Madhya Gujarat

આણંદમાં થર્ટીફર્સ્ટની ઉજવણી નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવવા આદેશ

આણંદ : આણંદ શહેર સહિત જિલ્લામાં શનિવારે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવશે. જોકે, શિક્ષણ હબ ગણાતા આણંદ, વિદ્યાનગર અને સંવેદનશીલ અન્ય નગરોમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. જેમાં ખાનગી પોલીસ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા રિઝર્વ પોલીસને ગેસસેલ, ગેસમેન, લાઠી, હેલ્મેટ સાથે એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે. આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત તથા ઉમરેઠ, સોજત્રા અને અન્ય નાના ગામોમાં 31મી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન ચર્ચ, દેવળ, પ્રાર્થના ઘરોમાં મોટી સંખ્યામાં એકત્ર થાય છે. આથી, સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉપલબ્ધ બળોને તૈનાત કરી, પુરતો બંદોબસ્ત ગોઠવવા એકશન પ્લાન બનાવ્યો છે.

થર્ટીફર્સ્ટના બહાને કેટલાક યુવાનો રાત્રિના શરાબ, ડાન્સ પાર્ટીના આયોજન કરતાં હોય છે. બાદમાં છાટકા બની યુવતીઓની છેડતી કરવી, ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવવી અકસ્માત સર્જી દેતાં હોય છે. રાત્રિના મોડે સુધી હોટલ, ફાર્મ હાઉસ, કલબ, ખાનગી પાર્ટી પ્લોટો વિગેરે જાહેર સ્થળે ડાન્સ તથા ડિનર પાર્ટીના કાર્યક્રમોનું આયોજન કરવામાં છે, જેમાં યુવક – યુવતિ નશો કરતા હોવાથી નાની નાની બાબતો ઝઘડો થતો હોય છે. આ ઉપરાંત ટ્રાફિક સમસ્યા પણ ઉભી થતી હોય છે. આથી, અગમચેતીના ભાગરૂપે હોટલ, ગેસ્ટ હાઉસ તથા હાઈવે પરની હોટલ ધાબાઓનું ચેકીંગ, શહેર – જિલ્લાને મળતાં રસ્તાઓ પર હાઈવે પર વાહનોનું ચેકીંગ કરવા સુચનાઓ આપવામાં આવી છે.

ખાનગી ડ્રેસમાં વોચ રાખવા સુચના
આણંદમાં અસામાજીક તત્વો દેશી – વિદેશી દારૂની હેરાફેરી, વેચાણ મોટા પ્રમાણમાં કરતા હોય છે. આવી પ્રવૃત્તિ કરતા અસામાજીક તત્વો પર નજર રાખવા અને જરૂર પડે અટકાયતી પગલાં ભરવા પણ સુચના આપવામાં આવી છે. જેમાં એલસીબી, એસઓજી, પેરોલ ફર્લોના પોલીસની અલગ અલગ ટીમ બનાવી સિવિલ ડ્રેસમાં નજર રાખવા સુચના આપવામાં આવી છે.

રોડ રોમિયોને સીધા કરવા સી ટીમ સતત દોડતી રહેશે
આણંદ જિલ્લામાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દરમિયાન છાટકા બનેલા શખસો યુવતીઓની છેડતી કરતાં હોય છે. આણંદ – વિદ્યાનગરમાં શાળા કોલેજો વધુ હોવાથી વિદ્યાર્થિનીઓની સુરક્ષા માટે એકશન પ્લાનમાં વિવિધ મુદ્દા સમાવવામાં આવ્યાં છે. જેમાં વિદ્યાર્થિનીઓની રોડ રોમીયો હેરાન પરેશાન ન કરે તે માટે પોલીસ દ્વારા એક સી ટીમની રચના કરવામાં આવી છે. જે મહિલા પોલીસ ખાનગી કપડામાં તમામ શાળા – કોલેજો, ફાર્મહાઉસ, રિસોર્ટ, સિનેમાગૃહ તેમજ ભીડભાડ વાળા વિસ્તાર તેમજ મોલ, જેવા વિસ્તારોમાં છેડતી જેવા બનાવો બનતા અટકાવા તૈનાત રહેશે.

આંકલાવના ફાર્મ હાઉસ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે
આંકલાવ વિસ્તારમાં મહિસાગર નદીની આસપાસ આવેલા ફાર્મ હાઉસ, હોટલ, ખાનગી પાર્ટી પ્લોટમાં પાર્ટીઓ થતી હોય છે. આથી, મહિસાગર નદીના બ્રીજ પર વડોદરા શહેરમાંથી ઘણા બધા માણસો થર્ટીફર્સ્ટની ઉજવણી કરવા આંકલાવ આવતા હોય છે. આથી, આંકલાવ પોલીસે વડોદરાથી ઉમેટા બ્રીજથી ઉમેટા પોલીસ ચોકી આગળ સીસીટીવી કેમેરા ગોઠવેલા છે. તે સ્થળે સતત ચેકીંગ કરવામાં આવશે.

Most Popular

To Top