Vadodara

બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરાતા રોષ

વડોદરા : ગુજરાત ગૌણ સેવા પસંગી મંડળ દ્વારા તાજેતરમાં જ વહીવટી કારણોસર બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.જેને લઈ વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા જીલ્લા કલેક્ટરને એ.બી.ગોરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.સાથે જ ત્વરિત પરીક્ષા યોજવા માંગ પણ કરવામાં આવી હતી.અને જો આગામી દિવસોમાં ભરતી અંગેની પરીક્ષામાં ગેરરીતિ સામે આવશે.ત્યારે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી ભાજપ સરકારે લાખો યુવાનોના રોજગાર વિરોધી નીતિ અપનાવી રહી હોવાના આક્ષેપ સાથે શુક્રવારે વડોદરા શહેર યુથ કોંગ્રેસના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વહેલામાં વહેલી તકે પરીક્ષા યોજવા માંગણી કરી હતી.

યુથ કોંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ વાઘેલાએ રદ કરાયેલ બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા યોજવા મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રવિવારે તા.13ના રોજ યોજાવાની હતી.જેને રદ કરી દેવામાં આવી છે.વર્ષ 2018 માં પણ આ પરીક્ષા પેપર ફૂટી જવાના કારણે રદ કરવી પડી હતી અને ફરીથી પરીક્ષા યોજાવાની હતી .પરંતુ રાજ્યની ભાજપ સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ છેલ્લા સાત વર્ષ માં નવ થી વધારે વખત પરીક્ષાના પેપર લીક થયા છે અને પરીક્ષાઓ રદ થઈ છે.

બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં જોતરાયા હતા. પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એક વાર નિરાશ અને હતાશ થયા છે.ત્યારે ગુજરાત યુવક કોંગ્રેસ અને વડોદરા શહેર જીલ્લા યુથ કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટિબદ્ધ છે.જો વહેલી તકે પરીક્ષાઓ યોજવામાં નહીં આવે તો જ્વલંતમાં જ્વલંત આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Most Popular

To Top