ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધગ્રસ્ત ઈરાનમાંથી 110 ભારતીય વિદ્યાર્થીઓને લઈને એક સ્પેશિયલ ફ્લાઇટ તા.19 જૂન 2025ના રોજ ગુરુવારે વહેલી સવારે દિલ્હી પહોંચ્યું છે. આ વિદ્યાર્થીઓને પહેલા ઈરાનથી આર્મેનિયા લઈ જવામાં આવ્યા હતા.જ્યાંથી તેમને ભારત લાવવામાં આવ્યા હતા. આ વિદ્યાર્થીઓમાં 90 જમ્મુ અને કાશ્મીરના છે, જે મુખ્યત્વે મેડિકલનો અભ્યાસ કરી રહ્યા હતા.
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ વચ્ચે ભારતે તેના વિદ્યાર્થીઓને મોતના મુખમાંથી બચાવ્યા છે. ઓપરેશન સિંધુ હેઠળ 110 ભારતીય વિદ્યાર્થીઓની પહેલી ફ્લાઇટ ઈરાનથી પરત ફરી છે. ભારતીય વિદ્યાર્થીઓને લઈને ઈરાનથી આવેલું વિમાન આજે તા.19જૂન 2025ની વહેલી સવારે દિલ્હી પહોંચ્યું હતું. ઇરાનથી પરત ફરેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઈરાનની પરિસ્થિતિનું વર્ણન કર્યું.
ઈરાનથી આવેલા વિદ્યાર્થીએ શું કહ્યું?: દિલ્હીમાં લેન્ડ થયા પછી વિદ્યાર્થી અમાન અઝહરે કહ્યું કે, “હું ખૂબ ખુશ છું. મારા પરિવારને મળ્યા પછી મને કેવું લાગે છે તે હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. ઈરાનમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. ત્યાંના લોકો પણ આપણા જેવા જ છે, નાના બાળકો છે જે મુશ્કેલીમાં છે. યુદ્ધ કોઈ માટે સારું નથી. તે માનવતાનો નાશ કરે છે.”
વિદ્યાર્થીઓના પરિવારો એરપોર્ટ પર તેમના બાળકોની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. રાજસ્થાનના કોટાથી આવેલા એક વિદ્યાર્થી પિતાએ કહ્યું હતું કે, “મારો પુત્ર ઈરાનમાં MBBS કરી રહ્યો હતો. તે હવે ભારત સરકાર દ્વારા મોકલવામાં આવેલા સ્પેશિયલ વિમાન દ્વારા પરત ફરી રહ્યો છે. હું ભારતીય ઍમ્બેસીનો આભાર માનું છું.”
ઈરાનમાં લગભગ 4000 ભારતીય નાગરિકો: હાલમાં ઈરાનમાં 4000થી વધુ ભારતીય નાગરિકો છે, જેમાંથી લગભગ અડધા વિદ્યાર્થીઓ છે. ભારત સરકાર ત્યાં ફસાયેલા અન્ય નાગરિકોના સુરક્ષિત પરત ફરવા માટે ઈરાની અધિકારીઓ સાથે કામ કરી રહી છે.