કહેવાય છે કે, સંઘર્યો સાપ કામનો. પરંતુ ક્યારેક સંઘરાખોર વ્યક્તિ કંજૂસમાં ખપી જાય છે. કોઈ આપણને કંજૂસ કહે તો આપણને નથી ગમતું. પરંતુ આપણે હકીકતે એવાં છીએ. આપણે સૌ વર્ષે બે’ક વાર આપણાં કહેવાતાં ખાનાં સાફ કરીએ છીએ. કલાક-બે કલાકના આ પ્રકલ્પ દરમિયાન એક કે વધુ ચાવીઓ આપણાં હાથે લાગે છે જેમાંની કઈ કૂંચી કયા તાળાની છે તેનું આજે પરિવારમાં કોઈને સ્મરણ નથી. સુકાઈને સજ્જડ થઇ ગયેલ રબર બેન્ડ અને કટાઈ ગયેલ સ્ટેપલ્સ જે હવે તદ્દન નકામા છે તે મોટા જથ્થામાં મળી આવે છે જેને માટે ક્યારેક આપણે ઉહાપોહ કર્યો હતો. અચાનક ઉઘડે નહિ એવી આઈ ડ્રોપ્સની પ્લાસ્ટીકની શીશી કે બામની યા ક્રીમની ચપ્પટ ડબ્બી આંખ મિચકારી આપણી મજાક કરે છે. એક કફ્લીંક મળે છે જે પડ્યું પડ્યું ઘસાઈ ગયું હોય છે જે પહેર્યે ઈજ્જત ઘસાઈ જાય એમ બને.
અતીતમાં જે માટે મરજીવા બન્યા હતા અને ખૂબ હોબાળો કર્યો હતો તે ઈયર બડ્સ અને ડેન્ટલ ફ્લોસ મળી જાય છે અને આપણે રાજીના રેડ થઇ જઈએ છીએ. તુર્ત જ આપણે એમને હાથ પકડી કર્ણ ગુહા અને દંતાવલિની ગલીકૂંચીઓની સેર પર લઇ જઈએ છીએ. ટપાલ ટીકીટો ભેગી કર્યે યુગો થયા પરંતુ એક દિવસ ટપાલ પર આવેલ ટીકીટ જોઈ મન ડોલી ઊઠે છે અને ખાનામાં નાંખી મૂકીએ છીએ જેનું હવે શું કરવું તેની અવઢવ અનુભવાય છે. ક્યારેક ભાંગેલ ભુજાઓવાળા અને લગભગ અંધ થઇ ગયેલ ચશ્માં મળી આવે છે જે કેમ રહેવા દીધા હતા તે અંગે પ્રશ્નોના શૂળ ભોંકાવા લાગે છે. એક કાળે મોંઘી જૂની પેન ડ્રાઈવ જે કોઈ રીતે ડ્રાઈવ નહિ કરી શકે તે અને કાર્ડ રીડર, ડિસ્કસ ઈ. મળી આવે છે જેને જોઇને હવે છળી જ મરવાનું રહે. નાનકડો રોલવાળો કેમેરા મળી આવે છે જે એક સમયે સ્ટેટસ સિમ્બોલ હતો તેને બિચારાને આજે કોઈ સૂંઘતું પણ નથી. આમ, મનુષ્ય નામે સંઘરાખોર છે. જો કે, એની પાછળ એનું કોઈ ને કોઈ મૂલ્ય રહેલું હોય છે.
વિરલ-વ્યાસ બારડોલી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.