નડિયાદ: નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર ટી.પી. સ્કીમ નંબર ૨ અને ફાઇનલ પ્લોટ સર્વે નંબર 3૪૨ માં છેલ્લા લાંબા સમયથી બાંધકામ ચાલી રહ્યું છે. જોકે, આ બાંધકામ ગેરકાયદેસર હોવા બાબતે સ્થાનિકો, શહેરના અગ્રણીઓ, કાઉન્સિર તેમજ વિવિધ સંગઠન દ્વારા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ તેમજ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકાનું ભ્રષ્ટ તંત્ર આ ગેરકાયદેસર બાંધકામ અટકાવવા કે તોડવા માટે રસ દાખવતું ન હોવાથી આ મામલે નડિયાદના અરજદાર દ્વારા તારીખ 10-8-21 ના રોજ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
આ રજૂઆત ધ્યાને આવ્યા બાદ મામલાને ગંભીરતાથી લઇને કલેક્ટર દ્વારા તા.૧૨ મી ઓગસ્ટના રોજ નડિયાદ નગર પાલિકાને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, કલેક્ટરના આદેશ બાદ પણ પાલિકા તંત્રએ માત્ર બિલ્ડરને નોટીસ પાઠવી સંતોષ માન્યો હતો. ગેરકાયદેસર બાંધકામ દુર કરવામાં પાલિકાતંત્ર આંખ આડા કાન કરતું હોવાને પગલે અરજદાર ચિરાગ બ્રહ્મભટ્ટે તા.4-3-22 ના રોજ આ મામલે પ્રાદેશિક કમિશ્નરમાં લેખિત રજુઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને લઈ પ્રાદેશિક કમિશ્નરે ટી.પી સ્કીમ નં 2, ફાઈનલ પ્લોટ સર્વે નં 342 માં ચાલી રહેલાં બાંધકામની તપાસ કરાવી, સરકારી નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરવા નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને સુચના આપી છે.
બિલ્ડર પાસેથી લાખો રૂપિયા લીધાની ચર્ચા
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં શારદા મંદિર ચોકડીથી રીંગ રોડ તરફ જવાના માર્ગ ઉપર ટી.પી. સ્કીમ નંબર 2 અને ફાઇનલ પ્લોટ સર્વે નંબર 342માં ગેરકાયદેસર બાંધકામ કરી કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવતું હોવા મુદ્દે પાલિકામાં અનેક રજુઆતો કરવામાં આવી છે. તદુપરાંત કલેક્ટર તેમજ પ્રાદેશિક કમિશ્નરને પણ આ મામલે રજુઆતો છતાં પાલિકાતંત્ર દ્વારા આ ગેરકાયદેસર દબાણ દુર કરવામાં રસ દાખવતું નથી. નડિયાદ નગરપાલિકાના ભ્રષ્ટ સત્તાધીશોએ આ ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી ન કરવા માટે બિલ્ડર પાસેથી લાખો રૂપિયા લીધાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
પાલિકા દ્વારા નક્કર પગલાં ભરાયા નથી
અરજદાર ચિરાગ બ્રહ્મભટ્ટ દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલે સૌથી પહેલી અરજી તા. ૧૦ મી જૂન ૨૦૨૧ રોજ મુખ્ય અધિકારી, નડિયાદ નગરપાલિકાને કરવામાં આવી હતી. જોકે, આ અરજીને ધ્યાને લેવામાં ન આવતાં ૭ મી જુલાઇના રોજ પહેલું અને બાદમાં ૬ ઓગસ્ટના રોજ બીજું રિમાઇન્ડર આપવામાં આવ્યું હતું. ૧૦ મી ઓગસ્ટના રોજ નડિયાદ નગરપાલિકાના પ્લાનિંગ ચેરમેનને સંબોધીને ત્રીજું રિમાન્ડર આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત આજ દિવસે કલેક્ટરને પણ લેખિતમાં જાણ કરવામાં આવી હતી. ૧૨ મી ઓગસ્ટના રોજ કલેક્ટર દ્વારા પાલિકાને કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો હતો. જોકે, પાલિકા દ્વારા કોઇ પગલાં ભરવામાં ન આવતાં ચોથું રિમાઇન્ડર ૨૬ ઓગસ્ટના રોજ નડિયાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આપવામાં આવ્યું હતું. ૨૪ મી સપ્ટેંબરના રોજ પાંચમુ રિમાઇન્ડર અને ત્યારબાદ છઠ્ઠું રિમાઇન્ડર પણ આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત 3૦ મી સપ્ટેંબરના રોજ જિલ્લા કલેક્ટરને પુન: રજુઆત કરવામાં આવી હતી.