રાજ્યમાં સ્કૂલોમાં કોરોના કેસોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ખાસ કરીને શાળાએ જતાં બાળકો કોરોનાથી સંક્રમિત થતાં હોવાના કિસ્સાઓ વધી રહ્યા છે. જેના પગલે રાજ્ય શિક્ષણ વિભાગ સતર્ક થયું છે, અને તમામ શિક્ષકોને રસીના બંને ડોઝ લઈ લેવા માટે આદેશ કરાયા છે.
અમદાવાદ, રાજકોટ, સુરત સહિત મોટા શહેરોમાં શાળાઓમાં બાળકોમાં કોરોનાના લક્ષણો જોવા મળી રહ્યા છે. રાજકોટ અને સુરતમાં કેટલીક શાળાઓમાં બાળકોમાં કોરોનાના લક્ષણો જણાતા વર્ગો બંધ કરવા સહિતના પગલાઓ લેવામાં આવ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગ પણ આ અંગે સતર્ક બન્યું છે.
બાળકોમાં વધુ સંક્રમણ ન ફેલાય તે માટે તમામ શાળાઓને કોરોનાની ગાઇડ લાઇનનું અવશ્ય પાલન કરવા માટે તાકીદ કરવામાં આવી છે. સાથે જ શાળાઓમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ, શિક્ષકોએ રસીના બંને ડોઝ લઈ લેવા માટે સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાઓએ ઓફલાઈન શિક્ષણની સાથે ઓનલાઇન શિક્ષણ પણ આપવાનું હોય છે, જે કોઈ શાળાઓએ ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું હશે તે શાળા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે, તેવું પણ શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
વડોદરા અને રાજકોટની શાળામાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ
વડોદરામાં હરણી રોડ ઉપર આવેલી એક શાળામાં ધોરણ છમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વિદ્યાર્થીની હિસ્ટ્રી તપાસતા આ વિદ્યાર્થી દક્ષિણ આફ્રિકાથી આવેલા દંપતીના સંપર્કમાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. રાજકોટમાં પણ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.