સુરત : શહેરમાં મ્યુકોરમાઇકોસિસના કેસોને લઇને તંત્રની ચિંતામાં વધારો થયો છે. સિવિલમાં એક જ દિવસમાં 15 થી વધુ કેસો દાખલ થતા તંત્ર પણ સ્તબ્ધ થઇ ગયું હતું. સિવિલ અને સ્મીમેરમાં મળીને કુલ્લે 80 થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. દરરોજ ત્રણથી ચાર દર્દીઓની સર્જરી થઇ રહી હોવાની વિગતો સાંપડી છે. દરમિયાન સ્મીમેરમાં એક કેસ દાખલ થયો છે. કુલ સ્મીમેરમાં 26 દર્દીઓ દાખલ હોવાની વિગત જાણવા મળી છે. દરમિયાન ઓપીડીમાં બે દર્દીઓ આવ્યા હતા પરંતુ સ્મીમેરમાં તેઓને દાખલ કરવામાં આવ્યા ન હતા.
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાના હાહાકાર પછી હવે મ્યુકોરમાઇકોસિસના કેસોમાં સતત ઉછાળો થઇ રહ્યો છે. એક દિવસ પહેલા સિવિલમાં 30 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હતા ત્યારે છેલ્લા બે દિવસમાં 15 થી વધુ દર્દીઓ સારવાર માટે આવતા હોવાથી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. દરરોજ વધતા કેસોને લઇને સિવિલ પ્રશાસન દ્વારા એન્ડોસ્કોપી માટે વધારાના 8 મશીન ખરીદવામાં આવ્યા છે. નવી સિવિલના ઇએનટી વિભાગ પાસે અત્યાર સુધી માત્ર બે જ એન્ડોસ્કોપી (દૂરબીન) હતા, પરંતુ હાલમાં મ્યુકરમાઇકોસિસની કેસોને લઇને બીજા 8 એન્ડોસ્કોપી ખરીદવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલમાં મહિલા અને પુરુષ માટે થઇને બે અલગ અલગ વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં સિવિલ હોસ્પિટલમાં 57 દર્દીઓ છે અને સ્મીમેર હોસ્પિટલમાં 27 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે દરરોજ બંને હોસ્પિટલમાં ત્રણથી ચાર જેટલા દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે. શુક્રવારે 3 જેટલા દર્દી ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવ્યા બાદ સિવિલમાં સારવાર માટે આવ્યા છે. જયારે પાલિકાની સ્મીમેર હોસ્પિટલમાં આજે વધુ 7 દર્દીઓે મળી કુલ 23 દર્દી સારવાર લઇ રહ્યા છે. જેમાં ચાર જેટલા દર્દી ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાવી વધુ સારવાર માટે સ્મીમેરમાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
સિવિલમાં 17 મહિલા દર્દી અને 40 પુરુષો સારવાર હેઠળ
સિવિલમાંથી મળતી માહિતી મુજબ હાલમાં મ્યુકરમાઇકોસિસની કુલ્લે 57 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તેમાંથી 17 મહિલા દર્દી છે અને 40 પુરુષ દર્દી છે. દરરોજ ત્રણથી ચાર દર્દીઓની સર્જરી કરવામાં આવી રહી છે. મ્યુકરમાઇકોસિસના વધતા કેસોને લઇને સ્ટાફની પણ અછત જોવા મળી રહી હોવાની વિગતો મળી છે.
મ્યુકોરમાઇકોસિસનું પ્રમાણ કેટલું છે..? તે જાણવા માટે હવે નવા હાઇટેક એમઆરઆઇ મશીન માટે ઇન્ડેન્ટ મોકલી અપાયુ
સિવિલમાંથી મળતી માહિતી મુજબ શહેરમાં દિન-પ્રતિદિન કેસો વધી રહ્યા છે. દર્દીઓમાં મ્યુકરમાઇકોસિસનું કેટલું પ્રમાણ છે. દર્દીના ચહેરા ઉપર જડબુ, આંખ અને મગજમાં કેટલા પ્રમાણમાં ફુગ થઇ છે અને મ્યુકરમાઇકોસિસ કેટલા પ્રમાણમાં પ્રસર્યું છે તે જાણવા માટે હાઇટેક એમઆરઆઇ મશીનની માંગણી કરવામાં આવી છે. સિવિલ પ્રશાસન દ્વારા રાજ્ય સરકારને ઇન્ડેન્ટ મોકલીને નવા મશીનની માંગણી કરી હોવાની વિગતો પણ સાંપડી છે.