National

સુરતમાં ‘આપ’ અને અમદાવાદમાં ‘ઓવૈસી’ ને લીધે કોંગ્રેસની હાર વધુ શરમજનક બની

અમદાવાદ, રાજકોટ, વડોદરા, જામનગર, સુરત અને ભાવનગર મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ક્લિન સ્વીપ કર્યુ છે. પહેલા કરતા વધુ બેઠકો સાથે ભાજપે જીત મેળવી છે. કોંગ્રેસનો તમામ મહાનગરપાલિકામાં રકાસ થયો છે. રાજકોટમાં પાર્ટી માંડ ચાર બેઠકો જીતી શકી છે તો સુરતમાં ખાતું પણ ખોલાવી શકી નથી. સુરતમાં આમ આદમી પાર્ટીએ તો અમદાવાદમાં એઆઇએમઆઇએમ દ્વારા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. જામનગરમાં માયાવતીની પાર્ટી બહુજન સમાજ પાર્ટીએ પણ ખાતું ખોલાવ્યું છે. 6 મહાનગરપાલિકાની 575 બેઠકોના પરિણામ આવ્યા છે. 472 બેઠકો પર ભાજપને જીત મળી છે. તો કોંગ્રેસ ભાજપના 10 ટકા બેઠકો પણ મેળવી શકી નથી. કોંગ્રેસને માંડ 44 બેઠકો મળી છે. 27 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઇ છે જ્યારે બસપાને 3 અને એમઆઇએમને 8 બેઠકો મળી છે. જમાલપુર અને મક્તમપુરામાં એમઆઇએમનો વિજય થયો છે.

સુરતમાં કોંગ્રેસ પર ઝાડું ફરી વળ્યું
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના ગઢ મનાતા સુરતમાં ભાજપની મોટી જીત થઈ છે. સુરત મહાનગરપાલિકાની કુલ 120 બેઠકો પૈકી 93 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. જ્યારે 27 બેઠકો પર આમ આદમી પાર્ટીએ જીત મેળવીને કોંગ્રેસને સાફ કરી દીધું છે. કોંગ્રેસ સુરતમાં ખાતુ પણ ખોલાવી શકી નથી. સુરતમાં આમ આદમી પાર્ટીની 6 પેનલો પર શાનદાર જીત થઈ છે. પરિણામો જાહેર થયા બાદ અરવિંદ કેજરીવાલે ગુજરાતની જનતાનો ટ્વીટ કરીને આભાર માન્યો છે. સુરતમાં આપની જ્યાં-જ્યાં જીત થઈ છે તે બેઠકો ભુતકાળમાં કોંગ્રેસ પાસે હતી. સુરતમાં પાસ અને કોંગ્રેસના ઝઘડામાં આપ ફાવી ગયું હોય તેવું પ્રતીત થાય છે. હાર્દિક પટેલને સુરતની જનતાએ રીતસરનો ઝાટકો આપ્યો છે.

અમદાવાદમાં મજલિસની એન્ટ્રી

અમદાવાદમાં ઓવૈસીની પાર્ટી AIMIMને મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. જમાલપુર વોર્ડ જે અત્યાર સુધી કોંગ્રેસનું ગઢ મનાતું હતું તેમાં ઓવૈસીની પાર્ટીએ ગાબડું પાડી દીધું છે. AIMIM એ જમાલપુરમાં ચારેય ઉમેદવારોએ જીત હાંસલ કરીને સૌથી મોટો અપસેટ સર્જી દીધો છે. જમાલપુરમાં ઓવૈસીની પાર્ટી AIMIM ની પેનલ વિજેતા બની છે. આ ઉપરાંત અમદાવાદના મકતમપુરા વોર્ડમાં પણ કોંગ્રેસનો સફાયો કરીને AIMIM ની પેનલે જીત મેળવી લીધી છે. કોંગ્રેસથી નારાજ થઈને જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલા AIMIM માં જોડાઈને તેમની પાર્ટીમાંથી ગુજરાતના પ્રમુખ બન્યા હતા. અમદાવાદના કુલ 48 વોર્ડમાંથી 2 વોર્ડમાં ઓવૈસીની પાર્ટીની પેનલોએ જીત મેળવી છે. આ સાથે જ હવે કુલ 192માંથી 8 કોર્પોરેટરો AIMIM ના હશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top