કેન્દ્ર સરકારે (Central Government) ફરી એકવાર ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. 18 OTT એપ્સ, 19 વેબસાઇટ્સ, 10 એપ્સ સહિત 57 સોશિયલ મીડિયા હેન્ડલ્સ (Social Media Handles) પર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયે આ પ્લેટફોર્મ્સને ઘણી વખત ચેતવણી આપી હતી. આ પ્લેટફોર્મ વારંવાર આઈટી એક્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. કેન્દ્ર સરકારે અશ્લીલ અને અભદ્ર સામગ્રી પ્રકાશિત કરતા 18 OTT પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે.
સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું કે આ OTT પ્લેટફોર્મ પર અશ્લીલ સામગ્રી બતાવવામાં આવી રહી છે. આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી હટાવી દેવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ 18 OTT પ્લેટફોર્મને ગંદી સામગ્રી દૂર કરવા માટે ઘણી ચેતવણીઓ આપી હતી.
આ 18 OTT એપ્સ પર પ્રતિબંધ
જે 18 OTT એપ્સને દૂર કરવામાં આવી છે તેમાં Dreams Films, Voovi, Yessma, Uncut Adda, TriFlicks, X Prime, Neon PrimePlayનો સમાવેશ થાય છે. આ 18 OTT એપ્સ સિવાય કેન્દ્ર સરકારે 19 વેબસાઈટ અને 10 એપ્સ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ 10 એપ્સમાંથી 7 એપ્સને ગૂગલ પ્લે સ્ટોરમાંથી અને 3 એપને એપલ એપ સ્ટોરમાંથી દૂર કરવામાં આવી છે. એટલું જ નહીં અશ્લીલ સામગ્રી ધરાવતા 57 સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે.
બ્લોક કરાયેલી OTT એપમાંથી એકને ગૂગલ પ્લે સ્ટોર પર 1 કરોડથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ સાથે જ બે એપને 50 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી છે. આ સાથે આ એપ્સ તેમની સામગ્રીને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરે છે. આ OTT પ્લેટફોર્મ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર 32 લાખથી વધુ વપરાશકર્તાઓ છે.