વિરપુર : વિરપુરમાં કન્જક્ટિવાઇટીસના દર્દીઓમાં ઉછાળો જોવા મળ્યો છે, તાલુકામાં છેલ્લા છેલ્લા એક માસ દરમ્યાન 1033 એક્ટિવ કેસ નોંધાયા છે. રોજેરોજ આંખ આવવાના દર્દીઓમાં વધારો જોવા મળ્યો છે. સમગ્ર ગુજરાતમાં આંખોમાં ઇન્ફેક્શન થવું તેમજ આંખો આવી જેવા રોગોએ ભરડો લીધો છે. આંખો આવી જેવા કેસોમાં દિવસેને દિવસે વધારો થતો હોય તેવું જોવા મળી રહ્યું છે.
વિરપુર સહિત ગ્રામ્ય વિસ્તારોમા અનેક જગ્યાએ આવા કેસો સામે આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. તેમ છતાં વિરપુર ખાતે આવેલા સરકારી હોસ્પિટલમાં આંખોના ડોક્ટર સપ્તાહમા માત્ર એકજ દિવસ આવતા હોય દર્દીઓને અસુવિધાનો અહેસાસ વર્તાઈ રહ્યો છે. તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી આંખો આવવાના કેસોમાં ચિંતાજનક વધારો સામે આવ્યા છે. તાલુકાના ખાનગી દવાખાના અને સરકારી હોસ્પિટલોમાં કન્ઝક્ટિવાઈટિસના દર્દીઓ વધુ પ્રમાણમાં જોવા મળ્યાં છે. પ્રાઈવેટ દવાખાના એક અંદાજ મુજબ રોજ 100થી વધુ ઓપીડી દવાખાનાઓમાં આવી રહી છે.
બીજી તરફ આંખો આવવાના કેસોના લીધે શાળાઓમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી પણ જોવા મળી છે. વિરપુર સરકારી હોસ્પિટલ છેલ્લા એક માસમાં 714 તેમજ તાલુકામાં આવેલાં ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો પર છેલ્લા એક માસમાં 319 આંખ આવવાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં આંખ આવવાના કુલ 1033 જેટલા કેસ સરકારી ચોપડે નોંધાયાં છે.
વિરપુર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી આંખ આવવાના કેસોમાં સતત વધારો જોવા મળ્યો છે. બીજી બાજુ તાલુકાના ત્રણ આરોગ્ય કેન્દ્નો પર આંખમાં નાખવાના આઈ ડ્રોપ્સની અછત સર્જાઈ છે.