પેટલાદ : પેટલાદ નગરપાલિકા દ્વારા સોમવારના રોજ દબાણકારો ઉપર તવાઈ શરૂ થઈ ગઈ છે. જે લોકોએ નડતરૂપ રીતે લારી, ગલ્લા, કેબીનો ખડકી દિધા છે, તેવા 35 જેટલા દૂર કર્યા છે. જ્યારે રસ્તા પૈકીના 45 જેટલા પતરાંના શેડ વગેરે તોડી પાડવામાં આવ્યા છે. વર્ષો બાદ પાલિકાની લાલ આંખ કરવાથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. જેને કારણે જ શહેરના સુપર માર્કેટ સામેના વિસ્તારમાંથી કેટલાક દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
પેટલાદ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી ઉપર મુદતો પડતી જતી હતી.
અંતે એક અઠવાડીયા અગાઉ પાલિકા શહેરના દબાણકારોને તાકીદ કરતો એક ઓડીયો જારી કર્યો હતો. જેમાં શહેરના સિવીલ હોસ્પિટલથી બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, સ્ટેશન રોડ, સરદાર ચોક, ટાઉન હોલ, રણછોડજી મંદિર, સાંઈનાથ રોડ થઈ સાંઈનાથ ચોકડી સુધીના નડતરૂપ દબાણો દૂર કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત રણછોડજી મંદિરથી કોલેજ ચોકડી સુધીના ગેરકાયદેસર દબાણો પણ હટાવવા પણ નોટીસ આપી હતી. સમય મર્યાદામાં રાજમાર્ગ પૈકીના દબાણો દૂર નહિ થતાં સોમવારે પેટલાદ પાલિકા દબાણકારો ઉપર ત્રાટક્યું હતું.
પેટલાદ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજની ઉપસ્થિતીમાં પાલિકાની બાંધકામ, સેનેટરી, સફાઈ વગેરેની ટીમોએ સિવીલ હોસ્પિટલની આસપાસના ગેરકાયદેસર નડતરૂપ દબાણો સવારે 11 કલાકથી દૂર કરવા શરૂ કર્યા હતા. દબાણ દૂર કરવાની શરૂઆત થતાં જ લોકટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બીજી તરફ શહેરભરના દબાણકારોમાં ફફડાટ અને ભયનો માહોલ જોવા મળતો હતો. પાલિકાની આ કામગીરીમા કોઈ રૂકાવટ ના આવે કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો.
આ અંગે પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતું કે, સિવીલ હોસ્પિટલથી સરગમ સિનેમા સુધીના નડતરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 35 જેટલા લારી, ગલ્લા, કેબીનો ઉઠાવી લીધા છે. જ્યારે 45 જેટલા પતરાના શેડ, સામાન હટાવી કે તોડી પાડવામાં આવ્યા છે. પાલિકાએ જે દબાણકારોનો સામાન જપ્ત કર્યો છે. તેઓ પાસેથી દંડ વસૂલી સામાન પરત આપવામાં આવશે. પરંતુ તે જગ્યાએ હવે કોઈ જ દબાણો ઉભા નહિ થઈ શકે. જ્યાંથી કામગીરી સ્થગિત કરવામાં આવી છે, ત્યાંથી બુધવારે સવારે ફરી દબાણો દૂર કરવાનુ કામ હાથ ઉપર લેવામાં આવશે.
અલબત્ત, આણંદ પાલિકા હજુ મુદત જ આપી ખાંડા ખખડાવશે કે કામગીરી પણ હાથ ધરશે. ?તે પ્રશ્ન પ્રજાજનોમાં ઉઠ્યો છે.
રેલ્વે જકાતનાકાથી બસ સ્ટેન્ડ સામેની ફાટક સુધીનો રસ્તો પહોળો અને ખુલ્લો કરવો અત્યંત આવશ્યક
પેટલાદ પાલિકાના ચીફ ઓફિસર સંજય રામાનુજે જણાવ્યું હતું કે, રેલ્વે સ્ટેશન પાસેના જકાતનાકાથી બસ સ્ટેન્ડ સામેની ફાટક સુધીમાં કેબીનધારકોએ વર્ષોથી પાલિકાએ ભાડાપટ્ટે જમીન આપી હતી. પરંતુ ટ્રાફિક વધવાને કારણે આ કેબીનો નડતરૂપ બની રહ્યા છે. જેથી 70 જેટલા કેબીનધારકોને ભાડાપટ્ટાની જગ્યા ઉપરના કેબીનો 30 દિવસમાં સ્વૈચ્છિક રીતે હટાવી નોટીસ ફટકારવામાં આવી છે.
આ ઉપરાંત આ કેબીનો ધારકો વર્ષોથી પાલિકામાં ભાડુ પણ જમા કરાવતા નથી, તો ભાડાની બાકી તમામ રકમ પણ 14મી ફેબ્રુઆરી 2023 સુધીમાં ભરપાઈ કરવા નોટીસ દ્ધારા જણાવ્યું છે. જો કેબીનધારકો આ નોટીસ મુજબ બાકી ભાડા નહિ ચૂકવે કે કેબીનો નહિ હટાવે તો પાલિકા આવા દબાણો એક મહિના પછી દૂર કરશે. રેલ્વે જકાતનાકાથી બસ સ્ટેન્ડ સામેની ફાટક સુધીનો રસ્તો પહોળો અને ખુલ્લો કરવો અત્યંત આવશ્યક હોવાનું ચીફ ઓફિસરે જણાવ્યું હતું.