ટેલિકોમ નિયંત્રક ટ્રાઇએ કોમર્શિયલ ટેક્સ્ટ મેસેજીસ માટેના નવા લાગુ પાડવામાં આવેલા ધારાધોરણોનો અમલ એક સપ્તાહ માટે મોકૂફ રાખ્યો છે. બેન્કિંગ, પેમેન્ટ તથા અન્ય વ્યવહારો માટેના એસએમએસ અને ઓટીપીની ડિલિવરીઓ ખોરવાવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે.
ટેક્સ્ટ મેસેજો માટેના કન્ટેન્ટ ટેમ્પ્લેટના સંદર્ભમાંના ધારાધોરણો સોમવારે અમલમાં આવ્યા હતા. આ નિયમોનો અમલ મોકૂફ રાખવાથી મુખ્ય સંસ્થાઓ એસએમએસના ટેમ્પ્લેટની નોંધણી કરાવી શકશે જેથી ગ્રાહકોને કોઇ અગવડ વેઠવી ન પડે એમ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા(ટ્રાઇ)એ એક નિવેદનમાં જણાવ્યું હતું. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા માટે ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરો દ્વારા એસએમએસનું સ્ક્રબિંગ સાત દિસવ માટે હંગામી રીતે મુલતવી રાખવામાં આવ્યું છે એમ તેણે જણાવ્યું હતું.
બ્લોકચેઇન ટેકનોલોજી પર આધારિત નવા નિયમો વણજોઇતા અને છેતરપિંડીકારક સંદેશાઓ રોકવાનો હેતુ ધરાવે છે. આ નિયમો હેઠળ વ્યાપારી ટેક્સ્ટ મેસેજીસ મોકલવા માટેની અધિકૃતતા ધરાવતી હોય તેમણે પોતાના મેસેજના હેડર અને ટેમ્પ્લેટ્સ ટેલિકોમ ઓપરેટર કંપનીઓ સમક્ષ નોંધાવવાના રહે છે.
જ્યારે એસએમએસ અને ઓટીપી યુઝર કંપનીઓ(બેન્કો, પેમેન્ટ કંપનીઓ) વગેરે દ્વારા મોકલવામાં આવે છે તો તે સંદેશાઓ બ્લોકચેઇન પ્લેટફોર્મ પર નોંધાયેલા ટેમ્પ્લેટો સાથે ચેક કરવામાં આવે છે જે પ્રક્રિયાને એસએમએસ સ્ક્રબિંગ કહેવામાં આવે છે. જો કે ગઇકાલે આ અમલમાં મૂકી દેવામાં આવ્યા બાદ એસએમએસ અને ઓટીપી સેવાઓ ખોરવાઇ હતી. એક અંદાજ પ્રમાણે આવા ૪૦ ટકા એસએમએસ નિષ્ફળ ગયા હતા કે વિલંબમાં પડ્યા હતા. આ માટે બેન્કો જેવી યુઝર કંપનીઓ અને ટેલિકોમ કંપનીઓએ સામસામા આક્ષેપો કર્યા હતા.