મે મહિનાની ૨૮ તારીખે, એટલે કે આ રવિવારે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારતની લોકશાહીનું પ્રતીક એવા નવા સંસદભવનનું ઉદ્ઘાટન થશે. નાના અને મોટા મળીને ૧૯ વિપક્ષોએ સાથે મળીને આ કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે. આ ૧૯ વિપક્ષોમાં કોંગ્રેસ, ડીએમકે, આપ, શિવસેના (યુબીટી), સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ, જનતા દળ (સંયુક્ત), આરજેડી જેવા પક્ષો મુખ્ય છે. મે મહિનાની ૨૪ તારીખે આ ૧૯ પક્ષો દ્વારા એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે,‘રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુને બાજુ ઉપર મૂકી નવા સંસદનું ઉદ્ઘાટન જાતે કરવાનો વડા પ્રધાન મોદીનો નિર્ણય ભારતની લોકશાહીનું અપમાન જ નહીં પરંતુ તેના ઉપર આક્રમણ સમાન છે. જ્યારે સંસદનો પ્રાણ જ નાશ પામ્યો હોય ત્યારે અમને તેના મકાનમાં કોઈ રસ રહ્યો નથી. અમે નવા સંસદભવનના ઉદ્ઘાટન સમારંભનો સંયુક્ત રીતે બહિષ્કાર કરીએ છીએ.’
જો કે, કાનૂની, બંધારણીય અને ઐતિહાસિક પરિપ્રેક્ષ્યોનું વિશ્લેષણ દર્શાવે છે કે આ આરોપો ખોટા હોઈ શકે છે. મોદી સરકાર માટે નૈતિક વ્યવહારની રીતે રાષ્ટ્રપતિને ઉદ્ઘાટન સમારોહમાં આમંત્રિત કરવું સલાહભર્યું હોય તો પણ તે કાનૂની જરૂરિયાત નથી. ભારતીય બંધારણમાં રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનની ભૂમિકાઓ અને જવાબદારીઓ સ્પષ્ટપણે દર્શાવવામાં આવી છે. રાષ્ટ્રપતિની ભૂમિકા મુખ્યત્વે સાંકેતિક અને ઔપચારિક હોય છે પરંતુ બંધારણીય યોગ્યતા અને અખંડિતતા સુનિશ્ચિત કરવા માટે મહત્ત્વપૂર્ણ હોય છે. રાષ્ટ્રપતિ ખરડાઓને મંજૂરી આપે છે. તેઓ સત્તાવાર બાબતોમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે છે અને સંરક્ષણ દળોના સર્વોચ્ચ સેનાપતિ તરીકે સેવા આપે છે. બીજી બાજુ, વડા પ્રધાન કાર્યકારી સત્તા ધરાવે છે. તેઓ નીતિઘડતર અને વહીવટમાં ભાગ લે છે. વડા પ્રધાન મંત્રીમંડળની બેઠકોની અધ્યક્ષતા કરે છે. તે ઉપરાંત રાષ્ટ્રને આકાર આપવામાં અને દેશનું દિશાસૂચન કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બંને વ્યક્તિઓની ભૂમિકા અલગ છે.
જ્યારે સંસદ જેવી મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય રચનાઓ કે ઇમારતોના ઉદ્ઘાટનની વાત આવે છે, ત્યારે બંધારણમાં તેના વિષે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સંદર્ભમાં,‘રાષ્ટ્રપતિની હાજરી વિના વડા પ્રધાન દ્વારા સંસદના નવા ભવનનું ઉદ્ઘાટન કરવું તે બંધારણીય ઉલ્લંઘન સમાન છે’જેવા વિપક્ષો દ્વારા કરવામાં આવેલા દાવા માટે કોઈ કાનૂની આધાર બનતો નથી. આ પ્રકારના કાર્યક્રમોમાં રાષ્ટ્રપતિની હાજરી હોવી તે ફક્ત એક પરંપરા કે સૌજન્ય છે. બંધારણમાં આ પ્રકારના કાર્યક્રમો માટે કોઈ વિશેષ સૂચનાઓનો અભાવ જોતાં રાષ્ટ્રપતિની હાજરી તેમના પ્રત્યે આદર માત્ર છે, ન કે કોઈ કાનૂની બંધન. ઐતિહાસિક દાખલાઓ લોકશાહી પરંપરાઓ અને પ્રક્રિયાઓમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
તેઓ એવા સંજોગોમાં માર્ગદર્શન આપે છે, જ્યાં લેખિત કાયદાઓ અથવા ધોરણો અસ્પષ્ટ હોય અથવા અસ્તિત્વમાં ન હોય. ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નેહરુએ આવા અનેક દાખલા બેસાડ્યા હતા. દાખલા તરીકે, તેમણે આઝાદીના સમયે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું, જે દેશના ઈતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ ભાગ બન્યું. તે સમયે વચગાળાના રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદે કાર્યવાહીની અધ્યક્ષતા કરી હતી, જ્યારે નેહરુએ નવા દેશના ઉદ્ઘાટનની જવાબદારી લીધી હતી. વધુમાં, નેહરુએ તેમના કાર્યકાળ દરમિયાન દરેક સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધન કરવાનું ચાલુ રાખ્યું હતું, જે પરંપરા તમામ અનુગામી વડા પ્રધાનોએ જાળવી રાખી હતી. રાષ્ટ્રપતિના મહત્ત્વને ઘટાડ્યા વિના, વડા પ્રધાન તરીકેની ભૂમિકા મુજબ આ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. વધુમાં, નેહરુએ અનેક મુખ્ય રાષ્ટ્રીય સંસ્થાઓનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
વડા પ્રધાન તરીકે નેહરુ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ક્રિયાઓએ મહત્ત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યક્રમો અને ઉદ્ઘાટનોમાં વડા પ્રધાનની હાજરી માટે ઐતિહાસિક દાખલા બેસાડ્યા હતા. આ હકીકત, વડા પ્રધાન દ્વારા નવા સંસદભવનનું ઉદ્ઘાટન બંધારણીય સત્તા અથવા રાષ્ટ્રપતિના આદરનું ઉલ્લંઘન કરે છે, તેવા વિપક્ષના દાવાને ખોટો સાબિત કરે છે. નવું સંસદભવન ભારતની વિકસતી લોકતાંત્રિક પરિપક્વતા અને આકાંક્ષાઓનું પ્રતીક છે. વડા પ્રધાન દ્વારા તેનું ઉદ્ઘાટન ભારતની આઝાદી બાદની લોકતાંત્રિક યાત્રાને યોગ્ય શ્રદ્ધાંજલિ અર્પે છે. સરકારના વડા તરીકે લોકો અને તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેની સીધી કડીનું પ્રતીક વડા પ્રધાન છે. તેના દ્વારા સાબિત થાય છે કે સંસદની લોકશાહી તે લોકોની ભાવનાઓનું પ્રતીક છે. વિપક્ષોનો સંસદના ઉદ્ઘાટન સંબંધી વિરોધને જોતાં એવું લાગે છે કે મુદ્દો સંસદ નહીં પણ ભાજપ અને ૨૦૨૪ની ચૂંટણીઓનો છે.
વિપક્ષોએ એક વાત યાદ રાખવી જોઈએ કે સંસદ આખા દેશની છે. આ મકાન અને તે જે લોકશાહીનું પ્રતિનિધિત્વ કરે છે તે મોદીના કાર્યકાળ પછી પણ રહેશે. કદાચ એક દિવસ આ ૧૯ પક્ષોમાંથી કેટલાક પક્ષો નવા સંસદભવનમાં બેઠા હોઈ શકે અને તેમનામાંથી એક સભ્ય વડાપ્રધાન બની શકે. કેટલાક મુદ્દાઓ એવા છે જેને લાંબા ગાળાના ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં જોવાની જરૂર છે. જો આવતી કાલે મોદી ૨૬ જાન્યુઆરીની પરેડનો ઉપયોગ પોતાની અંગત બ્રાન્ડને આગળ વધારવા માટે કરે તો શું વિપક્ષ પ્રજાસત્તાક દિવસની પરેડનો બહિષ્કાર કરશે? જો કે વિપક્ષોનો વિરોધ અવગણવો એ મૂર્ખામીભરેલું પગલું હશે. ૧૯ વિપક્ષો વચ્ચે લોકસભાની લગભગ ૧૪૦ અને રાજ્યસભાની લગભગ ૯૭ બેઠકો છે. આનો અર્થ એ થયો કે દર ચારમાંથી એક લોકસભા સાંસદ અને દર પાંચમાંથી બે રાજ્યસભાના સાંસદો ઉદ્ઘાટન સમયે હાજર રહેશે નહીં. આ બાબત આપણને ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરોધી છાવણીમાં રહેલા પક્ષોનો સ્પષ્ટ સંકેત આપે છે.
આ પક્ષો ભવિષ્યમાં ભાજપ વિરોધી યુતિ કરે તેવી સંભાવના છે. ભૂતકાળમાં વિપક્ષોએ ભાજપ કે મોદી વિરોધી નિર્ણયો સંયુક્ત રીતે લેવામાં ખંચકાટ અનુભવ્યો હતો કેમકે તેમને દેશદ્રોહી ચિતરવામાં આવતા હતા. સંસદભવનના બહિષ્કારના કિસ્સામાં આ ૧૯ પક્ષોના નેતાઓ ચોક્કસપણે જાણતા હશે કે મોદી અને ભાજપ તેમના પર ‘રાષ્ટ્રીય મહત્ત્વ’ના કાર્યક્રમમાં ભાગ ન લેવાનો આરોપ લગાવશે. મહત્ત્વનું એ છે કે આ પક્ષોએ ભાજપ દ્વારા નિશાન પર આવવાના ભય છતાં પણ પીછેહઠ ન કરવાનો નિર્ણય લીધો છે. આ બહિષ્કારની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે સંસદનું ઉદ્ઘાટન વડા પ્રધાને નહીં પરંતુ રાષ્ટ્રપ્રમુખે કરવું જોઈએ.
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે તેનાથી એક ડગલું આગળ વધ્યા અને તેમણે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને દલિતોનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમણે મોદી ઉપર દલિતવિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે નવી સંસદના શિલાન્યાસ સમારોહ માટે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું, જ્યારે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મુર્મુને સંસદના ઉદ્ઘાટન માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી. સરકાર અને વિપક્ષોની ઉગ્રતા વચ્ચે નવા સંસદભવનનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ બાબત દ્વારા એવો સંકેત મળે છે કે વિપક્ષો આવતા વર્ષની લોકસભાની ચૂંટણીઓ માટે તૈયાર થઈ રહ્યા છે. શું આ સંસદભવનનો મુદ્દો આવા બહિષ્કારને યોગ્ય હતો? આ બાબત તો કાયમ માટે વિવાદિત જ રહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.