National

AI ઇમ્પેકટ સમિટ 2026માં,100થી વધારે દેશો અને 400થી વધારે કંપનીઓ લેશે ભાગ

રાજધાની દિલ્હીમાં આવતીકાલ એટલે કે 16 ફેબ્રુઆરીથી 20 ફેબ્રુઆરી સુધી ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 યોજાશે. આ સમિટની રચના મુખ્ય લોકો, ગ્રહ અને પ્રગતિ જેવા ત્રણ મુખ્ય સ્તંભોની આસપાસ રચાયેલ છે. આ એક્સ્પો દિલ્હીના પ્રગતિ મેદાનમાં આવેલા ભારતમંડપમમાં યોજાશે,  જે આશરે 75,000 ચોરસ મીટરને આવરી લેશે. આ સમિટનો મુખ્ય ઉદ્દેશ ભારતને ગ્લોબલ એઆઈ હબ બનાવવાનો છે. 100થી વધુ દેશોએ સમિટમાં તેમની ભાગીદારીની હામી ભરી છે. આ સમિટનું ઉદ્ધાટન માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.

સમિટમાં ગૂગલ, એનવીડિયા, ઓપનએઆઈ જેવી 400 દિગ્ગજ કંપનીઓ ભાગ લેવાની છે. આ સિવાય દેશની સૌથી ટોચની ટેક્નોલોજી કંપનીઓ પણ ભાગ લેવાની છે. આ સમિટમાં ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન, એનવીડિયાના જેન્સેન હુઆંગ, એન્થ્રોપિકના ડારિયો અમોડેઈ, ડીપમાઇન્ડના ડેમિસ હાસાબીસ, માઇક્રોસોફ્ટના પ્રમુખ બ્રેડ સ્મિથ અને ક્વાલકોમના સીઈઓ ક્રિસ્ટિયાનો એમોન આ સમિટમાં હાજર રહેશે એવી અપેક્ષા સેવાઈ રહી છે. આ સિવાય આ સમિટમાં 15-20 સરકારના વડાઓ, 50થી વધુ આંતરરાષ્ટ્રીય મંત્રીઓ અને 40થી વધુ ભારતીય અને વૈશ્વિક સીઈઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ એક્સ્પોમાં સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને જોડવા માટે વિશેષ સત્ર યોજાશે. તેમ જ પાંચ દિવસીય આ ઇવેન્ટમાં એઆઈ અને તેની અસરો પર લગભગ 700 જેટલા સેશન યોજાશે.

ઇવેન્ટમાં મુખ્ય રૂપે રોજગારની તકો, પર્યાવરણને અનુરૂપ એઆઈનો ઉપયોગ, આર્થિક વિકાસ પર પણ ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ગ્લોબલ નોર્થ અને સાઉથના પ્રતિનિધિઓ મળીને એઆઈને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેવી રીતે ઉપયોગ કરવો એ વિશે ચર્ચાઓ થશે. આ સમિટ યોજાવાના કારણે દિલ્હીની 20થી 30 હજારની ફાઇવ સ્ટાર હોટેલ્સના ભાવ પણ આસમાને પહોંચ્યા છે, જે એક લાખ, બે લાખ નહી પણ 30 લાખ સુઘી પહોંચ્યા છે.

Most Popular

To Top