નવી દિલ્હી: હૈતી (Haiti) માંથી ભારતીય નાગરિકોને બચાવીને ભારત (India) પરત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન ઈન્દ્રાવતી (Operation Indrawati) શરૂ કર્યું છે. તેમજ આ મિશન અંતર્ગત ગુરુવારે મોડી રાત્રે 12 લોકોને કેરેબિયન ટાપુ ડોમિનિકન રિપબ્લિક લઈ જવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી (Foreign Minister) એસ જયશંકરે આ જાણકારી આપી હતી.
જણાવી દઇયે કે કેરેબિયન દેશ હૈતીમાં માર્ચની શરૂઆતથી જ હિંસા ચાલી રહી છે. 29 ફેબ્રુઆરીએ દેશમાં ક્રિમિનલ ગેંગના લોકોએ ઘણી સરકારી સંસ્થાઓ પર હુમલો કર્યો હતો. જેમાં તેમણે ત્યાની એક જેલ પર પણ હુમલો કર્યો હતો. જેમાં 4 હજાર કેદીઓ ભાગી ગયા હતા. આ હથિયારધારી ક્રીમીનલ્સ લોકો દેશના ઘણા ભાગોમાં દુકાનો અને મકાનોમાં આગ લગાવી રહ્યા છે અને તોડફોડ કરી રહ્યા છે. જેમાં ઘણા ભઅરતીયો પણ ફસાયા હતા.
ત્યારે વિદેશમંત્રી જયશંકરે માહિતી શેર કરી છે કે હૈતીમાંથી 12 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેમજ તેમણે કહ્યું કે અમારી સરકાર વિદેશમાં રહેતા ભારતીયોની સુરક્ષા અને સુખાકારી માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે ભારતીય નાગરિકોને હૈતીમાંથી બહાર કાઢીને ડોમિનિકન રિપબ્લિક મોકલવામાં આવશે. થોડા સમય પહેલા જ ભારત સરકારે કહ્યું હતું કે તેઓ હૈતીમાં બગડતી પરિસ્થિતિથી ચિંતિત છે. તેમજ અમે હૈતીમાંથી 90 ભારતીયોને બહાર કાઢવા પર વિચાર કરી રહ્યા છીએ.
હૈતીમાં ભારતની દૂતાવાસ નથી
હૈતીમાં ભારતનું દૂતાવાસ નથી. જેના કારણે ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં ભારતીય મિશન દ્વારા દેશની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હૈતીના વડા પ્રધાન એરિયલ હેનરીને રાજીનામું આપવા દબાણ કરવાના હેતુથી વિવિધ ગેંગોએ દેશમાં હુમલો કર્યો છે. તેમજ દેશના મુખ્ય સ્થાનો પર સંકલિત રીતે હુમલાઓ શરૂ કરવામાં આવ્યા હતા.
હૈતીના વડાપ્રધાને રાજીનામું આપ્યું
12 માર્ચે વધતી હિંસા વચ્ચે હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ રાજીનામું આપ્યું હતું. બ્રિટિશ મીડિયા મુજબ વડાપ્રધાન એરિયલ હેનરી દ્વારા કેન્યાની મુલાકાત લીધા બાદ હૈતીમાં હિંસા શરૂ થઈ હતી. વડાપ્રધાન હૈતીમાં કેન્યાની આગેવાની હેઠળના બહુરાષ્ટ્રીય સુરક્ષા દળની તહેનાતી અંગે ચર્ચા કરવા નૈરોબી ગયા હતા. ત્યાર બાદ હૈતીની તમામ ક્રિમિનલ ગેંગે એક થઈને વડાપ્રધાનને પદ પરથી હટાવવા માટે હિંસા શરૂ કરી.