અમેરિકાનું ન્યૂયોર્ક મહાનગર એ વિશ્વનું અગ્રણી વ્યાપારી મહાનગર છે અને કાયમ વ્યાપાર ધંધાઓ અને દુનિયાભરના લોકોની અવર જવરથી ધમધમતું રહે છે. આજે જો કે આ શહેરનો માહોલ કંઇક જુદો જ છે. કોરોનાવાયરસનો ખોફ જાણે આ શહેરની હવામાં છવાયેલો છે અને વ્યાપાર ધંધાઓ બંધ પડ્યા છે ત્યારે અહીંની હોસ્પિટલોમાંથી કેટલીક હચમચાવી મૂકે તેવી તસવીરો બહાર આવી છે.
મોટા પ્રમાણમાં લોકોના મૃત્યુઓ થઇ રહ્યા હોવાથી અહીંની હોસ્પિટલોમાંથી સંખ્યાબંધ મૃતદેહો બહાર આવી રહ્યા છે. ન્યૂયોર્કની બ્રૂકલીન હોસ્પિટલની પરસાળોમાં કેસરી કલરની બોડી બેગ્સ મૂકેલી જોઇ શકાય છે તો અહીંના બુશવિક વિસ્તારની વીકોફ હાઇટ્સ મેડિકલ સેન્ટર નામની હોસ્પિટલની અંદર લેવામાં આવેલી એક ખળભળાવી દે તેવી તસવીરમાં જોઇ શકાય છે કે અવસાન પામેલા ઘણા દર્દીઓના મૃતદેહો બોડી બેગ્સમાં મૂકીને સ્ટ્રેચરો પણ ગોઠવવામાં આવ્યા છે.
ઘણી હોસ્પિટલોની બહાર ખાલી રેફ્રિજરેટેડ ટ્રકો ગોઠવાયેલી છે. જો હોસ્પિટલોના શબગૃહોમાં જગ્યા ખૂટી પડે તો આ ટ્રકોને કામચલાઉ શબઘર તરીકે ઉપયોગમાં લઇ શકાય તે માટે આ ટ્રકો ગોઠવી દેવામાં આવી છે. જો કે સદભાગ્યે અત્યાર સુધી આવો કોઇ ખાસ ઉપયોગ કરવો પડ્યો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યૂયોર્કમાં અત્યાર સુધી ૨૪૦૦થી વધુ લોકો કોવિડ-૧૯થી મૃત્યુ પામ્યા છે.