સુરત: તાપી નદીના અડાજણ કિનારે આવેલા રિવર ફ્રન્ટમાં આજે તા. 11 જાન્યુઆરીના રોજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ થયો છે. 8 વાગ્યે શરૂ થયેલા આ પતંગોત્સવમાં 19 દેશોના પતંગબાજોએ ભાગ લીધો છે. રંગબેરંગી મોટા નવી આકારવાળા પતંગોથી આકાશ ભરાઈ ગયું હતું. પંતગના શોખીન સુરતીઓ મોટી સંખ્યામાં સવારથી જ કાઈટ ફેસ્ટિવલ માણવા પહોંચી ગયા હતા. આ પતંગોત્સવમાં સૌથી વધુ આકર્ષણ એક દંપતીનું રહ્યું હતું. 11 વર્ષથી દેશ વિદેશના કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લેતું આ દંપતી પતંગ પ્રેમના લીધે જ જીવનસાથી બન્યું છે.
- ભારતની વિનીતા અને બેલ્જીયમના યોહાન વેન: પતંગ અને દોરીની જેમ આ યુગલ સજોડે 11 વર્ષોથી વિવિધ દેશોના પતંગોત્સવમાં ભાગ લે છે
આ યુગલના પ્રેમસંબંધની શરૂઆત જ ગુજરાતના કાઈટ ફેસ્ટિવલમાં થઈ હતી. ભારતીય વિનીતાબેન અને બેલ્જીયમના યોહાન વેનની પ્રથમ મુલાકાત અમદાવાદમાં વર્ષ 2010માં આયોજિત પતંગોત્સવમાં થઈ અને 7 વર્ષ પહેલા તેઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. મૂળ અમદાવાદના 52 વર્ષીય વિનીતાબેન 12 વર્ષથી કાઈટ વર્કશોપ કરી રહ્યા છે. જેની શરૂઆત પતંગોત્સવથી કરી હતી. તેઓ પતંગની થીમ પર બાળકોના પેઈન્ટિંગ વર્કશોપ કરે છે. કાઈટ પેઈન્ટીંગને વધુ લોકો સુધી પહોંચાડવાના તેમના નાનકડા સપનાને મોટી ઉડાન ત્યારે મળી જ્યારે 2020માં નર્મદા જિલ્લાના કેવડીયા(એકતાનગર) ખાતે તેમને આ વર્કશોપ કરવાની તક મળી. આ સિવાય તેઓ વિવિધ દેશોમાં જઈ ઓરિગામી અને કેલિગ્રાફીનાં વર્કશોપ પણ કરાવે છે.
40 વર્ષોથી પતંગોત્સવ સાથે સંકળાયેલા બેલ્જીયમના 56 વર્ષીય યોહાન વેન 2010થી દર વર્ષે ગુજરાતમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે. ભારત સિવાય અન્ય 8થી વધુ દેશોમાં પતંગબાજીનો કરતબ દેખાડી ચૂકેલા યોહાનને અહીંથી જીવનસાથી મળી હોવાથી ગુજરાત તેમના માટે ખાસ છે. વ્યવસાયથી એન્જિનિયર યોહાનનો પતંગ પ્રેમ તેમના 5 મીટરના વિશાળ, જાતે ડિઝાઈન કરી બનાવેલા પતંગને જોતા છતો થાય છે. બેલ્જીયમના રાષ્ટ્રધ્વજના ત્રણેય કલરનો ઉપયોગ કરી બનાવેલા પતંગને તૈયાર કરતા તેમને આશરે એક મહિનાથી વધુનો સમય લાગ્યો હતો.
19 દેશના પતંગબાજોના જાયન્ટ પતંગોનું આકર્ષણ
સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation), જિલ્લા કલેક્ટર તેમજ પ્રવાસન નિગમ (Gujarat Tourism Department) દ્વારા સંયુક્તપણે અડાજણમાં તાપી (Tapi) નદીના કિનારે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં (International Kite Festival) વિદેશી પતંગબાજોએ આકર્ષણ જમાવ્યું હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અને ભારતમાં યોજાનાર જી-20 સમિટની થીમના ભાગરૂપે અડાજણ રિવર ફ્રન્ટ પાસે યોજાયેલા કાઈટ ફેસ્ટિવલમાં 19 દેશોના પતંગબાજો અને દેશના 6 રાજ્યોના 20 જેટલા પતંગબાજો તથા સ્થાનિક 40 પતંગબાજોના પતંગો સુરતના આકાશને આંબશે રંગબેરંગી પતંગની હારમાળા ઉભી કરી દીધી હતી. વિદેશી પતંગબાજો જાયન્ટ પતંગો લઈ આવ્યા હતા, જેને જોઈ શહેરીજનો અચરજમાં મુકાયા હતા. આ પતંગોત્સવમાં આર્જેન્ટિના, કોલંબિયા, ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, બેલારૂસ અને ફ્રાન્સ સહિતના દેશમાંથી પતંગબાજો આવ્યા હતા. સુરતીઓ સાથે આ વિદેશીઓએ પતંગ ઉડાડવાની મજા માણી હતી.
અવનવી ડિઝાઈનના પતંગો ચગતા જોવાનો અનેરો આનંદ માણ્યો : મેયર હેમાલી બોઘાવાલા
કોરોનાના લીધે બે વર્ષ બાદ સુરતમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આયોજિત આ પતંગોત્સવ અંગે મેયર હેમાલી બોઘાવાલાએ કહ્યું કે, દેશવિદેશમાંથી પતંગ રસિયાઓ અહીં આવ્યા છે. પ્રવાસન વિભાગ અને જિલ્લા કલેક્ટરાલય સાથે સંયુક્ત ઉપક્રમે સુરત મનપા દ્વારા આ કાઈટ ફેસ્ટિવલનું સફળતાપૂર્વક આયોજન કરાયું છે. વિદેશીઓ જે ઉત્સાહ સાથે અહીં મોટા અને અવનવી ડિઝાઈન ધરાવતા આકર્ષક પતંગ ચગાવે છે તે જોવાનો અનુભવ અનેરો છે. શહેરના મેયર હેમાલીબેન બોધાવાલાના પ્રમુખ સ્થાને યોજાયેલા કાઇટ ફેસ્ટિવલમાં મુખ્ય મહેમાન પદે ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, માજી મેયર નથા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઇ પટેલ, સુરત શહેર અને જિલ્લાના તમામ ધારાસભ્યો સહિત સુરત શહેરની પતંગપ્રિય યુવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.