અમદાવાદ: ઓવૈસીની પાર્ટીના (Party) અમદાવાદનાં (Ahmedabad) એક કાર્યકર્તા દાનિશ કુરેશીએ શિવલિંગ વિશે અઘટિત ફેસબુક પોસ્ટ (Facebook Post) કરીને હિન્દુ (Hindu) ભાઈઓની ધાર્મિક લાગણી દુભાવી છે. આવી પોસ્ટ કરનારા અસામાજિક તત્વો ગુજરાતમાં (Gujarat) કોમી એખલાસ અને સૌહાર્દનું વાતાવરણ બગાડવા માટે આવા બિનજરુરી અને ઉશ્કેરણીજનક કૃત્યો કરતાં હોય છે તેમને હિન્દુ મુસ્લિમ ભાઈઓ તરફથી જાકારો આપવો જરૂરી છે. આ ઘટના પૂર્વઆયોજીત અને સ્પોનસર્ડ ઘટના છે, તેવું કોંગ્રેસના મિડિયા કોર્ડીનેટર હેમાંગ રાવલે જણાવ્યું હતું.
હેમાંગ રાવલે વધુમાં કહ્યું હતું કે તાજેતરમાં ઓવૈસી ગુજરાતના પ્રવાસે આવી ગયા પણ તે વારંવાર ગુજરાત આવી શકે તેમ નથી, જેથી સ્થાનિક લેવલે એમને એવા કાર્યકર્તાની જરૂર હતી જે ગુજરાતમાં હિન્દુ મુસ્લિમ સમાજ વચ્ચે વિવાદો ઉભા કરી શકે અને કોમી તંગદિલીનું વાતાવરણ ઉભું કરી શકે. ગુજરાતમાં ધરણા પ્રદર્શન માટે કોંગ્રેસને મંજુરી મળતી નથી અને પ્રજા માટે ધરણા પ્રદર્શન કરે તો પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવે છે, પરંતુ ઓવૈસીની પાર્ટીને ભાજપ સરકાર ધરણા – પ્રદર્શન માટે લાલઝાઝમ બીછાવે છે. ભાજપ અને ઓવૈસીની પાર્ટીનું અઘોષિત ગઠબંધન આનાથી સાબિત થાય છે.
ઉત્તરપ્રદેશની પૂરી થયેલી ચૂંટણીમાં ઓવૈસીએ હિંદુ વોટનું ભાજપના લાભમાં ધ્રુવિકરણ કરી આપવા માટે ઉત્તરપ્રદેશના ચૂંટણીના પ્રચારની શરૂઆત અયોધ્યાથી કરી હતી, અને નિવેદન આપ્યું હતું કે મોદી ગુફામાં જશે અને યોગી મઠમાં જશે તો પછી તમને કોણ બચાવશે. બીજી વખત એમણે કહ્યું હતું કે હિજાબ પહેરેલી મુસ્લિમ છોકરી એક દિવસ આ દેશના વડાપ્રધાન તરીકે આવશે. આમ ઓવૈસીએ ભાજપના લાભમાં ઉત્તરપ્રદેશમાં ધ્રુવિકરણનો તખ્તો ગોઠવી આપ્યો હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે આવનારી ચૂંટણીમાં ગુજરાતની સમજુ પ્રજા આ બંને ફાસીવાદી પાર્ટીને જાકારો આપશે. ગુજરાતનાં લોકો શાંતિપ્રિય સાહસિક અને ધંધો પાણી કરીને પોતાના બળ પર આગળ વધવા માંગે છે, ગુજરાતની પ્રગતિ માટે ઓવૈસી અને ભાજપને જાકારો આપવો જરૂરી છે.
દેવી દેવતાઓ અંગે અભદ્ર ટિપ્પણી કરનાર એઆઈએમઆઈએમના પ્રવક્તાની ધરપકડ
અમદાવાદ : હિન્દુ ધર્મના દેવી-દેવતાઓ વિશે અભદ્ર ભાષામાં ટિપ્પણી કરનાર એઆઈએમઆઈએમના પ્રવકતા દાનિશ કુરેશીની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં રહેતા અને અસુદ્દીન ઔવેસીની પાર્ટીના એઆઈએમઆઈએમના ગુજરાતના પ્રવકતા દાનિશ કુરેશીએ સોશિયલ મીડિયામાં હિન્દુ ધર્મના દેવી-દેવતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. જેના કારણે પ્રજામાં કોમી વૈમનસ્ય ફેલાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. સોશિયલ મીડિયામાં આવી ટિપ્પણી કરવા બદલ ભારે વિવાદ ઊભો થયો હતો. જેના પગલે શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દાનીસ કુરેશીની ધરપકડ કરી તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.