Columns

આપણું કામ

એક જીવનની મુશ્કેલીઓથી ઘેરાયેલો, થાકેલો અને હારેલો યુવાન એક મંદિરમાં ગયો અને ભગવાન સામે પ્રાર્થનાને બદલે ફરિયાદ કરવા લાગ્યો. તે બોલ્યો, ‘પરભુ, તેં આવું કેવું જીવન આપ્યું છે, જેમાં મારી મરજી પ્રમાણે કંઈ નથી થતું.ભણવું ન હતું, માતા પિતાની ઈચ્છા પ્રમાણે ભણ્યો.ભણ્યો, પણ મનગમતી નોકરી ન મળી, એટલે નાનકડો ધંધો કરું છું.ઠીક ઠીક કમાણી થાય છે, પણ જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવે જ છે.માતા પિતાની મરજીથી લગ્ન કર્યા છતાં ઘરમાં સાસુ વહુના ઝઘડા વચ્ચે હું ફસાઈ જાઉં છું.નથી મળતી ધંધામાં સફળતા કે નથી ઘરમાં શાંતિ.મારી ઈચ્છા પ્રમાણે હું જીવી શકતો નથી.કંટાળી ગયો છું આવા જીવનથી.વગેરે વગેરે ઘણી લાંબી ફરિયાદો યુવાને કરી.

મંદિરના ઓટલા પર બેઠેલા એક સંત યુવાનની આ ફરિયાદ સાંભળી રહ્યા હતા.જયારે યુવાન પાછો વળ્યો ત્યારે સંતે તેને રોક્યો અને કહ્યું, ‘યુવાન, માઠું ન લગાડે તો એક વાત કહું.’યુવાન ઊભો રહ્યો. સંત ધીમેથી બોલ્યા, ‘દીકરા, ભગવાનને નમન કરાય, તેનો ધન્યવાદ કરાય, આમ ફરિયાદોનાં પોટલાં તેની સામે ન ખોલાય.’યુવાન બોલ્યો, ‘પણ જીવનમાં તકલીફ જ તકલીફ હોય તે શું કરે?’

સંત બોલ્યા, ‘યુવાન, શું આપણો જન્મ કયાં કયારે અને કોના ઘરે થશે તે આપણી મરજી પ્રમાણે થાય છે? યુવાને ના પાડી.સંતે પૂછ્યું, ‘શું તારું કે મારું મૃત્યુ આપણે નક્કી કરીશું તે દિવસ, વાર, તિથિ પર આપણા નક્કી કર્યા મુજબ થવાનું છે?’ યુવાને નકારમાં ડોક ધુણાવી.સંત આગળ બોલ્યા, ‘તો પછી યુવાન, આ જન્મ અને મૃત્યુ વચ્ચેના સમયમાં જે કંઈ પણ થાય તે વ્યવસ્થા આપની મરજી પ્રમાણે કઈ રીતે થઈ શકે? જે તારા માટે યોગ્ય હશે તે તને મળશે અને જે તારા માટે યોગ્ય નહિ હોય તે તારી પાસેથી છીનવાઈ જશે.એટલા માટે જે થાય તેના માટે કોઈ દિવસ ફરિયાદ ન કરવી.’

યુવાન બોલ્યો, ‘તો પછી મારે શું કરવું જોઈએ?’ સંતે કહ્યું, ‘યુવાન જીવનમાં બધું જ ઈશ્વરની મરજી મુજબ નિર્ધારિત છે.તે જે કરે છે તે સારા માટે જ કરે છે તેવો વિશ્વાસ રાખવો.જે થાય તેનો સ્વીકાર કરવો.જે મળે તે માટે ઈશ્વરનો આભાર માનવો અને ફરિયાદો કર્યા વિના , નિરાશ થયા વિના બસ આપણે આપણા કર્મ કરતાં રહેવું એ જ આપણું કામ છે.’ સંતે યુવાનને દરેક મનુષ્યનું કામ સમજાવ્યું. બસ, એટલું સમજી લો કે સારા કર્મ કરતા રહી સાચી ફરિયાદરહિત પ્રાર્થના કરતાં રહેવું આપણું કામ છે.          – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top