એક માણસના ત્રણ મિત્ર હતા.એક મિત્ર એટલો ખાસ હતો, જેને તે રોજ મળતો હતો અને તે મિત્ર વિના તેને ગમતું જ નહીં.બીજો મિત્ર હતો જેને તે પ્રેમ કરતો હતો અને મહિનામાં એક કે બે વાર મળતો હતો.ત્રીજો મિત્ર એ હતો, જેને તે ભૂલ્યો ન હતો પણ મળવાનું ભાગ્યે જ થતું. ઘણા મહિનાઓ પછી તેઓ મળતા.આ ત્રણે મિત્ર માણસના જીવન સાથે જુદી જુદી રીતે જોડાયેલા હતા. એક દિવસ આ માણસને કોઈકે ખોટા કેસમાં ફસાવી દીધો.માણસ મુશ્કેલીમાં મુકાઈ ગયો.તેની પર મૂકવામાં આવેલા આરોપો સંગીન હતા અને વકીલે કહ્યું કે કેસમાંથી બચવા માટે કોઈ ગેરેંટી આપનાર જોઇશે, જે કોર્ટમાં હાજર રહીને કહે કે ‘હું આ માણસને વર્ષોથી ઓળખું છું અને તે આવું કોઈ કાર્ય કરી જ ન શકે. તમે તેને જામીન આપો. હું ગેરેંટી આપવા તૈયાર છું.’
પેલા માણસે વકીલને કહ્યું, ‘હા , હા, મારો ખાસ મિત્ર જામીન માટે ગેરેંટી આપવા આવશે.’માણસ મિત્ર પાસે ગયો; તેને બધી વાત કરી અને સાથે આવવા કહ્યું.મિત્ર બોલ્યો, ‘દોસ્ત, તારી ને મારી દોસ્તી ખરી, પણ આ કોર્ટ કચેરીના કિસ્સામાં હું તારી સાથે આવીને તારી કોઈ મદદ નહિ કરી શકું.’માણસ નિરાશ થયો અને બીજા મિત્ર પાસે ગયો અને બધી વાત કરી.બીજા મિત્રે કહ્યું, ‘દોસ્ત, હું તને તારી તકલીફમાં સાથ આપીશ અને તારો સાથ કોર્ટ સુધી આપીશ, પણ હું કોઈ ગેરેંટી નહિ લઇ શકું.’માણસ આ જવાબ સાંભળીને નિરાશ થઇ ગયો અને હવે તેને તેના ત્રીજા દોસ્તની યાદ આવી, જેને તે બહુ મળતો પણ ન હતો; માણસ તેની પાસે ગયો મિત્રે બધી વાત સાંભળી અને તરત જ ઊભા થતાં કહ્યું, ‘ચલ દોસ્ત, હું આવું છું તારી સાથે કોર્ટમાં ગેરેંટી આપવા, તું ચિંતા નહિ કર. હું તારી સાથે જ રહીશ અને તારા પરનો કેસ દૂર કરાવીને જ રહીશ.’
આ કેસ ચાલે છે ઈશ્વરની અદાલતમાં આપણા બધા પર ….પહેલો મિત્ર એટલે ધન દોલત અને જર જમીન જાયદાદ…ઈશ્વર પાસે જઈએ ત્યારે આ કોઈ સાથે આવતું નથી અને આપણે જિંદગી આખી આ બધાને જ સર્વસ્વ સમજીએ છીએ.બીજો મિત્ર એટલે સ્નેહી, સ્વજનો, પરિવારજનો જેમને આપણે પ્રેમ કરીએ છીએ તેઓ પણ પ્રેમ કરે છે, પણ ઈશ્વરની સમીપ જવાનું આવે ત્યારે માત્ર છેલ્લે ચિતા સુધી સાથ આપે છે.ત્રીજો મિત્ર છે શુભ કાર્યો, સેવા અને પ્રભુનામ. આ બધું છેલ્લે સુધી જયારે ઈશ્વરની અદાલતમાં જઈએ ત્યારે આપની સાથે રહીને આપણી ગેરેંટી આપે છે. ચાલો જીવનમાં આ ત્રીજા મિત્રને ભૂલતા નહિ. તે જ ગેરન્ટર બનશે, માટે શુભ ,સેવા કાર્યો કરતાં રહો અને હરિનામ લેતાં રહો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે