વિજ્ઞાન સાથે આપણો પનારો રોજબરોજ પડતો રહે છે, પણ એ આપણામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી શકતો નથી એ હકીકત છે. વિજ્ઞાનના ઉપયોગ થકી આપણે પ્રસાર તો મુખ્યત્વે અંધશ્રદ્ધા, ગેરમાન્યતા, જૂઠાણાં અને ધિક્કારનો જ કરતા રહીએ છીએ. કમ સે કમ આ મામલે કોઈ અન્યને દોષ દઈ શકાય એમ નથી. આપણી સામુહિક માનસિકતાનું કદાચ આ પ્રતિબિંબ હશે. આથી જ જાન્યુઆરી, 2024માં એક મહત્ત્વની ઘટના બાબતે સાવ છૂટીછવાઈ નોંધ લેવાઈ.
‘ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિયેશન’(આઈ.એસ.સી.એ.)નું 109મું વાર્ષિક સત્ર પંજાબના લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ખાતે ત્રીજીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન ભરાવાનું હતું. આ સંસ્થા ખાનગી હોવા છતાં સરકારની નાણાંકીય સહાયથી દર વરસે આ સત્ર યોજાતું હતું, જેમાં ભારતીય વિજ્ઞાનની શ્રેષ્ઠ પ્રતિભાઓ હિસ્સેદાર બનતી હતી અને વિદ્યાર્થીઓ તેમજ જનસામાન્યમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની ભૂમિકા અદા કરતી હતી. વિજ્ઞાનીઓ, યુનિવર્સિટી, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે વૈજ્ઞાનિક ચર્ચા માટે જરૂરી મંચ આ સત્ર પૂરું પાડતું હતું. હવે આ વરસે સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે આ ઉપક્રમમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. આખો ઘટનાક્રમ સમજીએ.
અમુક લોકોના મતે સત્ર રદ થવાની ઘટના અભૂતપૂર્વ અવશ્ય છે, પણ આશ્ચર્યજનક જરાય નથી. કેમ કે, છેલ્લાં થોડાં વરસોમાં આ સંસ્થાની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર ઘટાડો થતો રહ્યો છે. દેશના મોટા ભાગના સન્માનનીય વિજ્ઞાનીઓ હવે આમાં ભાગ લેવાનું ટાળવા લાગ્યા છે. અગ્રણી સંશોધન સંસ્થાઓ તેમજ પ્રયોગશાળાઓની હાજરી હોય છે, પણ કેવળ નામ પૂરતી. વિજ્ઞાનના સાંપ્રત મુદ્દાઓ બાબતે જવલ્લે જ ચર્ચા થાય છે. છેલ્લાં થોડાં વરસોમાં કશી અર્થપૂર્ણ વિજ્ઞાનલક્ષી ચર્ચાને બદલે વિવાદ થકી તે વધુ ચર્ચામાં રહી છે. વિજ્ઞાનના ક્ષેત્રે સાવ તુચ્છ પ્રદાન ધરાવનારાઓ આ કાર્યક્રમના મંચ પર ચડી બેસે છે. સમગ્રપણે વિજ્ઞાનની બિરાદરી અને સરકાર બન્ને આ બદલાવથી નાખુશ હતા. ભારતીય વિજ્ઞાનની છાપ આનાથી બગડી રહી હોવાનું સૌને લાગતું હતું. આવાં કારણોસર સરકારે આ સંસ્થાના પાંચ કરોડના ફંડને અટકાવી દીધું છે.
બીજી તરફ એક મોટો વર્ગ માને છે કે આ વાર્ષિક સત્ર બંધ રાખવું અયોગ્ય છે. કેમ કે, આ સંસ્થાની ભૂમિકા અતિ મહત્ત્વની છે, ખાસ કરીને ગેરમાહિતી અને ગેરમાન્યતાઓનો પ્રસાર આટલી ઝડપે થઈ રહ્યો હોય એવા આ યુગમાં. કારણ એ કે આ મંચ થકી નાનાં નગરો અને શહેરોના વિજ્ઞાનની વિવિધ શાખા યા ક્ષેત્રોનાં લોકો એકમેકને મળી શકે છે અને વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે. સંશોધનના વ્યાપને વિસ્તારવામાં તેમજ યુનિવર્સિટી અને કૉલેજોમાં સંશોધનક્ષમતા વધારવામાં આ માધ્યમ ઉપયોગી નીવડી શકે છે. સરકાર દ્વારા નવાસવા રચાયેલા ‘નેશનલ રિસર્ચ ફાઉન્ડે શન’નો મુખ્ય હેતુ આ જ છે.
સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે સરકારની મંજૂરી વિના, એકપક્ષી નિર્ણયથી કાર્યક્રમનું સ્થળ લખનઉથી બદલીને જલંધર કરવાનો આક્ષેપ મૂક્યો છે. ‘વિજ્ઞાનની બિરાદરીમાં તેણે પોતાની પ્રસ્તુતતા ક્યારની ગુમાવી દીધી હોવાનો અને આ કાર્યક્રમના આયોજનમાં અનેક મોરચે વ્યાવસાયિક અભિગમનો અભાવ હોવાનો’આક્ષેપ પણ કર્યો છે. હજારો વિજ્ઞાનીઓ, સંશોધકો, યુનિવર્સિટી તેમજ વૈજ્ઞાનિક સંસ્થાઓના સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ આ સત્રમાં ઉપસ્થિત રહેતા હોય છે. અહીં નિયમિતપણે ઉપસ્થિત રહેતા, આ વાતાવરણથી પરિચિત અધિકારીઓ અને વિજ્ઞાનીઓ માને છે કે વાર્ષિક સત્રની સામગ્રીમાં સુધારણા થવી જોઈએ અને દેશના હાર્દ સમી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ માટે આ કાર્યક્રમની પ્રસ્તુતતા બાબતે સવાલ ઉઠાવવો યોગ્ય નથી.
આ કાર્યક્રમને આર્થિક અનુદાન ન આપવાના સરકારના નિર્ણય પાછળ ઘણા બીજા પણ એક કારણને જવાબદાર માને છે. ‘વિજ્ઞાનભારતી’નામની સંસ્થાના વાર્ષિક કાર્યક્રમ ‘ઈન્ડિયા ઈન્ટર નેશનલ સાયન્સ ફેસ્ટીવલ’(આઈ.આઈ.એસ.એફ.)ને સરકાર આગળ કરવા માગતી હોવાનું ઘણાનું માનવું છે. ‘વિજ્ઞાનભારતી’ની ઓળખ ‘સ્વદેશી જુસ્સા સાથેની વૈજ્ઞાનિક ચળવળ, જે પરંપરાગત અને આધુનિક વિજ્ઞાન તેમજ પ્રાકૃતિક અને આધ્યાત્મિક વિજ્ઞાનને સાંકળતી’હોવાની છે. 2015થી તે સરકારની સહાયથી ‘આઈ.આઈ.એસ.એફ.’નું આયોજન નિયમિત ધોરણે કરી રહી છે અને ‘આઈ.એસ.સી.એ.’માટે ફાળવવામાં આવતા પાંચ કરોડની સરખામણીએ આ સંસ્થા પાછળ સરકાર દ્વારા વીસથી પચીસ કરોડ ફાળવવામાં આવે છે.
‘આઈ.એસ.સી.એ.’ની રોનક ઓસરી રહી છે એ હકીકત છે, તો સામે પક્ષે ‘આઈ.આઈ.એસ.એફ.’પણ વિજ્ઞાનના સંમેલનને બદલે વિજ્ઞાનનો મેળાવડો હોવાનું મુમ્બઈના હોમી ભાભા સેન્ટકર ફોર સાયન્સ એજ્યુકેશનના ખગોળશાસ્ત્રી અનિકેત સુળેનું માનવું છે. પ્રો.સુળે બન્ને પ્રકારના કાર્યક્રમોમાં નિયમિતપણે ભાગ લેતા આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ‘આઈ.એસ.સી.એ.’નું મૃત્યુ ચિંતાજનક નથી, ખરી ચિંતા તેના મૃત્યુના કારણની છે. ‘વિજ્ઞાનભારતી’ દ્વારા આયોજિત ‘આઈ.આઈ.એસ.એફ.’ને આગળ કરવા માટે ‘આઈ.એસ.સી.એ.’નો બલિ ધરવામાં આવી રહ્યો છે.
‘આઈ.એસ.સી.એ.’ના અગાઉનાં વાર્ષિક સત્રો દરમિયાન તેની ગરિમા ઝંખવાય એવા કેટલાક બનાવો પણ બનતા રહ્યા હતા.2016માં માયસોર ખાતે ભરાયેલા તેના વાર્ષિક સત્રમાં એક સનદી અધિકારીએ એ વિષય પર વાર્તાલાપ આપ્યો હતો કે શંખ ફૂંકવાથી સ્વાસ્થ્ય સુધરે છે. એ પછી 2018માં ઈમ્ફાલ ખાતે યોજાયેલા સત્રમાં કેન્દ્રીય વિજ્ઞાનમંત્રી હર્ષવર્ધનનો દાવો હતો કે સ્વર્ગીય ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગે જણાવેલું કે આઈન્સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત કરતાં ચડિયાતો સિદ્ધાંત વેદ પાસે છે.
આપણી સંસ્કૃતિ સર્વોત્તમ હોવાનું, તેમાં પશ્ચિમી વિજ્ઞાનના તમામ આવિષ્કારો સમાયેલા હોવાનું મિથ્યાગૌરવ આપણા દેશનો મોટો વર્ગ લઈ રહ્યો છે, જેનો પૂરેપૂરો રાજકીય લાભ ઉઠાવવામાં આવે છે. ટેક્નોલોજી વિજ્ઞાન છે અને વિજ્ઞાનની સહાયથી અવૈજ્ઞાનિક અભિગમનો પ્રસાર જોરશોરથી, ગૌરવપૂર્વક તેમજ ઝડપભેર કરવામાં એક નાગરિક તરીકે આપણે સૌ પ્રવૃત્ત હોઈએ ત્યાં વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત એક સદી જૂની સંસ્થાને આયોજનબદ્ધ રીતે પૂરી કરવામાં આવે એનાથી આપણને શો
ફેર પડે!.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.