National

મહાકુંભઃ બે દિવસમાં 5 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

પ્રયાગરાજઃ ગઈ તા. 13 જાન્યુઆરીથી શરૂ થયેલા 45 દિવસીય મહાકુંભના ત્રીજા દિવસે પણ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. મહાકુંભના પ્રથમ બે દિવસમાં 5 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર સ્નાન કર્યું છે. મંગળવારે મકરસંક્રાંતિ પર મહાકુંભ 2025 ના પ્રથમ અમૃત સ્નાન દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે હેલિકોપ્ટરથી સંગમના કિનારે હાજર લાખો ભક્તો પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી.

પ્રયાગરાજ મહાકુંભમાં મકર સંક્રાતિના મહા શાહીસ્નાનમાં કડકડતી ઠંડી વચ્ચે પણ શ્રધ્ધાનો સમંદર ઉમટ્યો છે. બે દિવસમાં 5 કરોડથી વધુ ભક્તોએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડુબકી લગાવી છે. સર્વત્ર હર હર ગંગે અને મહાદેવનાં જયઘોષ સાતે અલૌકીક માહોલ સર્જાયો છે.

કુંભ મેળાના શિબિરમાં હવનમાં ભાગ લીધો
ઋષિકેશ સ્થિત પરમાર્થ નિકેતન આશ્રમના આધ્યાત્મિક વડા સ્વામી ચિદાનંદ સરસ્વતી અને સાધ્વી ભગવતી સરસ્વતીએ અન્ય ભક્તો સાથે પરમાર્થ નિકેતન કુંભ મેળાના શિબિરમાં હવનમાં ભાગ લીધો હતો.

પહેલાં શાહી સ્નાનમાં 13 અખાડાના સાધુસંતોએ અમૃત સ્નાન કર્યું
મહાકુંભમાં મકર સંક્રાતિના પ્રથમ શાહી સ્નાનમાં ગઈકાલે સુર્યોદય પૂર્વે જ સનાતન ધર્મનાં ધ્વજવાહન 13 અખાડાઓનાં સાધુસંતો તથા નાગા સન્યાસીઓ અમૃત સ્નાન માટે પહોંચી ગયા હતા સૌ પ્રથમ મહાનિર્વાણી તથા અટલ અખાડાનાં સન્યાસીઓએ અમૃતસ્નાન કર્યું હતું અને ત્યારબાદ ક્રમવાર 13 અખાડાનાં સાધુ સંતોએ ગંગામાં ડુબકી લગાવી હતી.

ગંગાસ્નાન બાદ પરત ફરતા સન્યાસીઓની ચરણરજ લેવા ભાવિકોએ લાઈનો લગાવી હતી. પરોઢીયેથી રાત સુધી ચાલુ રહેલા શાહીસ્નાન દરમ્યાન શ્રધ્ધાળુઓ પર હેલીકોપ્ટર મારફત પુષપવર્ષા કરવામાં આવી હતી. સર્વત્ર હર હર ગંગે અને મહાદેવનાં ગગનભેદી ઘોષથી વાતાવરણ ગુંજતુ રહ્યું હતું.

મહાકુંભમાં હાર્ટ એટેકથી 6ના મોત
મહાકુંભમાં કડકડતી ઠંડી વચ્ચે શ્રધ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવી હતી અને તે દરમ્યાન હાર્ટએટેક જેવા કારણોસર એનસીપી નેતા સહીત છ લોકોના મોત નીપજયા હતા જયારે 57 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રનાં સોલાપુરનાં પૂર્વ મેયર તથા એનસીપીનાં નેતા મહેશ કોડે હાર્ટએટેક આવતા તેમનુ મોત થયુ હતું.

ગંગાસ્નાન બાદ તેઓ બેભાન થઈ ગયા હતા.આ સિવાય એક નાગા સન્યાસી સહીત અન્ય પાંચ લોકોના પણ મોત થયા હતા. જયારે સૈન્યનાં પૂર્વ બ્રિગેડીયર, બે મહંત સહીત 10 લોકોને હાર્ટએટેકથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહાકુંભનાં વહીવટી તંત્રના રીપોર્ટ મુજબ જુદા જુદા કારણોસર 6000 લોકોની તપાસ કરવામાં આવી હતી.જેમાંથી 57 લોકોને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Most Popular

To Top