Comments

આપણો મત! મફત માટે નહિં તો મફતના ભાવે પણ નહીં!

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ચરમસીમાના તબકકામાં પહોંચી છે. પ્રથમ વખત પ્રજાને સીધા આર્થિક લાભના વચન સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં આવી અને દિલ્હી તથા પંજાબમાં તે જીતી એટલે ગુજરાત ચૂંટણીના થોડા સમય પહેલાં જ ખુદ પ્રધાનમંત્રીશ્રીએ ‘મફતની રેવડી’ દ્વારા રાજનીતિમાં પ્રવેશનારાની નોંધ લીધી અને મીડિયાએ ‘મફતની રેવડી’ શબ્દ ઉપાડી લીધો. માત્ર શિક્ષણ અને વિજયી બે જ મફત આપવાની જાહેરાત માત્રથી અર્થશાસ્ત્રીઓ બેઠા થઇ ગયા અને મફતથી દેશને કેટલું નુકસાન થાય તેના આંકડા, ચર્ચાઓ થવા લાગ્યા. પાંચ લાખ કરોડની અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ ધપતા ભારતને અચાનક જ શ્રીલંકા, પાકિસ્તાન સાથે સરખાવવા લાગ્યા…

રાજનીતિમાં બધું જ ચાલે? ના, આમ તો ના ચાલે! પણ છે તો કરવું શું? વિચારીને મતદાન કરવું! રાજનેતાઓ પ્રજાને વિચારશૂન્ય બનાવવા પ્રયત્ન કરે છે! આપણે વિચારવાનું ચાલુ રાખવાનું છે! પ્રથમ તો એ વિચારો કે કોઇ એકાદ વરવુ એ સેવા મફત મળે એનાથી સત્તાના નિર્ણય થાય નહીં. વોટ દ્વારા આપણે જે સત્તા સોંપીએ છીએ તેમનું મૂળ કામ કાયદા બદલવાનું અને કાયદા ઘડવાનું છે! એટલે પક્ષ કે જેની પાસે વિચારધારા હોય, સાચો ખોટો પણ ભવિષ્યનો પ્લાન હોય એક સંયુકત નેતાગીરી હોય.

તેનો જ લાંબા ગાળાની રાજનીતિમાં વિચાર થાય. માત્ર ઘટનાકેન્દ્રી, એકાદી જાહેરાતથી વ્યકિતલક્ષી પક્ષને પસંદ કરતાં પહેલાં વિચાર કરવો પડે! રહી વાત મફતની. તો ગુજરાતમાં સરકારી શાળા કોલેજોમાં આજે પણ શિક્ષણ સાવ નજીવા દરે જ છે. સ્ત્રી શિક્ષણ મફત જ છે. શાળાઓમાં મધ્યાહ્ન ભોજન યોજના છે. અપડાઉનમાં કન્સેશન છે. માત્ર જાહેરાતનો જ વિચાર કરીએ તો ‘મફત શિક્ષણ’ની વાતમાં નવું કશું નથી અને શિક્ષણ મફત કે સાવ મફતના ભાવે આપવાથી કોઇ દેશ ડૂબી જતો નથી! પણ મૂળ પ્રશ્ન છે ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળા કોલેજ યુનિવર્સિટી જ છેલ્લાં વીસ વર્ષમાં વધી નથી. એટલું જ નહીં તે ઘટી છે.

મા-બાપ પાસે બાળકોને સેલ્ફ ફાયનાન્સમાં ભણાવ્યા વગર છૂટકો જ નથી. એટલે નવી સરકાર પછી તે ભાજપની હોય કે કોંગ્રેસની હોય કે આપની હોય પ્રજાએ તેની પાસે સુવિધાપૂર્ણ અને વાજબી ભાવનું શિક્ષણ માંગવાનું જ છે! આવું જ આરોગ્ય સેવાઓનું છે. દરેક જિલ્લા તાલુકા કક્ષાના લોકોએ સુવિધાપૂર્ણ હોસ્પિટલો શરૂ કરવા અને જયાં ‘મકાનો’ છે ત્યાં સગવડો અને ડોકટરો મૂકવા દબાણ કરવાનું છે! વારે વારે ‘આયુષ્યમાન’ કાર્ડની દુહાઇ દેનારાને કહેવાનું છે કે ભાઇ સાદા શરદી-તાવ – મેલેરિયાની દવામાં બે – ત્રણ હજાર થઇ જાય છે અને આયુષ્યમાનકાર્ડ વાપરવા તો મોટું ઓપરેશન કરાવવું પડે! ગંભીર બિમારીના ભોગ બનવું પડે! રોજિંદી સારવાર સહજ – વાજબી દરે થાય તેની વાત કરો!

ગુજરાતમાં સૌથી મોટો પ્રશ્ન છે રોજગારીનો, ખાસ તો આઉટ સોર્સિંગ અને કોન્ટ્રાકટ પ્રથાનો! જેમાં યુવાનોનું માત્ર શોષણ જ થાય છે અને સરકાર એજન્સીઓને સીધા રૂપિયા જ ચૂકવે છે! આ કરોડપતિ થવાનો સીધો રસ્તો સત્તાધારીઓને ફાવી ગયો છે. પ્રજાએ, ખાસ તો યુવાનોએ આ કોન્ટ્રાકટ પ્રથા, આઉટ સોર્સ દૂર કરાવનારા પક્ષને જ ચૂંટવાની જરૂર છે. જયારે જયારે પક્ષના નેતાઓ આવે તો પૂછવાનું કે તમે યુવાનોનું શૌષણ કરતી આ પ્રથા બંધ કરવાના છો? કે ચાલુ જ રાખવાના છો?

આજે ગુજરાતમાં દરેક પક્ષ વીડિયોના માધ્યમથી લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે. જયારથી આમ આદમી પાર્ટીએ મફતનાં વચન આપ્યાં છે ત્યારથી જ તેમના વિરોધ કરનારા ‘અમારે તો મફત ના જોઇએ’ ‘મફત આપશો કયાંથી’ ‘ગુજરાતમાં તો મફત ચાલે જ નહીં’ જેવા સામાન્ય પ્રજાના મુખે બોલાવી વીડિયો વહેતા કરે છે. સારી વાત છે. પ્રજાએ આમ પણ લોભ-લાલચમાં આવ્યા વગર જ મતદાન કરવાનું છે પણ જેમ મફતની લાલચમાં આવીને મત ન અપાય તેમ આપણો ‘કિંમતી અને પવિત્ર મત’ મફતના ભાવે પણ ના અપાય. જો નેતાઓ સોદા કરતા હોય તો પ્રજાએ પણ સોદો કરવાનો છે. હા, આપણે વ્યકિતગત કે ટૂંકા ગાળાના લાભનો સોદો નથી કરવાનો પણ. જે પાર્ટી નવા પરિવર્તનશીલ સમાજ માટે કાયદા ઘડવાની વાત કરે. શિક્ષણ, આરોગ્ય, જાહેર કાયદો વ્યવસ્થા માટે આયોજનપૂર્વકની વાત કરે તેને આપવાનો છે. સૂત્રોચ્ચાર, ઢોલનગારાં પ્રવચનો, રોડશો ની ઝાકઝમાળ સર્જીને તેઓ આપણી વિચાર પ્રક્રિયાને રોકી દે છે. આપણા મૂળભૂત પ્રશ્નો- માંગણીઓની ઉપેક્ષા કરે છે. આપણે અડગ રહેવાનું છે!

ઉદ્યોગપતિઓને મફત જમીન વેચવી, કલાકારોને સરકારી કાર્યકાળના કોન્ટ્રાકટ વહેંચવા, ટેબલેટ કે લેપટોપ વહેંચવા. કોરોના કાળમાં શરૂ થયેલું મફત અનાજ હજુ પણ વહેંચવાનું ચાલુ રાખવું! આ બધું જ મફત જ છે! દેશની તિજોરી ઉપર બોજો જ છે. મધ્ય પ્રદેશ – રાજસ્થાનના મુખ્યમંત્રીની દસ લાખ રૂપિયાથી વધુ કિંમતની જાહેરાતો ગુજરાતના છાપામાં છપાય એ મફત છે! એટલે મારું મફત કલ્યાણલક્ષી અને તારું મફત દેશ ડુબાડનારું એવું ન હોય! દેશને, લોકશાહીને, આપણા ભવિષ્યને નુકસાનકારક હોય તો તે છે વગર વિચાર્યું મતદાન! માટે મતદાનના આ ગણતરીના દિવસોમાં સાંભળો બધું, જુઓ બધું, પણ ઘડીક શાંતિથી વિચારો અને પછી યોગ્ય ઉમેદવારને મત આપો. હવે લાલચમાં કે ભ્રમણામાં રહેશો તો યાદ રાખજો કે નેતાઓ પાંચ વર્ષે જ પૂછવા આવે છે!

જો સત્તાનું પુનરાવર્તન કરવાનું હોય તો બાંહેધરી લેવાની કે ગત પાંચ વર્ષોમાં જે નથી થઇ રહ્યું તે કયારે કરશો? શાળાઓ સુધારશે? આરોગ્ય સુવિધાઓ વધારશો? સારા પગારથી રોજગારી આપશો? ખાનગી શાળા – કોલેજ – હોસ્પિટલો – સિનેમા – પાર્કિંગના ભાવ વાજબી રાખશો? જો પરિવર્તન માટે મન બનાવ્યું હોય તો પણ માત્ર વિરોધ ખાતર વિરોધ ન કરતા. એને પૂછજો કે તમે બદલશો શું? તમારો એજન્ડા શું છે! યાદ રાખો નેતાઓ જ કહે છે કે તમારો મત કિંમતી છે! તો એને મફતના ભાવે ધૂળ જેવા માણસ પાછળ ન ખર્ચતા!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top