Charchapatra

નર્મદા નદીના કાંઠે રહેતાં પૂરગ્રસ્તોની મુલાકાત લેવામાં આપણું પાટનગર વામણું

૧૯૭૦માં નર્મદા નદીમાં ભયાવહ પૂર આવ્યું હતું.એ વખતે સરદાર સરોવર ડેમ ન હોવાથી બેસુમાર વરસાદથી નદીમાં પાણી એટલું હતું કે ભરૂચ ગોલ્ડન બ્રિજ ૪૧.૫૦ ફૂટે પહોંચી ગયું હતું.અમારાં વડવાઓ કહેતાં હતાં કે એ વખતે તબાહી પૂર આવતાં એ વખતના  મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈ હેલીકોપ્ટર વડે એરિયલ વ્યૂ હેઠળ નિરીક્ષણ કરવા આવ્યા હતા.ત્યાર બાદ સિનિયર મંત્રી,ચીફ સેક્રેટરી અને સિનિયર સનદી અધિકારીઓ આવીને તબાહીમાં ઝઝૂમતા ભરૂચ જિલ્લાની પરિસ્થિતિ થાળે પાડવાના પ્રયાસ કરાયા હતા.ત્યાર બાદ ૧૯૯૪ના વર્ષમાં ફરી નર્મદા નદીમાં પૂર આવતાં એ વખતે ગોલ્ડન બ્રીજની સપાટી લગભગ ૩૯ ફૂટે હતી ત્યારે પણ તત્કાલીન મુખ્યમંત્રી છબીલદાસ મહેતાએ એરિયલ વ્યૂથી જાત નિરીક્ષણ કર્યું હતું.

 નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ સંપૂર્ણ બની ગયો ત્યારે ટેકનોક્રેટ મતે એવું ભરૂચ કાંઠા વિસ્તારનાં લોકો માટે રાહત હતી કે નર્મદા ડેમ બનતાં હવે કોઈ ભયાવહ પૂર ન આવે.તેના ધ્યાન કેન્દ્રિત કરીને પૂરને અટકાવશે.જો કે હાલમાં દુર્ભાગ્ય એવી કફોડી સ્થિતિ તા.૧૭મી સપ્ટેમ્બર-૨૦૨૩ના રોજ પેદા થઈ કે આ નદીમાં જળ વધામણાં કરવા જતાં વહીવટી તંત્રના સંકલનના અભાવે ગોલ્ડન બ્રિજ પર સપાટી સને-૧૯૭૦ના આંકડા પાસે (હાલમાં ગોલ્ડન બ્રિજ ૪૦.૪૭ ફૂટે) પહોંચી જતાં કાંઠા વિસ્તારમાં અબજો રૂપિયાનું નુકસાન  થયું હતું.લોકોની ઘરવખરી સામાન, ખેતી, બાગાયત ખેતી અને પશુધન ખુવાર થઈ ગયાં.ભારે નુકસાની થવા છતાં પણ હજુ ગુજરાત સરકારના પેટનું પાણી હાલતું નથી.હાલના ગુજરાતના મુખ્યમંત્રી સહિત સિનિયર અધિકારીઓએ તસ્દી લીધી નથી.વધામણાં જળ છોડવા જે સિનિયર અધિકારીઓ કેવડિયા પહોંચતાં હોય, આજ પાણીથી ભરૂચનાં લોકો પાણીમાં વધેરાઈ ગયાં ત્યાં તો જોવા આવવાની ફુરસદ દેખાતી નથી.એટલું જ નહીં, પણ પૂરના મંજરમાં પ્રદેશ ભાજપ સંગઠનના માંધાતા ભરૂચમાં દુકાનના ઉદ્દઘાટન કરવા આવે ત્યારે હૈયાફાટ રુદન કરનારાં પૂરગ્રસ્તોને મળવા માટે તસ્દી દેખાતી નથી.
સોડગામ- કિરણસિંહ સુરતિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top