popular

To Top