રાજપીપળા: હંમેશાં પોતાના વિસ્તારના લોકોને થતા અન્યાય માટે આક્રમક રીતે રજૂઆત કરતાં ભાજપ (BJP) સાંસદ મનસુખ વસાવાએ સંસદના શિયાળુ સત્ર દરમિયાન દેશનાં અનાથ બાળકો (Orphaned children) મુદ્દે રજૂઆત કરી હતી. એમણે સંસદમાં દેશભરમાં અનાથ બાળકોને વધતી સંખ્યા બાબતે દુઃખ વ્યક્ત કર્યું હતું. સાથે સાથે એમણે સરકારને રજૂઆત કરી હતી કે દેશમાં અનાથ બાળકોનાં કલ્યાણ માટે પગલાં લેવા અત્યંત જરૂરી છે.
અનાથ બાળકો બાબતે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સંસદમાં જણાવ્યું હતું કે, દેશમાં અનાથ બાળકોને નાગરિક અધિકારો પ્રદાન કરવાની જરૂરિયાત તરફ હું સરકારનું ધ્યાન દોરવા માંગુ છું. સરકાર જાણે છે તેમ, ‘અનાથ’ શબ્દની વિવિધ વ્યાખ્યાઓ છે, સામાજિક રીતે અનાથ એવાં બાળકો છે કે જેઓ અત્યંત ગરીબી, શારીરિક શોષણ અને ત્યજી દેવાના કારણે સંભાળ રાખી શકતા નથી. યુનિસેફના અગાઉના સરવે મુજબ વિશ્વમાં લગભગ 20 મિલિયન અનાથ બાળકો છે અને એમાંથી 4 ટકાથી વધુ વસતી ભારતમાં છે. ઘણાં બાળકોનાં માતા-પિતા નથી અને અસંખ્ય બાળકોને તેમના પરિવારોએ ત્યજી દીધાં છે અને શેરીઓમાં રખડ્યાં છે. અનાથ બાળકોનો કોઈ સામાજિક દરજ્જો નથી અને દેશમાં તેમના માટે કોઈ રક્ષણાત્મક તંત્ર અસ્તિત્વમાં નથી. તેઓ સમાજમાં અત્યંત જોખમી વાતાવરણમાં રહે છે. આ સંદર્ભે, હું સરકારને વિનંતી કરું છું કે અનાથ બાળકોને નાગરિક અધિકારો તેમજ સલામત વાતાવરણ આપવા માટે, રાજ્ય સરકારો સાથે વિલંબ કર્યા વિના તેમને મુખ્ય પ્રવાહમાં જવા માટેના તમામ સરકારી પ્રયાસો કરવા જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશભરની મેગા સિટીમાં ટ્રાફિક સિગ્નલ પર આપણે જાહેરમાં ભીખ માંગતાં ઘણાં બાળકોને જોઈએ છીએ. બાળકો કેમ ભીખ માંગી રહ્યાં છે, તેઓ એમના પરિવાર સાથે રહે છે કે નહીં, એમની સારસંભાળ કોણ રાખતું હશે, સહિતના અનેક પ્રશ્નો સમાજ સેવાની વાતો કરતા કહેવાતા સમાજસેવકો અને રાજકીય નેતાઓને ઉપસ્થિત નહીં થતા હોય. કદાચ ભાજપ સાંસદ મનસુખ વસાવા પહેલાં એવા રાજકારણી હશે જેમણે અનાથ બાળકોની ચિંતા કરી સંસદમાં પ્રશ્ન ઉઠાવ્યો હશે.