Business

અતિની અવગતિ

એક તિબેટીયન લોકકથા છે કે દૂર દૂર પહાડોની વચ્ચે એક છુપાયેલું દિવ્ય સરોવર છે અને તેના કિનારે એક દિવ્ય વૃક્ષ છે.આ આનોકા વૃક્ષની ખૂબી છે કે જે દિવસે આ વૃક્ષ પર મોસમનું પહેલું ફૂલ ખીલે તે દિવસે જે કોઈ તે વૃક્ષ પરથી તળાવમાં કૂદકો મારે તે ઉચ્ચ યોનિ મેળવે.જંતુ પડે તો પશુ પંખી બની જાય.કોઈ પશુ પંખી વૃક્ષ પરથી તળાવમાં પડે તો માણસ બની જાય અને જો માણસ વૃક્ષ પરથી તળાવમાં ડૂબકી મારે તો દેવતા બની જાય.

એક દિવસ આ વાયકાનો જાણકાર માણસ આ વૃક્ષને શોધતો શોધતો ત્યાં પહોંચ્યો.વૃક્ષ પર કળીઓ લહેરાતી હતી એટલે વૃક્ષ પર પહેલું ફૂલ ખીલ્યું અને માણસે તરત તળાવમાં કૂદકો માર્યો અને તે દેવતા બની ગયો.થોડી વારમાં બીજો જાણકાર માણસ પોતાના કૂતરા સાથે આવ્યો અને તેણે કૂતરા સાથે કૂદકો માર્યો તો કૂતરો માણસ બની ગયો અને માણસ દિવ્ય દેવતા. કૂતરામાંથી માણસ બની ગયેલા માણસની નજર ઝાડ પર બેઠેલા વાંદરા અને વાંદરી પર પડી. તેણે કહ્યું, ‘અરે વાંદરામાંથી માણસ બનવું હોય તો અબઘડી કૂદો આ તળાવમાં. મારી જેમ માણસ બની જશો. શેની રાહ જુઓ છો.’

આ વાત સાંભળી વાંદરો અને વાંદરી બંને તરત જ તળાવમાં કૂદી પડ્યાં અને બંને સુંદર મનુષ્ય બની ગયાં.વાંદરાએ વાંદરીને કહ્યું, ‘અરે વાહ, તું તો દુનિયાની સૌથી સુંદર સ્ત્રી બની ગઈ. ચલ, ફરી તળાવમાં કૂદીએ તો આપણે દિવ્ય દેવી -દેવતા બની જઈશું.’વાંદરી બોલી, ‘ના, વાંદરામાંથી માણસ બની ગયા, સારું છે.તને ખબર નથી પૂર્વજો શીખવાડી ગયા છે કે અતિ કોઈ વસ્તુની કરવી નહિ.’ પણ વાંદરો માન્યો નહિ. તે બોલ્યો, ‘વડવાઓની વાતો છોડ. તેમને આ તળાવની જાદુઈ અસર ખબર જ કયાં હતી.

હું તો ફરી કૂદીશ. તારે ન આવવું હોય તો રહે માણસ બનીને, હું તો દેવતા બની સ્વર્ગમાં જઈશ.’વાંદરો તળાવમાં ફરી કૂદ્યો અને ફરી વાંદરો બની ગયો.આકાશવાણી થઈ કે તળાવમાં એક વાર કૂદવાથી જ ઉચ્ચ યોનિ મળે છે. બીજી વાર કૂદો તો અવગતિ થઈ ફરી નીચલી યોનિ મળે છે.’ સમજુ વાંદરી રાજકન્યા બની અને લાલચુ વાંદરો અતિ કરવાથી અવગતિ પામ્યો અને ફરી વાંદરો બની ગયો.જીવનમાં દરેક સ્થળ અને સંજોગમાં અતિ સર્વત્ર વર્જિત જ છે તે હંમેશા યાદ રાખજો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top