પહેલાંના જમાનામાં રાજાઓ રાજ ચલાવતા હતા. તેઓ પોતાની સાથે ધર્મગુરુ પણ ચાણકય જેવા રાખતા. જ્યારે રાજ્ય પર કોઇ મુસીબત આવી પડે ત્યારે તે ગુરુની સલાહ, સૂચના લેતા અને તેઓ જેમ કહે તેમ કરતા. હાલમાં યોગીજી ઉત્તરપ્રદેશના બીજી વખત મુખ્યમંત્રી બન્યા. તેઓ એક સંત છે. તેઓના કોઇ વંશવારસ નથી. તેઓ નિ:સ્વાર્થ ભાવે પ્રજાની સેવા કરે છે. યુપીમાં પહેલાં કરતાં વધુ શાંતિ અને સલામતી જણાય છે. તેઓ આદર્શવાદી અને શિસ્તના આગ્રહી અને સ્વભાવે કડક લાગે છે. મારો કહેવાનો હેતુ એ છે કે બીજાએ રાજકારણમાં ઝંપલાવવું જોઇએ જેથી રાજ્યનો વહીવટ સ્વચ્છ અને નિષ્પક્ષપણે ચાલી શકે.
નવસારી – મહેશ નાયક-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
ડીજે પર પ્રતિબંધ મૂકો
સૌનો એ અનુભવ છે કે લગ્ન પ્રસંગો, ધાર્મિક યાત્રાઓ, નવરાત્રી કે ગણેશ મહોત્સવ વખતે જોરશોરથી ઘાંટા, ઘોંઘાટ અને પડઘા પાડતું ડીજે સાધન વગાડવામાં આવે છે. આ સાધનનો અવાજ ઘણો કર્કશ અને અકર્ણપ્રિય છે. નાનાં બાળકો સગર્ભા બહેનો કે પરીક્ષાર્થીઓના હૃદય ધબકારા વધી જાય છે. પક્ષીઓને ખલેલ પહોંચે છે. આ અવાજથી નજીકના વિસ્તારનાં મકાનોનાં બારીબારણાં ધ્રૂજી ઊઠે છે. આ સાધન તેની નિયત ડેસીમલ માત્રા કરતાં વધુ માત્રામાં વગાડવામાં આવે છે. તેના ત્રાસદાયક અવાજથી ભયંકર ઘોંઘાટ પ્રદૂષણ પેદા થાય છે.
આ પ્રદૂષણ અટકાવવા તેના પર નિયંત્રણ નહીં, સંપૂર્ણ પ્રતિબંધ જરૂરી છે. અમારા ખ્યાલથી આ પ્રદૂષણ નાથવા માટે સરકાર પાસે પૂરતી સત્તા છે. જાહેર જનતામાં વિશાળ હિતમાં સરકારે આ સત્તાનો ઉપયોગ કરી જનતાને આ ઘોંઘાટ પ્રદૂષણથી રક્ષણ આપવું જોઇએ. સરકાર પોતાની સિદ્ધિનાં ગાણાં લાખો રૂ.ની જાહેરાતો પ્રગટ કરીને ગાય છે. તેના બદલે પર્યાવરણ રક્ષણ કાજે સરકારે માત્ર એક જાહેરનામું પ્રગટ કરવાની જરૂર છે.
પાલનપુર, બનાસકાંઠા- અશ્વિનકુમાર ન. કારીઆ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.