Charchapatra

આપણી બેંકોએ સામાન્ય વ્યકિતની દશા બેસાડી છે

આપણી બેંકો સધ્ધર છે ખરી? બેંકોમાં મૂકેલાં નાણાં સેફ છે ખરા? બેન્કો હવે વેપારીઓને લોન આપવા પણ આનાકાની કરે છે. સામાન્ય માણસ અને સીનિયર સીટીઝનની થાપણો પર વ્યાજના દર ખૂબ જ નીચા છે. ફકત ૫ થી ૬ ટકા જેટલા જ મર્યાદિત કર્યા છે જયારે મોંઘવારીનો આંક દિવસે દિવસે વધતો જાય છે. આપણી રાષ્ટ્રીયકૃત બેંકોની જ વાતો કરીએ તો એમણે મોટા મોટા કોર્પોરેટ ક્ષેત્રોને કરેલા ધિરાણમાં અબજો રૂપિયા ફસાયેલા છે અને છતાં પણ બેંકો વર્ષોથી વ્યાજ અને વ્યાજની ક્રેડીટ હિસાબોમાં લીધે જાય છે અને નફો દર્શાવતી રહે છે જયારે તેને માટે મુદ્દલ મેળવવું પણ મુશ્કેલ છે અને કેટલાક કિસ્સાઓમાં આવી રકમોની સીકયોરીટી પણ ખતમ થઇ ગઇ હોય છે.

છતાં પણ વર્ષના અંતે બેંકો એમના સરવૈયામાં નફો બતાવી બધું બરાબર છે એમ દર્શાવતી હોય છે અને સમય જતાં ધીરે ધીરે વ્યાજ માંડવાળ કરીને મુદ્દલ મળી રહે એવા પ્રયત્નો કરતી હોય છે એ જગજાહેર છે. એક સમાચાર મુજબ બેંકોની કામગીરીનું સાચું મૂલ્યાંકન થઇ શકે એ માટે આપણા નાણાં ખાતાએ બેંકો માટે સરવૈયા તૈયાર કરવાનું નવું ફોરમેટ તૈયાર કર્યું છે જે અત્યારે ઉચ્ચ કક્ષાએ વિચારણા હેઠળ છે અને એક સમયે તેને સ્વીકૃતિ આપવામાં આવશે ત્યાર પછી અમલી બનશે જેનાથી પરિસ્થિતિ સ્પષ્ટ થશે. રીઝર્વ બેંકે પણ હવે બેંકોની કામગીરી માટે નવાં ચોકકસ ધારાધોરણો અપનાવ્યાં છે અને આપેલી લોનો માટે ઉઘરાણી કરવા કડક પગલાં ભરવાની તાકીદ કરી છે તેમજ ધિરાણ મર્યાદિત કરવાની તાકીદ પણ કરી છે.

જેની અસર નાના વેપારીઓને પણ નડી છે.  એક તરફ બેંકો માટે આમ સીધાં ચઢાણ જેવી કપરી હાલત છે. તો બીજી તરફ ખાનગી બેંકો સામેની હરીફાઇ પણ વધી છે. ખાનગી બેંકો અને મોટાં ઉદ્યોગ ગૃહો વ્યાજના ઊંચા દરો આપીને સામાન્ય માણસોના નાણાં ડીપોઝીટો તરીકે લઇ જાય છે તેમજ મ્યુચ્યુઅલ ફંડોનો પણ રાફડો ફાટયો છે. આમ ધીરે ધીરે બેંકોની ઇજારાશાહી તૂટતી જાય છે. મોટી થાપણો મેળવવા બેંકો હવે જુદી જુદી રસમો અપનાવી રહી છે. એક બેન્કરના કહેવા મુજબ બેંકો અત્યારે કપરી પરિસ્થિતિમાં જીવી રહી છે.

આ બધી ગુંચવણભરી પરિસ્થિતિ બેંકો ઉપર સ્પષ્ટ અસર કરે છે અને બેંકો માટે કામ કરવું કઠીન બનતું જાય છે. આવનાર દિવસોમાં નીતિ ઘડનારાઓએ બેંકોને તરતી રાખવા ઘણી બાબતો વિચારવી પડશે અને દેશના સામાન્ય નાગરિકોને એમના પૈસાની સલામતી માટે એક બાંહેધરી આપવી પડશે. નોટબંધી પછી સરકારે ૨૦૦૦/- અને ૫૦૦/- રૂપિયાની ૬૮૪૯ કરોડ રૂપિયાની નવી નોટો છાપી હતી જેમાંથી આજે ૯.૨૧ લાખ કરોડની નોટો બેંકના સરકયુલેશનમાંથી ગાયબ છે એનો અર્થ એ થયો કે એ કાળા ધનમાં પરિવર્તિત થઇ છે જેની અસર પણ બેંકો પર પડી છે.
નવસારી  – નાદીરખાન- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top